(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાની આવકનો મુખ્ય સ્રોત્ર ગણાતા પ્રોપર્ટી ટૅક્સને સમયસર ભરી દેવાની અપીલ મુંબઈગરાને કરવામાં આવી છે. નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ સમયગાળા માટે પ્રોપર્ટી ટેક્સ ભરવા માટે ઓનલાઈન અને ઓફલાઈન સુવિધાઓ ઉપલબ્ધ કરી આપવામાં આવી છે. ટૅક્સ ભરવામાં આનાકાની કરનારા સામે દંડાત્મક પગલાં લેવાની ચેતવણી પાલિકા દ્વારા આપવામાં આવી છે.
મુંબઈમાં જુદા જુદા વિકાસ કાર્યો માટે મુંબઈ મહાનગરપાલિકા પોતાનાં ભંડોળનો ઉપયોગ કરે છે, જેમાં પાલિકાની આવક પ્રોપર્ટી ટૅક્સ, પ્રિમીયમ ચાર્જીસ સહિત જુદા જુદા ટૅક્સ વસૂલ કરીને ઊભી કરે છે. નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના વર્ષમાં પાલિકાએ લક્ષ્યાંક કરતાં પણ વધુ એટલે કે ૧૦૩.૬૮ ટકા પ્રોપર્ટી ટૅક્સ વસૂલ કર્યો હતો, જે લગભગ ૭,૩૪૧ કરોડ રૂપિયા હતા.
પાલિકાએ આ વર્ષે પણ કરદાતાઓને ૨૦૨૬-૨૭ સમયગાળા માટે પ્રોપર્ટી ટેક્સ સમયસર ભરવા વિનંતી કરી છે. પહેલી એપ્રિલ, ૨૦૨૬ થી ૩૧ માર્ચ, ૨૦૨૭ સુધીના નાણાકીય વર્ષ માટે પ્રોપર્ટી ટૅક્સની ચુકવણી ૨૧ જુલાઈ, ૨૦૨૬થી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટૅક્સ એસેસમેન્ટ અને કલેક્શન વિભાગ દ્વારા પોર્ટલ પર ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
પાલિકાના અસેસમેન્ટ ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ પ્રોપર્ટી ટૅક્સ ધારકોને પ્રિન્ટેડ બિલ મોકલવામાં આવ્યા છે. ઓનલાઈન અથવા વોર્ડ સ્તરે આવેલી પાલિકાના નાગરિક સુવિધા કેન્દ્રોમાં ટૅક્સ ભરવાની સુવિધા નિયત તારીખમાં ઉપલબ્ધ છે. નિર્ધારિત સમયગાળામાં મિલકત વેરો ચૂકવવામાં નિષ્ફળતા મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટની કલમ ૨૦૨ હેઠળ દંડનીય કાર્યવાહીનો સામનો કરી શકે છે.
પ્રોપર્ટીના માલિકોને દંડનીય કાર્યવાહીથી બચવા માટે સમયસર કર ચૂકવવા અપીલ પણ પાલિકાએ કરી છે. પ્રોપર્ટી ટૅક્સ ઓનલાઈન કેવી રીતે ચૂકવવો તેની વિગતવાર માહિતી તેમજ રહેવાસીની નોંધણી કરવાની પ્રક્રિયા મ્યુનિસિપલ કોર્પોરેશનના પોર્ટલ પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. કરદાતાઓ ઓનલાઈન સુવિધાનો ઉપયોગ કરીને ઘરે બેઠા મિલકત વેરો ભરી શકશે. આ સાથે જ નાગરિકો એનએફટીઈ, આરટીજી અને ગૂગલ પે, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ દ્વારા કર ચૂકવી શકે છે. ઉપરાંત ઑફલાઇન મોડ દ્વારા મિલકત વેરો ભરવાની સુવિધા પણ ઉપલબ્ધ છે. જે મિલકત માલિકો મિલકત વેરો ઑફલાઇન ભરવા માગતા હોય તેઓ પાલિકાની વોર્ડ ઓફિસમાં આવેલા નાગરિક સુવિધાઓ કેન્દ્રોની મુલાકાત લઈ શકે છે અને ચેક, ડાયરેક્ટ ડેબિટ / ડિમાન્ડ ડ્રાફ્ટ (ડી.ડી.) / રોકડ સ્વરૂપે મિલકત વેરો ચૂકવી શકે છે.