ઉત્તર પ્રદેશના શામલીમાં હરિયાણવી ગાયક અને યુટ્યુબર અંકિત બાલિયાનની હત્યા બાદ યુપી પોલીસ અને STF સતત આરોપીઓની શોધમાં લાગી હતી. હવે આ મામલે પોલીસે મોટી કાર્યવાહી કરતા બે કથિત શૂટરોને એન્કાઉન્ટરમાં ઠાર કર્યા છે. માર્યા ગયેલા આરોપીઓની ઓળખ સુમિત અને મોહિત તરીકે થઈ છે.
પોલીસની તપાસ મુજબ, અંકિત બાલિયાનની હત્યાને અંજામ આપવા માટે કુલ ચાર શૂટર પહોંચ્યા હતા. તેમાંથી બેનું એન્કાઉન્ટર થઈ ચૂક્યું છે. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે ચાર શૂટરો સિવાય અન્ય બે લોકો રેકી અને બીજી મદદમાં સામેલ હતા. એટલે કે અત્યાર સુધીની તપાસમાં આ હત્યાકાંડ સાથે જોડાયેલા કુલ 6 લોકોની ભૂમિકા સામે આવી છે.
સીસીટીવીના આધારે યુપી પોલીસે આરોપીઓની ઓળખ કરી હતી
ઘટના બાદ પોલીસે આસપાસ લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા. ફૂટેજના આધારે પોલીસે ચારેય શૂટરોની ઓળખ કરી લીધી હતી. તપાસમાં સામે આવ્યું કે ગોળી ચલાવનાર શૂટરો હરિયાણાના હિસાર અને રોહતકના રહેવાસી છે. આ પૈકી એક આરોપી અગાઉ પણ હત્યાના ગુનામાં જેલની હવા ખાઇ ચૂક્યો છે, જ્યારે બાકીના ત્રણ સામે નાના-મોટા ગુના નોંધાયેલા હોવાની માહિતી સામે આવી છે.
આરોપીઓની ઓળખ થયા બાદ હરિયાણા પોલીસે તેમના ઘરો અને સંબંધીઓના ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા. પરિવાર અને નજીકના લોકોની પૂછપરછ શરૂ થતાં જ શૂટરોએ પોતાના મોબાઈલ ફોન બંધ કરી દીધા અને ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ યુપી STFએ તેમની શોધખોળ તેજ કરી દીધી હતી.
આ તપાસમાં અંકિત બાલિયાનની કોલ ડિટેલ અને વોટ્સએપ મેસેજિંગ હિસ્ટ્રી પણ તપાસવામાં આવી હતી. પોલીસ આ હત્યાકાંડ પાછળ રહેલા મદદગારો અને કાવતરામાં સામેલ લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી હતી.
યુપી પોલીસની 8 ટીમો અંકિતના હત્યારાને શોધી રહી હતી
આ હત્યાકાંડનો ભેદ ઉકેલવા માટે મેરઠ ઝોનના 7 જિલ્લાના પોલીસ અધિકારીઓની 8 ટીમો કામે લગાડવામાં આવી હતી. હરિયાણા અને દિલ્હીમાં સતત દરોડા પાડવામાં આવી રહ્યા હતા
હવે બે શૂટરોના એન્કાઉન્ટર બાદ પોલીસની તપાસ આગળ વધી છે. માનવામા આવી રહ્યું છે કે બાકીના આરોપીઓ અને હત્યાકાંડ પાછળના સંપૂર્ણ કાવતરા સાથે જોડાયેલા મહત્વના રહસ્યો જલદી સામે આવી શકે છે.