મુંબઈ: મુંબઈ મેટ્રો લાઇન 7Aના નિર્માણમાં થયેલી ડિઝાઇનની એક મોટી ભૂલ મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)ને ભારે પડી શકે છે. વિલે પાર્લે ઈસ્ટમાં એરપોર્ટ કોલોની સ્ટેશન નજીક બનાવવામાં આવેલા એલિવેટેડ વાયડક્ટ અને ઓવરહેડ ઇલેક્ટ્રિફિકેશન (OHE) સિસ્ટમની ઊંચાઈ નક્કી કરવામાં ગંભીર ભૂલ થઈ હોવાનું સામે આવ્યું છે. આ ભૂલને કારણે પ્રોજેક્ટને અંદાજે 250થી 260 કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે.
વિલે પાર્લે ઈસ્ટમાં એરપોર્ટ કોલોની નજીક બનાવવામાં આવેલા આશરે 1 કિલોમીટર લાંબા એલિવેટેડ વાયાડક્ટની ઊંચાઈમાં ખામી હોવાનું સામે આવ્યા બાદ હવે તેને તોડીને ફરી બનાવવાની શક્યતા ઊભી થઈ છે. આ સ્થિતિ સર્જાય તો આશરે ₹250 કરોડનો વધારાનો ખર્ચ થઈ શકે છે.
બાંધકામનો ખર્ચ અને સમય બંનેનો હિસાબ કોણ આપશે
આ મામલે હવે મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) અને પ્રોજેક્ટના જનરલ કન્સલ્ટન્ટ સિસ્ટ્રા -સીઈજી-એસએમસીઆઈપીએલ વચ્ચે આ ભૂલની જવાબદારી લેવાના બદલે આપસમાં આરોપ પ્રત્યારોપની રમત રમાઈ હોવાની ગંભીર બાબતબ પણ ઉજાગર થઈ છે. અને જો હવે AAIની મંજૂર ઊંચાઈના નિયમોને કારણે માળખું બદલવું પડે, તો અત્યાર સુધી થયેલા બાંધકામનો ખર્ચ અને સમય બંનેનો હિસાબ કોણ આપશે?
સિસ્ટ્રાએ આ ખામી માટે પોતાની જવાબદારીમાંથી હાથ ઊંચા કર્યાં
એમએમઆરડીએનો દાવો છે કે ડિઝાઇન અને પ્લાનિંગ દરમિયાન એરપોર્ટ વિસ્તારમાં લાગુ પડતી ઊંચાઈની મર્યાદા અને ઓવરહેડ ઇલેક્ટ્રિફિકેશન (OHE) માટે જરૂરી વધારાની ઊંચાઈને યોગ્ય રીતે ધ્યાનમાં લેવામાં આવી નહોતી. બીજી તરફ, સિસ્ટ્રાએ આ ખામી માટે પોતાની જવાબદારી ન હોવાનું જણાવ્યું હોવાનું રિપોર્ટિંગમાં સામે આવ્યું છે.
હવે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા સામે પણ ઊઠ્યાં ગંભીર સવાલ
આથી હવે સૌથી મોટો સવાલ એ છે કે ડિઝાઇનની ભૂલ માટે જવાબદાર કોણ છે અને જો આખરે વાયાડક્ટ તોડીને ફરી બનાવવો પડે તો તેનો ખર્ચ કોણ ઉઠાવશે? આ ખામી સામે આવ્યા બાદ પ્રોજેક્ટનો સંબંધિત ભાગ 2025થી અટકાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. ત્યાં સુધીમાં વાયાડક્ટનું મોટાભાગનું કામ પૂર્ણ થઈ ગયું હતું અને એરપોર્ટ કોલોની સ્ટેશન તથા તેનો એલિવેટેડ રેમ્પ પણ નોંધપાત્ર તબક્કે પહોંચી ગયા હતા. તેથી હવે સવાલ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા સામે પણ ઉઠી રહ્યા છે કે આ સમગ્ર મામલે ધ્યાન પહેલા કેમ ના દોરાયું?
પ્રોજેક્ટમાં વધુ વિલંબ થવાની રહેશે પૂરેપૂરી શક્યતા
જો એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા તરફથી ઊંચાઈ અંગે કોઈ રાહત નહીં મળે, તો આશરે 1 કિલોમીટર લાંબા વાયાડક્ટને તોડીને ફરીથી બનાવવો પડી શકે છે. માત્ર વાયાડક્ટની ઊંચાઈ ઘટાડવી પણ સરળ વિકલ્પ નથી. તેની અસર મેટ્રો લાઇનના ગ્રેડિયન્ટ અને અન્ય ટેકનિકલ પરિમાણો પર પડી શકે છે, તેથી સમગ્ર ડિઝાઇનમાં ફેરફાર કરવાની અથવા માળખું ફરીથી બનાવવાની જરૂર પડી શકે છે. આ પ્રક્રિયાથી માત્ર પુનઃનિર્માણનો ખર્ચ જ નહીં, પરંતુ પ્રોજેક્ટમાં વધુ વિલંબ થવાની શક્યતા પણ છે.
માળખાને તોડ્યું તો નાગરિકોને ફરીથી ટ્રાફિકની મુશ્કેલી પડી શકે
મુંબઈમાં મેટ્રો બાંધકામનો હેતુ શહેરની ટ્રાફિક સમસ્યા ઘટાડવાનો છે, પરંતુ બાંધકામ દરમિયાન રસ્તાઓ પર બેરિકેડિંગ, ડાઇવર્ઝન અને કામના કારણે નાગરિકોને લાંબા સમયથી ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડે છે.આ પરિસ્થિતિમાં જો તૈયાર થયેલા માળખાને ફરી તોડીને બાંધકામ કરવું પડે, તો નાગરિકોને ફરીથી ટ્રાફિક અને અવરજવરની મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
એમએમઆરડીએએ ડિઝાઇન કન્સલ્ટન્ટની ભૂલ તરફ આંગળી ચીંધી છે. જોકે, નિષ્ણાત કન્સલ્ટન્ટની નિમણૂક કર્યા બાદ ડિઝાઇનની ચકાસણી અને સમગ્ર બાંધકામ પ્રક્રિયાની દેખરેખની જવાબદારી પ્રોજેક્ટ ઓથોરિટી પર રહે છે.
ડિઝાઇન તૈયાર થઈ, તેની ચકાસણી થઈ, મંજૂરી મળી અને ત્યારબાદ બાંધકામ પણ આગળ વધ્યું. જો આ દરમિયાન જરૂરી ઊંચાઈના નિયમોનું યોગ્ય રીતે પાલન કરવામાં આવ્યું ન હોય, તો જવાબદારી માત્ર ડિઝાઇન કન્સલ્ટન્ટ પૂરતી મર્યાદિત રહી શકે કે પછી સમગ્ર મંજૂરી અને દેખરેખની પ્રક્રિયાની પણ તપાસ થવી જોઈએ?
હાલ સમગ્ર મામલે AAIનો અંતિમ ટેકનિકલ રિપોર્ટ મહત્વપૂર્ણ બનશે છે. આ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે કે હાલના માળખામાં કોઈ ટેકનિકલ ફેરફાર કરીને સમસ્યા ઉકેલી શકાય છે કે પછી પુનઃનિર્માણ જ એકમાત્ર વિકલ્પ રહેશે. પરંતુ આ દરમિયાન એમએમઆરડીએ અને સિસ્ટ્રા વચ્ચે જવાબદારી અંગેના મતભેદે એક મોટો પ્રશ્ન ઉભો કર્યો છે.
આ પ્રકરણે માહિતી આપતા એમએમઆરડીએના મેટ્રો પ્રોજેક્ટ્સ ડિરેક્ટર બસવરાજ એમ.બી.એ જણાવ્યું હતું કે, AAIનો અંતિમ રિપોર્ટ મળ્યા બાદ સમગ્ર મામલાનું ટેકનિકલ મૂલ્યાંકન કરવામાં આવશે. ત્યાર બાદ આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે મુંબઈ મેટ્રો લાઇન 7Aની લંબાઈ આશરે 3.4 કિલોમીટર છે. આ લાઇન અંધેરી ઈસ્ટને એરપોર્ટ સાથે જોડવાની મહત્વપૂર્ણ કડી છે. આ પ્રોજેક્ટનો હેતુ મુસાફરોને એરપોર્ટ વિસ્તારમાંથી અંડરગ્રાઉન્ડ મેટ્રો લાઇન 3 સાથે જોડવાનો છે.
મેટ્રો 7Aનું કામ અગાઉ 2021માં શરૂ થવાનું હતું, પરંતુ વિવિધ કારણોસર તેની સમયમર્યાદા અનેક વખત આગળ ધકેલાઈ છે. હવે ડિઝાઇન સંબંધિત આ સમસ્યાને કારણે પ્રોજેક્ટની કિંમત અને સમયમર્યાદા બંને પર વધુ અસર થવાની શક્યતા છે.