Thu Sep 10 2026

Logo

અમેઠીમાં ચાલતી ગૂડ્સ ટ્રેનમાં ગાર્ડની કેબિન અલગ થઈ, એક કિમી આગળ નીકળી ગયું એન્જિન

2026-09-03 14:56:00
Author: Mumbai Samachar Team
અમેઠીમાં ચાલતી ગૂડ્સ ટ્રેનમાં ગાર્ડની કેબિન અલગ થઈ, એક કિમી આગળ નીકળી ગયું એન્જિન

અમેઠી: ઉત્તરપ્રદેશના અમેઠી જિલ્લાના રામગંજ ડિવિઝનમાં રેલવે વિભાગની મોટી બેદરકારી મળી છે. અયોધ્યાથી પ્રયાગરાજ જઈ રહેલી ગૂડ્સ ટ્રેનનું કપલિંગ યોગ્ય રીતે નહીં જોડાતા ગાર્ડ ડબ્બા સહિત અડધા ડઝન ડબ્બા રસ્તામાં અલગ થઈ ગયા હતા. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. 

જાનહાનિ ટળી ગઈ
લગભગ એક કિલોમીટર આગળ ગયા બાદ ડ્રાઈવરને આ ઘટના બાબતે જાણ થઈ હતી. ત્યારબાદ એન્જિનને ફરી પરત લાવી અન્ય છુટા પડી ગયેલા ડબ્બાઓને જોડવામાં આવ્યા હતા અને ટ્રેનને રવાના કરવામાં આવી હતી.આ ઘટનામાં સમયસૂચકતાના કારણે એક મોટી જાનહાનિ થતા ટળી હતી. પણ જો સામે છેડેથી કોઈ ટ્રેન આવતી હોત તો મોટા અકસ્માતનું નિર્માણ થઈ શક્યું હોત.

પાછળથી ટ્રેન ન આવી
કપલિંગ ખુલ્યા બાદ માલગાડીના ગાર્ડનો ડબ્બો અને અન્ય બોગિઓ પાછળ છૂટી ગયા હતા. જયારે એન્જિન લગભગ એક કિલોમીટરના અંતર સુધી આગળ વધી ગયું હતું. સદ્નસીબે પાછળથી કોઈ અન્ય ટ્રેન આવી રહી નહોતી એટલે મોટી દુર્ઘટના ટળી હતી. 

સ્ટેશન સુપ્રિટેન્ડન્ટ નિવેદન 
સ્ટેશન સુપ્રિટેન્ડન્ટ જણાવ્યા અનુસાર વાયરલ વીડિયો લગભગ 24 કલાક જૂનો છે. એવી સંભાવના છે કે કપલિંગ સરખી રીતે નહીં જોડાવવા અથવા તો ચાલતા ચાલતા ખૂલી જવાના લીધે ડબ્બા અલગ થયા હતા. જોકે, પ્રશાસનને માહિતી મળ્યા બાદ ડબ્બાઓને જોડીને ટ્રેનને પ્રયાગરાજ જવા માટે રવાના કરી દેવામાં આવી હતી.