Sat Sep 05 2026

Logo

યુપીના કૌશામ્બીમાં ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ! અનેકના મોત, અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

2026-08-31 16:23:58
Author: Darshana Visaria
યુપીના કૌશામ્બીમાં ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ! અનેકના મોત, અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

પ્રતીકાત્મક તસવીર


ઉત્તર પ્રદેશઃ ઉત્તર પ્રદેશના કૌશામ્બી જિલ્લામાંથી એક અત્યંત દર્દનાક અને ભયાનક અકસ્માત સામે આવ્યો છે. કૌશામ્બીના પીપરી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના મહમૂદપુરમાં આવેલી એક ગેરકાયદે/ફટાકડા બનાવતી ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ થયો છે. આ ભીષણ બ્લાસ્ટમાં અનેક લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હોવાની અને અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી રહી છે. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેનો અવાજ કિલોમીટરો સુધી સંભળાયો હતો અને આસપાસના લગભગ ત્રણ મકાનોમાં આગ લાગી જતાં તે બળીને ખાખ થઈ ગયા હતા.

આ દુર્ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયેલા, ઈજા પામનારા  લોકોને તાત્કાલિક સારવાર માટે પ્રયાગરાજની એસઆરએન હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાં એક મહિલાની હાલત અત્યંત નાજુક હોવાનું જણાવવામાં આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ સર્કલ ઓફિસર (CO) શિવાંગ સિંહ સહિત પોલીસનો મોટો કાફલો અને ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાની સાથે બચાવ કામગીરી હાથ ધરી હતી.

કૌશામ્બીના ડીએમ અમિત પાલ શર્માએ જણાવ્યું હતું કે ઘટનાની જાણ થતાં જ બંને જિલ્લાઓની ટીમોએ સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું હતું. કાટમાળમાંથી લોકોને સુરક્ષિત બહાર કાઢી ઈમરજન્સી સારવાર આપવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં ત્રણ મકાનો આગની ચપેટમાં આવ્યા હોવાનું જણાય છે.

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ એ કૌશામ્બી અકસ્માતની તાત્કાલિક ગંભીર નોંધ લીધી છે. તેમણે આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા મૃતકોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. વહીવટી અધિકારીઓને ઈજાગ્રસ્તોને શ્રેષ્ઠ અને વિનામૂલ્યે સારવાર મળે તે સુનિશ્ચિત કરવા તેમજ પીડિત પરિવારોને શક્ય તમામ સરકારી સહાય પૂરી પાડવા કડક આદેશ આપ્યા છે. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે તમામ ઈજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના પણ કરી છે