Tue Oct 06 2026

Logo

ભુજ નગરપાલિકા આગળ સામાજિક આગેવાનની આત્મવિલોપનની ધમકી,ફેરિયાઓ સામેની કાર્યવાહીનો વિરોધ

2026-08-31 20:57:09
Author: Mumbai Samachar Team
ભુજ નગરપાલિકા આગળ સામાજિક આગેવાનની આત્મવિલોપનની ધમકી,ફેરિયાઓ સામેની કાર્યવાહીનો વિરોધ

 ભુજ: કચ્છના ભુજ શહેરમાં શેરી ફેરિયાઓ સામે નગરપાલિકા દ્વારા હાથ ધરાયેલી દબાણ હટાવ કાર્યવાહીના વિરોધમાં સામાજિક આગેવાન મામદ લાખા ભુજ નગરપાલિકા કચેરીની છત પર ચડી જઈ આત્મવિલોપનની ચીમકી આપતાં તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી.

નગરપાલિકાના અધિકારીઓ સ્થળ પર  આવ્યા હતા

આ બનાવની વિગતો મુજબ, પાલિકાની કાર્યવાહીથી નારાજ મામદ લાખા અચાનક નગરપાલિકા ભવનની છત પર પહોંચી ગયા હતા અને વિરોધ નોંધાવવાનું શરૂ કર્યું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો અને ફાયર બ્રિગેડ સહિત નગરપાલિકાના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. આ ઘટનાના પગલે કચેરી પરિસરમાં લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા.

તેમને સલામત રીતે નીચે ઉતારવામાં આવ્યા 

પોલીસ અને પાલિકા તંત્ર દ્વારા દોરડા અને બચાવ સાધનોની મદદથી તેમને સલામત રીતે નીચે ઉતારવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી તેમજ સમજાવટના પ્રયાસો કરાયા હતા. ઉલ્લેખનીય છે કે, મામદ લાખાએ અગાઉ પણ આવા પ્રકારનો પ્રયાસ કર્યો હોવાથી પોલીસ તંત્ર વધુ હરકતમાં આવ્યું હતું અને સમગ્ર વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે કડક બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

(ઉત્સવ વૈધ )