ભુજ: ભારત-પાકિસ્તાન સરહદ પર સ્થિત કચ્છના સંવેદનશીલ ક્રીક (ખાડી) વિસ્તારમાં દેશની સુરક્ષા વ્યવસ્થાને આધુનિક અને વધુ મજબૂત બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા રૂ. ૪૩૨.૦૯ કરોડના જંગી ખર્ચ સાથેનો એક મેગા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે.
આશરે ૩૨ મહિનાના નિર્ધારિત સમયગાળામાં પૂર્ણ થનારા આ પ્રોજેક્ટ અંતર્ગત કચ્છના પાંચ મુખ્ય ક્રીક વિસ્તારો રમેશ ચેનલ, ઈશ્વર ચેનલ, દેવેન્દ્ર ચેનલ, વિક્રમ ચેનલ અને ડાફા-II માં એકીકૃત ઓપરેશનલ સેટઅપ તૈયાર કરવામાં આવશે.
સેન્ટ્રલ પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા 'ઈપીસી' (એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રક્શન) મોડેલ હેઠળ આયોજિત આ પ્રોજેક્ટ માત્ર સીમા ચોકીઓ પૂરતો સીમિત ન રહેતાં, સમગ્ર વિસ્તારને જળ અને જમીન બંને માર્ગે સુરક્ષિત કરશે. કચ્છનો ક્રીક વિસ્તાર સામાન્ય જમીની સરહદ કરતાં તદ્દન ભિન્ન છે, જ્યાં સુરક્ષા દળોએ કાદવ-કીચડ, ક્ષાર અને સતત બદલાતા જળમાર્ગો વચ્ચે કામગીરી કરવાની હોય છે.
આ મુશ્કેલી દૂર કરવા માટે પ્રોજેક્ટ હેઠળ બોટ ફ્લીટ માટે જેટી, જળમાર્ગોને સતત કાર્યરત રાખવા ડ્રેજિંગ, સંપર્ક રસ્તાઓ, નાળાં અને ઊંચા ઓબ્ઝર્વેશન ટાવરનું નિર્માણ કરવામાં આવશે. આ ઉપરાંત, દૂરના સીમાવર્તી વિસ્તારોમાં પીવાના પાણીની સંગ્રહ ક્ષમતા, ડીઝલ જનરેટર સેટ અને આંતરિક ઈલેક્ટ્રિકલ સિસ્ટમ જેવી પાયાની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવાશે.
ઉલ્લેખનીય છે કે, સરહદી સુરક્ષાને સુદ્રઢ કરવાના આ સઘન પ્રયાસો અગાઉથી જ ચાલી રહ્યા છે. વર્ષ ૨૦૨૩માં રૂ. ૨૫૭ કરોડના ખર્ચે કોટેશ્વર મૂરીંગ પ્લેસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરાયો હતો, તેમજ હરામી નાળા વિસ્તારમાં ૨૮ કિલોમીટર લાંબા ચિડિયામોડ-બીઆર બેટ લિંક રોડ અને ઓપી ટાવરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વર્ષ ૨૦૨૬માં જી-૭ અને જી-૧૩ બોર્ડર પોસ્ટ પણ કાર્યરત કરી દેવામાં આવી છે. મંગળવારથી આ મેગા ટેન્ડરની બિડિંગ પ્રક્રિયા શરૂ થશે, ત્યારબાદ તકનીકી અને નાણાકીય મૂલ્યાંકન કરીને કોન્ટ્રાક્ટ ફાળવવામાં આવશે. આ પ્રોજેક્ટ્સ પૂર્ણ થતાં કચ્છની સરહદે છૂટાછવાયા બોર્ડર પોસ્ટના સ્થાને રસ્તા, જળમાર્ગ અને આધુનિક સર્વેલન્સનું એક અદ્યતન નેટવર્ક તૈયાર થશે.
ઉત્સવ વૈદ્ય