Mon Aug 31 2026

Logo

ગુજરાત ગૌરવ સરોવરનું અમિત શાહે કર્યું લોકાર્પણ, સૌરાષ્ટ્રના ખેડૂતોને થશે લાંબાગાળાનો ફાયદો

2026-08-27 22:17:58
Author: Mumbai Samachar Team
ગુજરાત ગૌરવ સરોવરનું અમિત શાહે કર્યું લોકાર્પણ, સૌરાષ્ટ્રના ખેડૂતોને થશે લાંબાગાળાનો ફાયદો

અમરેલીઃ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામે હેતની હવેલી પાસે નિર્માણ પામેલા ગુજરાત ગૌરવ સરોવરનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવ્યું હતું. હેતની હવેલી ખાતે ગાગડીયો નદીના કાંઠે ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા નિર્માણ કરાયેલા ગુજરાત ગૌરવ સરોવરનો એક અલગ નજારો જોવા મળ્યો હતો. સરોવરનું નિર્માણ જળસંચય અને જળસંવર્ધનના હેતુથી કરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે. કેન્દ્રીય ગૃહમંત્રી દૂધાળા હેલીપેડ ખાતે આવી પહોંચ્યા હતા. ત્યારબાદ રસ્તામાં લોકોએ ગૃહમંત્રીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. લોકોના અભિવાદન ઝીલવા સાથે કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા. જ્યાંથી તેઓએ સરોવરનું લોકર્પણ કર્યું હતું અને બાદમાં તેઓ સભા યોજી હતી. 

સૌરાષ્ટ્ર માટે અતિ મહત્ત્વનો પ્રોજેક્ટ

આ વિશાળ સરોવરનું લોકાર્પણ કરીને તેઓ અમદાવાદ જવા માટે રવાના થયા હતા. સૌરાષ્ટ્રમાં વરસાદી પાણીના સંગ્રહ અને ઉપયોગની દ્રષ્ટિએ આ પ્રોજેક્ટને ખૂબ જ મહત્ત્વનો માનવામાં આવે છે.આ પ્રોજેક્ટને લઈને સ્થાનિક આગેવાનો તથા ગ્રામજનો દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી હતી. આ સરોવર તૈયાર થતા હવે આસપાસના 70 થી વધારે ગામના ખેડૂતોને સીધો લાભ થશે. જળસંગ્રહની કામગીરીના કારણે આસપાસના 70થી વધારે ગ્રામ્ય વિસ્તારમાં ખેતી કરતા ખેડૂતોને આનો સીધો લાભ મળી રહેશે. પાણીના જળસ્તરમાં અને સંગ્રહ શક્તિમાં સુધારો થતા ખેતી ક્ષેત્ર ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વધારે મજબૂત બનશે. પાણીની પ્રાપ્યતાના કારણે આ વિસ્તારમાં જમીનના ભાવમાં પણ ધીમે ધીમે હવા વધારો થશે. 

ખેતી પણ સમૃદ્ધ થશે

દુધાળા નજીક ગાગડીયો નદીના કાંઠે ધોળડિયા ફાઉન્ડેશન દ્વારા આશરે 80 હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં ગુજરાત ગૌરવ સરોવરનું નિર્માણ પૂર્ણ કરવામાં આવ્યું જાણવા મળ્યું છે. જળસંચય અને જળસંવર્ધનને કેન્દ્રમાં રાખી તૈયાર કરાયેલા આ પ્રકલ્પનું લોકાર્પણ કરવામાં આવેલ છે.કુલ 80 હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં પથરાયેલા અને 23 કરોડ લિટર પાણીની સંગ્રહ ક્ષમતા ધરાવતા આ સરોવરથી આસપાસ હજારો ખેડૂતોને લાભ થશે. આ પ્રસંગે અમિત શાહે જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આપણા રાજ્યમાં જળ સંગ્રહને લઈને અનેક એવા કામો થયા છે. સમગ્ર ગુજરાત દુષ્કાળમુક્ત ગુજરાત બન્યું છે. સમૃદ્ધ ગુજરાત બન્યું છે. વર્ષ 2017થી ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા જળસંગ્રહ માટે પ્રોજેક્ટ સ્કેલના કામ શરૂ થયા છે. જ્યાં પાણીના અભાવે ખેતી કરવી મુશ્કેલ હતી ત્યાં હવે પાણી પહોંચતા ખેતી પણ સમૃદ્ધ થશે.