ભરત ભારદ્વાજ
ગુજરાતી ફિલ્મોના જાણીતા સંગીતકાર ગૌરાંગ વ્યાસનું બુધવારે રાત્રે નિધન થયું એ સાથે જ એક યુગ સમાપ્ત થઈ ગયો. 87 વર્ષના ગૌરાંગ વ્યાસ સ્વસ્થ હતા પણ અચાનક આવેલા હૃદયરોગના હુમલાને કારણે ગુજરી ગયા એ સાથે જ ગુજરાતે પોતાનો એક પનોતો પુત્ર ગુમાવ્યો. પચાસ વર્ષથી વધારે લાંબી કારકિર્દી દરમિયાન 125 જેટલી ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપનારા વ્યાસે ફિલ્મો કરતાં વધારે સર્જન ફિલ્મોની બહાર કર્યું. સંખ્યાબંધ ગરબા, ગીતો, ગઝલોને પણ સંગીતબધ્ધ કરનારા ગૌરાંગ વ્યાસે ગુજરાતી સંગીતમાં ઘણા સફળ પ્રયોગો પણ કરીને ગુજરાતી સંગીતને વધારે સમૃદ્ધ બનાવ્યું.
ગૌરાંગ વ્યાસને સંગીતનો વારસો પિતા અવિનાશ વ્યાસ પાસેથી મળ્યો હતો. ગુજરાતી સંગીતમાં અવિનાશ વ્યાસ સંગીત સમ્રાટ છે. અવિનાશ વ્યાસે ગીતકાર અને સંગીતકાર તરીકે ગુજરાતી સંગીતને સમૃદ્ધિ આપી એવી સમૃદ્ધિ બીજી કોઈ ભાષામાં કોઈ કલાકારે નથી આપી. અવિનાશ વ્યાસે હિંદી ફિલ્મોમાં પણ સરસ સંગીત આપ્યું છે પણ પછી તેમણે ગુજરાતી ગીતોને જ સંગીતબદ્ધ કરવાનો નિર્ણય લઈ ગુજરાત પર એક મોટો ઉપકાર કર્યો. અવિનાશ વ્યાસનું સંગીત સામ્રાજય વિશાળ છે ને તેની વાત ક્યારેક કરીશું, અત્યારે ગૌરાંગભાઈની વાત કરીએ.
ગૌરાંગ વ્યાસ આ માહોલમાં ઉછર્યા તેથી સંગીતના સંસ્કાર નાનપણથી જ પડી ગયેલા. મોરનાં ઈંડાંને ચિતરવાં ના પડે એ હિસાબે પાંચ વર્ષની વયે એ હાર્મોનિયમ પર ‘વૈષ્ણવજન’ વગાડતા એવું કહેવાય છે. સંગીતની સાથે સાથે ઔપચારિક શિક્ષણ પણ સારું લીધું ને અમદાવાદની એન્જિનિયરિંગ કોલેજમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગનો ડિપ્લોમા કર્યો. થોડો સમય મુંબઈની ખંડેલવાલ એન્જિનિયરિંગ કંપનીમાં નોકરી પણ કરી પણ સૂર સાદ પાડતા હતા એટલે નોકરીમાં લાંબો સમય રહી શક્યા નહીં ને છેવટે જીવન સંગીતને જ સમર્પિત કરી દીધું.
અવિનાશ વ્યાસ મહાન સંગીતકાર હતા તેથી ગૌરાંગભાઈએ બહુ સંઘર્ષ ના કવો પડ્યો પણ મહાન પિતાના પુત્ર હોવાથી સારું સંગીત આપવાનું દબાણ ચોક્કસ સહન કરવું પડ્યું. ગૌરાંગભાઈ એ કસોટીમાં સાંગોપાંગ પાર ઉતર્યા અને ‘લીલુડી ધરતી’માં પુરુષોત્તમ ઉપાધ્યાય સાથે મળીને સંગીત આપીને કારકિર્દીની શરૂઆત કરી પછી કદી એવું સંગીત ના આપ્યું કે, પિતાએ નીચાજોણું થાય. 1976ની ‘લાખો ફૂલાણી’માં વ્યાસની સંગીતકાર તરીકેની પહેલી ફિલ્મ હતી ને પહેલી ફિલ્મથી જ એ છવાઈ ગયા.
ગુજરાતી પાર્શ્વગાયનના સુપરસ્ટાર પ્રફુલ્લ દવેને આ ફિલ્મમાં પ્રથમ વાર ગૌરાંગભાઈએ જ તક આપેલી. આ ફિલ્મમાં કિશોરકુમારથી માંડીને ભૂપેન્દ્ર સુદીના હિન્દી ફિલ્મોના ટોચના ગાયકોએ ગીતો ગાયેલાં પણ છવાઈ ગયેલા દવે સાહેબ. પ્રફુલ્લ દવેએ ગાયેલું ‘મણિયારો તે હલુ હલુ થઈ રે વીયો.’ ગીત સૌથી લોકપ્રિય થયું અને આજે પણ તેમની ઓળખ છે.
ગૌરાંગભાઈએ એ પછી પાછું વળીને જોયું નથી. લતા મંગેશકરે ગાયેલું ‘પારકી થાપણ’નું ક્ધયાવિદાયનું ગીત ‘દીકરી તો પારકી થાપણ કહેવાય’ હોય કે, મન્નાડેએ ગાયેલું હંસલો પાંજરે પૂરાણો હોય, ગૌરાંગ વ્યાસનાં ગીતોએ અમીટ છાપ છોડી છે.
સામાન્ય રીતે ફોર્મ્યુલા ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપતા ગૌરાંગભાઈએ તક મળી ત્યારે અલગ પ્રકારની ફિલ્મોમાં પણ જોરદાર સંગીત આપ્યું તેનું શ્રેષ્ઠ ઉદાહરણ કેતન મહેતાની યશસ્વી ફિલ્મ ‘ભવની ભવાઈ’(1981)નું સંગીત છે.
એક જમાનામાં હિન્દી ફિલ્મોનાં ગીતોનાં કવર વર્ઝન બહુ બહાર પડતાં. કવર વર્ઝનમાં મૂળ ગાયક કે ગાયિકાના સ્થાને બીજા ગાયકોના અવાજ હોય જ્યારે ગીતના શબ્દો તથા સંગીત મૂળ ગીતનાં જ હોય. ગુલશનકુમારે ટી સિરીઝને આવાં કવર વર્ઝન્સના જોરે જ સ્થાપિત કરેલી. સોનુ નિગમ સહિતના બોલિવૂડના સફળ ગાયકો પણ આ કવર વર્ઝન્સમાંથી જ મળ્યા. ગુજરાતીમાં આ ટ્રેન્ડ બહુ નથી જોવા મળ્યો.
દિલીપ ધોળકિયાની વેણીભાઈ પુરોહિતે લખેલી અજરામર રચના તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી જેવા અપવાદોને બાદ કરતાં જૂનાં ગુજરાતી ગીતોને નવા અવાજમાં રજૂ કરાયાં હોય એવું બહુ ઓછું બન્યું છે પણ ગૌરાંગ વ્યાસનાં ઘણાં ગીતો નવા અવાજમાં આવ્યાં એ તેમણે અમર સંગીત રચ્યું તેનો પુરાવો છે.
શ્રેષ્ઠ ઉદાહરણ એક પાટણ શહેરની નાર પદમણી ગીત છે. લાખો ફુલાણીનું આ ગીત મૂળ મહેન્દ્ર કપૂર અને આશા ભોંસલેના સ્વરમાં છે પણ રેડિયો પર કે નેટ પર પાર્થિવ ગોહિલ અને જહાનવી શ્રીમાંકરના સ્વરમાં ગીત મળે છે. ગૌરાંગભાઈનાં સંખ્યાબંધ આવાં ગીતો સાંભળવા મળે છે ને ગૌરાંગભાઈના સંગીતની ગુણવત્તાનો આ પુરાવો છે.
ગૌરાંગ વ્યાસનાં લોકપ્રિય ગુજરાતી ફિલ્મી ગીતો ઈન્ટરનેટ પર સાંભળશો તો મળી જશે તેથી ગીતોની યાદી નથી આપતા પણ તેમના યોગદાનની બીજી થોડી વાતો કરી લઈએ. ગૌરાંગ વ્યાસે 500થી વધુ ગેર ફિલ્મી ગુજરાતી ગીતો, ગઝલ, ગરબા-રાસ વગેરેને સંગીતબદ્ધ કર્યાં છે. ગુજરાતીઓની નવી પેઢીને નવરાત્રિ ગમે છે અને ગરબા પણ ગમે છે પણ નવી પેઢીમાંથી બહુ ઓછાંને ગૌરાંગ વ્યાસનું નામ ખબર હશે.
પોતે જે ગરબા પર મન મૂકીને ઝૂમે છે એ ગરબા ગૌરાંગભાઈએ સંગીતબદ્ધ કરેલા છે એ વાતની બહુ ઓછાંને ખબર હશે. ગૌરાંગભાઈનું ફિલ્મ સંગીતની જેમ ગરબામાં પણ માતબર યોગદાન છે. મા તારો ગરબો ઝાકમઝોળ, માથે મટુકી મહીની, ઢોલીડા ઢોલ તુ વગાડ, માડી તારુ કંકુ ખર્યું ને, તુ રંગાઈ જાને રંગમાં વગેરે ગરબા ગૌરાંગ વ્યાસે સ્વરબધ્ધ કરેલા છે.
ગુજરાતી પરંપરામાં એક પ્રાચીન અને વિશેષ સાંસ્કૃતિક પરંપરા બેઠા ગરબાની છે. નાગર બ્રાહ્મણોએ બેઠા ગરબાની શરૂઆત કરી હોવાનું મનાય છે. ગરબા મૂળ તો મા શક્તિની આરાધના માટે છે ને સામાન્ય રીતે ખેલૈયા ગોળ ગોળ ફરીને ગરબા ગાય છે. બેઠા ગરબામાં ખેલૈયા ઊભા રહીને ગોળ ફરવાને બદલે નીચે બેસીને ગરબા ગાય છે. મતલબ કે, પગની કોઈ હલચલ નથી થતી અને શરીરનો નીચલો ભાગ સ્થિર રહે છે પણ હાથથી તાળીઓ, ચપટી વગાડીને કે શરીરના ડોલન દ્વારા મધુર સ્વરોની રમઝટ બોલાવાય છે.
ગુજરાતમાં પહેલાં ગામડાંમાં રાત્રે પુરુષો ભેગાં મળીને બેઠા ગરબા ગાઈને જ મા શક્તિની આરાધના કરતાં તેથી બેઠા ગરબામાં હજુય જૂના જમાનાની જેમ તબલાં, ઢોલક, મંજીરાં, ખંજરી વગેરે પરંપરાગત વાદ્યો જ હોય છે. ગૌરાંગ વ્યાસે અદ્ભુત બેઠા ગરબાને સંગીતમાં ઢાળ્યા છે. ગરબે રમવાને ગોરી નિસર્યાં, અલબેલી રે અંબે માત, ચોખલિયાળી ચુંદડી, ઝીમા ઝરમર વરસે મેહ, સાગ સીસમનો બાજોઠિયો વગેરે બેઠા ગરબા સાંભળજો. સંગીત દ્વારા સર્જાતા અલગ જ અલૌકિક માહોલનો અનુભવ થશે.
પાંચ દાયકા કરતાં વધારે લાંબી કારકિર્દી ધરાવતા ગૌરાંગભાઈના સંગીતની પૂરેપૂરી વાત એક લેખમાં કરવી શક્ય નથી. આ તો યાદ આવ્યાં એ ગીતોની વાત કરી લીધી ને તેમાં ઘણું છૂટી પણ ગયું હશે.ગૌરાંગભાઈ તો શબ્દોને સૂરમાં બાંધીને અદ્ભુત સર્જન કરતા પણ તેમની સૂરસફરને શબ્દોમાં બાંધવી શક્ય નથી. સંગીત શ્રવણનો વિષય છે ને સાંભળો ત્યારે જ તેની તાકાત અનુભવી શકાય છે તેથી ગૌરાંગભાઈનાં સંગીતબદ્ધ કરેલાં ગીતો સાંભળશો તો જ તેમના યોગદાનને સમજી શકાશે.