નવી દિલ્હીઃ છેલ્લા થોડા દિવસોમાં દેશની ખાંડ મિલો પર ભાવમાં અંદાજે 20 ટકા જેટલો ઘટાડો આવ્યો હોવાનું આજે સરકારે જણાવતા ઉમેર્યું હતું કે દેશમાં ખાંડનો પુરવઠો જળવાઈ રહે અને કૃત્રિમ અછત અટકે તે માટે હવે આગામી સપ્ટેમ્બર મહિનાથી મિલો માટેનાં મુક્ત વેચાણ માટેનાં ક્વૉટાની જાહેરાત પખવાડિક ધોરણે થશે, જે અગાઉ માસિક ધોરણે થતી હતી. અનાજ મંત્રાલયે એક અધિકૃત યાદીમાં જણાવ્યું હતું કે સરકાર ખાંડની ઉપલબ્ધિ અને ભાવ પર બારીકાઈથી નજર રાખી રહી છે જેથી દેશમાં ખાંડની અછત ન સર્જાય.
વધુમાં મંત્રાલયે જણાવ્યું હતું કે ખાંડ મિલો પર પ્રત્યક્ષ ધોરણે સ્ટોકની ચકાસણી કરવામાં આવી હતી, જેમાં અમુક મિલો માસિક ધોરણે રિટર્નમાં દર્શાવ્યા કરતાં વધુ સ્ટોક ધરાવતી હતી, જ્યારે અમુક મિલોએ ખાંડનું વેચાણ ફાળવવામાં આવેલા ક્વૉટા કરતાં ઓછું કર્યું હતું. વધુમાં સરકારને અમુક કિસ્સાઓમાં એવું પણ જણાયું હતું કે અમુક મિલો દ્વારા મહિનાના આરંભમાં વેચાણ કરવામાં આવ્યું હતું, પરંતુ તેની રવાનગી અથવા તો ખરીદનારે તેનો ઉપાડ મહિનાના અંતે કર્યો હતો.
આવી પદ્ધતિઓને કારણે બજારમાં કૃત્રિમ અછત સર્જાઈ હોવાનું યાદીમાં જણાવ્યું હતું. આ સમસ્યાના ઉકેલ માટે સરકારે આગામી સપ્ટેમ્બર મહિનાથી ખાંડ મિલો માટેનાં મુક્ત વેચાણના ક્વૉટાની જાહેરાતની યંત્રણા જે હાલમાં માસિક ધોરણે થાય છે તેને સ્થાને પખવાડિક ધોરણે કરવાનો નિર્ણય લીધો છે. પખવાડિક ક્વૉટાની યંત્રણા હેઠળ મિલોએ ફાળવવામાં આવેલા ક્વૉટા પૈકીની 40 ટકા ફાળવણીનું વેચાણ પહેલા સપ્તાહમાં અને શેષ ફાળવણીનું વેચાણ બીજા સપ્તાહમાં કરવાનું રહેશે. આ નવાં પગલાં થકી માગ અને પુરવઠા પર નજર રાખી શકાશે,
બજારની સ્થિતિમાં થતા બદલાવ સામે તાત્કાલિક પગલાં લઈ શકાશે અને કૃત્રિમ અછત અટકશે તેમ જ જો આવશ્યકતા હશે તો વધારાનો જથ્થો પણ છૂટો કરી શકાશે, એમ મંત્રાલયે નવાં પગલાનાં લાભ દર્શાવ્યા હતા. વધુમાં મંત્રાલયે જણાવ્યું હતું કે ખાંડ મિલોને વેચાણ થયાનાં સાત દિવસમાં રવાનગી કરવાની બાંયધરી આપવા જણાવવામાં આવ્યું છે. આમ પખવાડિક ધોરણે ક્વૉટાની જાહેરાત અને સાત દિવસમાં રવાનગીનાં પગલાંને કારણે સમગ્ર પુરવઠા ચેઈનમાં સુધારો આવશે, એમ મંત્રાલયે જણાવતાં ઉમેર્યું હતું કે ખાંડના મોટા વપરાશકારોને તેની કાર્યકારી આવશ્યકતા વિના વધુ સ્ટોક ન રાખવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.
પ્રવર્તમાન ખાંડના ભાવ અંગે સરકારે જણાવ્યું હતું કે ખાંડના ભાવ નીચા લાવવા, સ્થાનિક બજારમાં પુરવઠાની પર્યાપ્ત ઉપલબ્ધિ અને કૃત્રિમ સ્તરે તંગ પુરવઠાસ્થિતિ અટકાવવા માટે શ્રેણીબદ્ધ પગલાં લેવામાં આવ્યા છે. ભાવ અંકુશમાં રાખવા માટે તાજેતરમાં કેન્દ્ર સરકારે આગામી 31મી ઑક્ટોબર સુધીમાં 10 લાખ ટન કાચી ખાંડની આયાત માટે મંજૂરી આપી છે, ડીલરો અને મોટા વપરાશકારો માટે સ્ટોક મર્યાદા લાદવામાં આવી છે. તેમ જ થોડા મહિના પૂર્વેજ નિકાસ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પરિણામે તાજેતરના દિવસોમાં એક્સ મિલ ધોરણે ભાવમાં 20 ટકા જેટલો ઘટાડો આવ્યો છે અને રિટેલ સ્તરે પણ ભાવ ઘટાડો શરૂ થયો છે. વધુમાં હાલની પુરવઠા ચેઈનની યંત્રણામાં ફેરફાર કરવામાં આવતા એક્સ મિલ ધોરણે ભાવમાં હજુ ઘટાડો આગળ વધશે, એમ અનાજ મંત્રાલયે યાદીમાં ઉમેર્યું હતું.