ગત સપ્તાહે અમેરિકી ટ્રેઝરી વિભાગ દ્વારા પ્રવાહિતા વધારવા માટે લાંબા સમયગાળાના બૉન્ડના બાયબૅકની માત્રા બમણી કરવાનો નિર્ણય લેતા વૈશ્વિક બુલિયન માર્કેટમાં સપ્તાહના મધ્ય સુધી સુધારાતરફી વલણ રહ્યા બાદ ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં વધારો થવાથી તેમ જ ઊંચા મથાળેથી નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડાતરફી વલણ જોવા મળ્યું હતું.
વધુમાં ગત સપ્તાહના અંતે અથવા તો ગત શુક્રવારે અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ કેવિન વાર્શે જેક્શન હૉલ ખાતેનાં તેમના વક્તવ્યમાં ફુગાવામાં અપેક્ષાનુસાર અથવા તો નોંધપાત્ર ઘટાડો જોવા નથી મળી રહ્યો હોવાનું જણાવતા બજાર વર્તુળોમાં ફરી એક વખત આગામી 15-16 સપ્ટેમ્બરની બે દિવસીય નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં વધારો કરવામાં આવે તેવી ભીતિ સપાટી પર આવી હતી અને સપ્તાહના અંતે ન્યૂ યોર્ક ખાતે સોનાના હાજર ભાવમાં 2.9 ટકાનો અને ચાંદીના ભાવમાં 3.50 ટકા જેટલો કડાકો બોલાઈ ગયો હતો.
એકંદરે ગત સપ્તાહના મધ્યથી વૈશ્વિક સોના-ચાંદીમાં ઘટાડાતરફી વલણ રહેતાં સ્થાનિક ઝવેરી બજારમાં પણ બન્ને કિંમતી ધાતુઓનાં ભાવમાં સાપ્તાહિક ધોરણે ઘટાડો નોંધાયો હતો. ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર સ્થાનિકમાં વેરારહિત ધોરણે 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના 10 ગ્રામદીઠ ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ગત 21મી ઑગસ્ટના રૂ. 1,60,620ની સામે સુધારાના અન્ડરટોને રૂ. 1,62,603ના મથાળે ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં રૂ. 1,58,226 અને ઉપરમાં ખૂલતી રૂ. 1,62,603ની સપાટીની રેન્જમાં રહ્યા બાદ અંતે સાપ્તાહિક ધોરણે 10 ગ્રામદીઠ રૂ. 1042 અથવા તો 0.64 ટકા ઘટીને રૂ. 1,59,578ની સપાટીએ બંધ રહ્યા હતા.
તે જ પ્રમાણે હાજરમાં વેરારહિત ધોરણે ચાંદીના કિલોદીઠ ભાવ આગલા સપ્તાહના અંતના રૂ. 2,46,630ના બંધ સામે સુધારાના અન્ડરટોને રૂ. 2,46,333ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં રૂ. 2,39,500 અને ઉપરમાં ખૂલતી જ રૂ. 2,46,333ની સપાટીની રેન્જમાં રહીને અંતે સાપ્તાહિક ધોરણે રૂ. 2738 અથવા તો 1.11 ટકાના ઘટાડા સાથે રૂ. 2,43,892ના મથાળે બંધ રહ્યા હતા.
એકંદરે બન્ને કિંમતી ધાતુઓમાં ગત સપ્તાહે વિશ્વ બજાર પાછળ ભાવમં તેજીનું વલણ રહ્યું હોવાથી ચાંદીમાં ઔદ્યોગિક વપરાશકારોની અને સોનામાં રોકાણલક્ષી માગને બાદ કરતાં જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ શુષ્ક રહી હતી. વધુમાં તાજેતરમાં સરકારે સોના-ચાંદીની આયાત જકાતમાં વધારો કર્યા બાદ સોનાની દાણચોરીથી આયાત વધી હોવાની શક્યતાને ધ્યાનમાં લેતા સરકાર આયાત જકાતમાં કરવામાં આવેલો વધારો પાછો ખેંચે તેવી બજારમાં ચર્ચા ચકડોળે ચડી હોવાથી ડ્યૂટી ઘટાડાના આશાવાદ હેઠળ પણ માગ તળિયે બેસી ગઈ હોવાનું સૂત્રોએ જણાવતાં ઉમેર્યું હતું કે માગમાં ઘટાડો થવાને કારણે સ્થાનિકમાં ડીલરો દ્વારા ઓફર કરવામાં આવતા સોનાના ભાવ પરનાં ડિસ્કાઉન્ટમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.
જોકે, ગત સપ્તાહના અંતે વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હોવાથી આવતીકાલે સ્થાનિકમાં પણ સોના અને ચાંદીમાં નરમાઈનું વલણ જોવા મળે તેવી શક્યતા સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે. એકંદરે ગત સપ્તાહે ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં વધારો થવાથી અને વધ્યા મથાળેથી નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં સોના અને ચાંદીના વૈશ્વિક ભાવમાં અંદાજે 2.5 ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો.
જોકે, સપ્તાહના અંતે અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ કેવિન વાર્શે જેક્શન હૉલ ખાતેના વક્તવ્યમાં તંગ નાણાનીતિના સંકેત આપતા ભાવ વધુ દબાણ હેઠળ આવ્યા હોવાનું એસએમસી ઈન્વેસ્ટમેન્ટ્સ ઍન્ડ ઍડવાઈઝર્સના વિશ્લેષકે જણાવતાં ઉમેર્યું હતું કે સોના અને ચાંદીના ભાવની વધઘટનો આધાર મુખ્યત્વે અમેરિકી ફેડરલ રિઝર્વની નાણાનીતિનાં અને વ્યાજદરનાં સંકેતો પર અવલંબિત રહેશે. નોંધનીય બાબત એ છે કે તાજેતરમાં જાહેર થયેલો અમેરિકાનો ગત જુલાઈ મહિનાનો ફુગાવો ફેડરલના બે ટકાના લક્ષ્યાંક સામે વધીને 3.7 ટકાના સ્તરે રહ્યો હોવાથી ફેડરલ રિઝર્વ લાંબા સમયગાળા સુધી તંગ નાણાનીતિ અપનાવે અથવા તો વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતા પ્રબળ બની છે.
જોકે, રોજગારીનાં પ્રોત્સાહક ડેટાથી અમુક અંશે ટેકો પણ મળી રહ્યો હોવાનું જણાવતા તેમણે ઉમેર્યું હતું કે ટેક્નિકલ દૃષ્ટિએ જોતા વર્તમાન સપ્તાહે વૈશ્વિક સોના માટે આૈંસદીઠ 4400 ડૉલરની સપાટી ટેકાની અને 4700 ડૉલરની સપાટી પ્રતિકારક સપાટી પુરવાર થશે, જ્યારે હાજરમાં ચાંદીની રેન્જ આૈંસદીઠ 65થી 72 ડૉલર આસપાસની રહેશે. તેમ જ સ્થાનિકમાં સોનાના ઓનલાઈન વાયદામાં ભાવની રેન્જ 10 ગ્રામદીઠ રૂ. 1,52,000થી 1,67,000ની અને ચાંદીના ભાવની રેન્જ કિલોદીઠ રૂ. 2.32 લાખથી 2.55 લાખની રેન્જ રહે તેવી શક્યતા નકારી ન શકાય.
દરમિયાન ગત સપ્તાહના અંતે અમેરિકી ફેડરલ રિઝર્વનાં અધ્યક્ષ કેવિન વાર્શે વધતા ફુગાવાને અંકુશમાં લાવવા માટે વધુ કડક પગલાં લેવાની આવશ્યકતા પર ભાર મૂકતાં આગામી સપ્ટેમ્બર મહિનાની બેઠકમાં વ્યાજદરમાં વધારો કરવામાં આવે તેવી શક્યતા જણાતા ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર હાજર અને ડિસેમ્બર ડિલિવરી વાયદામાં સોનાના ભાવ આગલા બંધ સામે 2.9 ટકા ઘટીને અનુક્રમે આૈંસદીઠ 4567.23 ડૉલર અને 4529.90 ડૉલર આસપાસ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 3.5 ટકાના ઘટાડા સાથે આૈંસદીઠ 66.81 ડૉલર આસપાસ રહ્યા હતા.
વધતા ફુગાવાને નિયંત્રણમાં લાવવા અને બે ટકા લક્ષ્યાંકિત ફુગાવો હાંસલ કરવા માટે વધુ કપરા નિર્ણયો લેવા પડશે એવા સંકેતને કારણે વ્યાજદરમાં વધારાની ધારણા હેઠળ સોના અને ચાંદી સહિતની કિંમતી ધાતુઓના ભાવ દબાણ હેઠળ આવ્યા હોવાનું વિશ્લેષક તાઈ વૉંગે જણાવતાં ઉમેર્યું હતું કે ગત શુક્રવારના ફેડરલના અધ્યક્ષના વક્તવ્ય બાદ ડૉલર ઈન્ડેક્સ એક સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો અને ફેડરલ રિઝર્વ સપ્ટેમ્બર મહિનાની બેઠકમાં વ્યાજદરમાં વધારો કરે તેવી 58 ટકા શક્યતા સીએમઈ ફેડ વૉચ ટૂલ પર બજાર વર્તુળો વ્યક્ત કરી રહ્યા હતા.