વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. 5039.80 કરોડની ચોખ્ખી વેચવાલી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ આઈટી ક્ષેત્રની વૈશ્વિક અગ્રણી કંપની એનવિડિયાનાં પરિણામો મજબૂત આવ્યાના નિર્દેશો સાથે વૉલ સ્ટ્રીટ ખાતે તેના શૅરના ભાવમાં 8.7 ટકા જેટલો ઉછાળો આવ્યો હતો અને અન્ય આઈટી શૅરોના પણ ભાવ વધી આવતા આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આઈટી શૅરોમાં રોકાણકારોની વ્યાપક લેવાલી રહેતાં બે દિવસની મંદીને બે્રક લાગી હતી અને બાઉન્સબૅક જોવા મળ્યું હતું, જેમાં બૉમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શૅરનો બૅન્ચમાર્ક સેન્સેક્સ 330.92 પૉનન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો 50 શૅરનો બૅન્ચમાર્ક નિફ્ટી 84.80 પૉઈન્ટ ઉછળીને બંધ રહ્યો હતો. આજે મુખ્યત્વે આઈટી ક્ષેત્રની ટીસીએસ, ઈન્ફોસિસ, ટૅક મહિન્દ્રા, એચસીએલ ટેક્નોલૉજીસના શૅરના ભાવ વધીને બંધ રહ્યા હતા.
નોંધનીય બાબત એ છે કે આજે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. 13,263.62 કરોડની ખરીદી સામે રૂ. 18,303.42 કરોડની વેચવાલી રહેતાં કુલ રૂ. 5039.80 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હતી. જોકે, તેની સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ. 16,539.38 કરોડની ખરીદી સામે રૂ. 11,355.45 કરોડની વેચવાલી રહેતાં કુલ રૂ. 5183.93 કરોડની ખરીદી રહી હોવાથી બજારનાં સુધારાને ટેકો મળ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ ગઈકાલના 76,933.59ના બંધ સામે સુધારાના અન્ડરટોને 77,128.05ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 76,988.22 અને ઉપરમાં 77,357.97 સુધી મજબૂત થયા બાદ અંતે ગઈકાલના બંધ સામે 330.92 પૉઈન્ટ અથવા તો 0.43 ટકા વધીને 77,264.51ના મથાળે બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી ગઈકાલના 24,090.85ના બંધ સામે 24,122.60ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન 24,076.85થી 24,188.30ની રેન્જમાં રહીને અંતે ગઈકાલના બંધ સામે 0.35 ટકા અથવા તો 84.80 પૉઈન્ટ વધીને 24,175.65ની સપાટીએ બંધ રહ્યો હતો. આજે સેન્સેક્સ હેઠળના 30 શૅર પૈકી 21 શૅર વધીને અને નવ શૅર ઘટીને બંધ રહ્યા હતા, જ્યારે નિફ્ટી હેઠળના 50 શૅર પૈકી 30 શૅર વધીને, 19 શૅર ઘટીને અને એક શૅર ટકેલા ધોરણે બંધ રહ્યો હતો.
એકંદરે એનવિડીયનાં પરિણામો બજારની અપેક્ષા કરતાં સારા આવ્યા હોવાથી આઈટી શૅરોમાં આક્રમક લેવાલી રહેતાં બૅન્ચમાર્કમાં સુધારાને ટેકો મળ્યો હતો. જોકે, આજે મોડી સાંજે અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ કેવિન વાર્શના જેક્શન હોલ ખાતેના વક્તવ્યમાં વ્યાજદર અને ભવિષ્યની નાણાનીતિ અંગે કેવા અણસારો આપે છે તેનાં પર રોકાણકારોની નજર હોવાથી માત્ર પસંદગીનાં શૅરોમાં રોકાણકારોની લેવાલી જોવા મળી હોવાનું જિઓજીત ઈન્વેસ્ટમેન્ટ લિ.નાં રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું.
આજે સત્ર દરમિયાન બજાર દબાણ હેઠળ રહી હોવા છતાં આઈટી અને ટેક્નોલૉજી શૅરોમાં મજબૂત સુધારો જોવા મળતાં બે સત્રની મંદીને બે્રક લાગી હતી અને બજાર સુધારાના અન્ડરટોને બંધ રહી હોવાનું રિસર્ચ એનાલિસ્ટ કંપની એચએસટી વૅલ્થનાં સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટીવ ઑફિસર હરિસેલ્વન રાધાકૃષ્ને જણાવતાં ઉમેર્યું હતું કે આજે રોકાણકારોની આઈટી શૅરોમાં વ્યાપક લેવાલી રહેતાં નિફ્ટી આઈટી ઈન્ડેક્સમાં 3.5 ટકા જેટલો ઉછાળો આવતાં બજારનાં સુધારાને ટેકો મળ્યો હતો.
આજે સેન્સેક્સ હેઠળનાં શૅરોમાં સૌથી વધુ 4.09 ટકાનો ઉછાળો ટીસીએસમાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે ઈન્ફોસિસમાં 3.34 ટકાનો, ટૅક મહિન્દ્રામાં 3.18 ટકાનો, એચસીએલ ટેક્નોલૉજીસમાં 2.68 ટકાનો, ટીટાનમાં 1.17 ટકાનો અને ઈટર્નલમાં 1.16 ટકાનો ઉછાળો આવ્યો હતો, જ્યારે મુખ્ય ઘટનાર શૅરોમાં સૌથી વધુ 1.30 ટકાનો ઘટાડો આઈસીઆઈસીઆઈમાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે અલ્ટ્રાટેક સિમેન્ટમાં 1.18 ટકાનો, એશિયન પેઈન્ટ્સમાં 1.06 ટકાનો, આઈટીસીમાં 0.52 ટકાનો, મારુતિ સુઝુકીમાં 0.32 ટકાનો અને બજાજ ફિનસર્વમાં 0.21 ટકાનો ઘટાડો આવ્યો હતો. તેમ જ આજે બીએસઈ મિડકેપ સિલેક્ટ ઈન્ડેક્સમાં 0.48 ટકાનો અન સ્મોલકેપ સિલેક્ટ ઈન્ડેક્સમાં 0.02 ટકાનો સાધારણ સુધારો આવ્યો હતો.
વધુમાં આજે બીએસઈ ખાતેના સેક્ટોરિયલ ઈન્ડેક્સમાં ફોકસ્ડ આઈટી ઈન્ડેક્સમાં 3.42 ટકાનો, આઈટી ઈન્ડેક્સમાં 3.32 ટકાનો, પીએસયુ બૅન્ક ઈન્ડેક્સમાં 1.25 ટકાનો, બૅન્કેક્સમાં 1.01 ટકાનો, મિડસ્મોલ પ્રાઈવેટ બૅન્ક ઈન્ડેક્સમાં 0.94 ટકાનો અને મેટલ ઈન્ડેક્સમાં 0.71 ટકાનો સુધારો આવ્યો હતો, જ્યારે ઈન્સ્યોરન્સ, ક્નઝ્યુમર ડ્યુરેબલ્સ, એનર્જી, રિઅલ્ટી, પાવર અને ઑઈલ તથા ગૅસ ઈન્ડેક્સમાં ઘટાડો આવ્યો હતો.
એકંદરે સપ્તાહ દરમિયાન બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સમાં 0.35 ટકા અથવા તો 276.32 પૉઈન્ટનો અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં 0.31 ટકા અથવા તો 76.35 પૉઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે. આજે એશિયન બજારોમાં દક્ષિણ કોરિયાના કોસ્પી અને શાંઘાઈના એસએસઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ નરમાઈના અન્ડરટોને બંધ રહ્યા હતા, જ્યારે જાપાનના નિક્કી 225માં અને હૉંગકૉંગના હૅંગસૅંગમાં સુધારાતરફી વલણ રહ્યું હતું. તેમ જ આજે મધ્યસત્ર દરમિયાન યુરોપના બજારોમાં સુધારો જોવા મળ્યો હતો.