Tue Sep 01 2026

Logo

ગણેશોત્સવમાં મુંબઈની સુરક્ષા ભગવાન ભરોસે

2026-08-31 09:00:00
Author: Sapna Desai
ગણેશોત્સવમાં મુંબઈની સુરક્ષા ભગવાન ભરોસે

મરાઠા ક્વૉટા આંદોલનકારીઓ મનોજ જરાંગેના નેતૃત્વ હેઠળ ૧૨ સપ્ટેમ્બરે મુંબઈ આવવાના છે ત્યારે પોલીસ તેમને રોકશે કે ગણેશભકતોની સુરક્ષા કરશે એ મોટો સવાલ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગણેશોત્સવના તહેવારમાં મુંબઈગરાની સુરક્ષા હવે ખરેખર વિઘ્નહર્તાના હાથમાં  છે. બરોબર ગણશોત્સવ દરમ્યાન જ  મરાઠા અનામતના આંદોલનકર્તાઓએ લાખોની સંખ્યામાં મુંબઈમાં મોરચો લઈ આવવાની ચીમકી મુખ્ય પ્રધાન  દેવેન્દ્ર ફડણવીસને આપી છે. તેથી મુંબઈ પોલીસ જો આંદોલનકારીઓને મુંબઈ આવતા રોકવા પાછળ તહેનાત કરી દેવામાં આવી તો તહેવાર દરમ્યાન ગણેશભક્તોની સુરક્ષાનું શું? કાયદો વ્યવસ્થાની સ્થિતિ કેવી રીતે જળવાઈ રહેશે? એવી ચિંતા  બૃહન્મુંબઈ સાર્વજનિક ગણેશોત્સવ સમન્વય સમિતિએ મુખ્ય પ્રધાન સમક્ષ વ્યકત કરી છે. 
મુંબઈ પોલીસની માથે આગામી દિવસોમાં કાયદો વ્યવસ્થા જાળવી રાખવું પડકારજનક બની રહેવાનું છે. મરાઠા આંદોલનકર્તા મનોજ જરાંગે કુણબી રેકોર્ડના આધારે તાત્કાલિક જાતિ સર્ટિફિકેટ આપવાની માગણી માન્ય નહીં કરતી ૧૨ સપ્ટેમ્બરના લાખો મરાઠાઓ સાથે મુંબઈમાં મોરચો લઈ આવવાની જાહેરાત કરી ચૂકયા છે. તેમાં પાછું ગણેશોત્સવનો તહેવાર  ૧૪ સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો હોવાથી મુંબઈમાં આ દરમ્યાન લાખોની સંખ્યામાં ગણેશભક્તો પોતાના બાપ્પાના દર્શન કરવા ગણેશમંડળોની મુલાકાત લેતા હોય છે. ગણેશોત્સવ દરમ્યાન મુંબઈ પોલીસ પહેલાથી જ કાયદો જળવાઈ રહે તે માટે દબાણ હેઠળ રહેતી હોય છે, તેમાં પાછું જો મનોજ જરાંગે આંદોલનકર્તા સાથે ગણેશોત્સવ દરમ્યાન જ મુંબઈ આવી પહોંચશે તો ગંભીર અરાજકતા સર્જાશે તે બાબતે  સમન્વય સમિતિએ ચિંતા વ્યક્ત કરી છે.

બૃહન્મુંબઈ સાર્વજનિક ગણેશોત્સવ સમન્વય સમિતિના અધ્યક્ષ નરેશ દહિબાવકરે ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે ગણેશોત્સવ એ મહારાષ્ટ્રનો રાજકીય તહેવાર છે. મુંબઈમાં મોટા મોટા ગણેશમંડળો આવેલા છે, જેની દરરોજ લાખોની સંખ્યામાં ભક્તો મુલાકાત લેતા હોય છે. ગણેશોત્સવ દરમ્યાન લાખોની સંખ્યામાં ગણેશભક્તો રસ્તા પર હોય છે ત્યારે કાયદો જળવાઈ રહે તે માટે મુંબઈ પોલીસ વ્યવસ્થા કરતી હોય છે, પણ અમને હવે ચિંતા સતાવી રહી છે કે જો ૧૨ સપ્ટેમ્બર દરમ્યાન મનોજ જરાંગે તેમના કાર્યકર્તા સાથે મુંબઈ આવે છે તો પોલીસ તેમને રોકવાનું કામ કરશે કે પછી તહેવાર દરમ્યાન મુંબઈની સુરક્ષાનું ધ્યાન રાખશે. સમન્વય સમિતિએ આ બાબતે શનિવારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે ચર્ચા કરી હતી અને તેમણે પરિસ્થિતિ નિયંત્રણમાં રહેશે અને ગણેશોત્સવ શાંતિપૂર્વક પાર પડશે એવું આશ્ર્વાસન આપ્યું છે, છતાં મોટા મંડળો સુરક્ષાને લઈને અમારી સમક્ષ સતત તેમનો ડર વ્યકત કરી રહ્યા છે. અમે આશા રાખીએ છીએ કે મુખ્ય પ્રધાન આ બાબતે જલદી યોગ્ય પગલાં અમલમાં મૂકશે.