Mon Oct 05 2026

Logo

ઈલેક્ટ્રિક વેપારી વાહનોની માગ મજબૂત રહેવાનો ટાટા મોટર્સનો આશાવાદ

2026-08-30 19:33:36
Author: Ramesh Gohil
ઈલેક્ટ્રિક વેપારી વાહનોની માગ મજબૂત રહેવાનો ટાટા મોટર્સનો આશાવાદ

નવી દિલ્હીઃ આગામી સમયગાળામાં ઈલેક્ટ્રિક વેપારી વાહનોની માગ મજબૂત રહેશે અને તમામ સેગ્મેન્ટમાં ઓર્ડરબુક મજબૂત રહેવાનો આશાવાદ ટાટા મોટર્સ લિ.નાં મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટીવિ ઑફિસર ગિરીશ વાઘે વ્યક્ત કર્યો છે. 

ચીનથી આયાત થતાં સેલની પુરવઠા ચેઈનની અડચણોની ઈન્ટ્રા ઈલેક્ટ્રિક વાહનો પર માઠી અસર પડી રહી છે, પરંતુ આ અડચણો વર્તમાન ત્રિમાસિકગાળાના અંત સુધીમાં સંપૂર્ણપણે દૂર થઈ જશે. એકંદરે ઈલેક્ટ્રિક વાહનોની માગનો દૃષ્ટિકોણ અત્યંત સકારાત્મક હોવાનું તેમણે ઉમેર્યું હતું. 

વર્તમાન નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિકગાળામાં ઈલેક્ટ્રિક વેપારી વાહનોના મોરચે ટાટા મોટર્સને ગયા વર્ષનાં બીજા છમાસિકગાળાની ગતિની સરખામણીમાં 3400 કરતાં વધુ વાહનોના ઓર્ડર મળ્યા હોવાનું જણાવતા તેમણે ઉમેર્યું હતું કે પીએમ-ઈ-બસ સેવા હેઠળ થોડા વધુ નવા ટેન્ડરો પણ પાઈપલાઈનમાં હોવાથી અમે ખૂબ જ આશાવાદી છીએ. 

વધુમાં તેમણે નિર્દેશ આપ્યો હતો નાના વેપારી વાહનો પિક અપ જે સંપૂર્ણપણે રિટેલ બજારમાં છે તે ખૂબ સારુ પ્રદર્શન કરી રહ્યા છે. તેમ જ એસ પ્રોની ઈન્ટ્રા ટીસીઓ (ટોટલ કોસ્ટ ઑફ ઓનરશિપ) પેરિટી ઈન્ટર્નલ કોમ્બ્યુસ્ટન એન્જિન (આઈસીઈ) ધરવાતા બ્રધર્સની સરખામણીમાં આકર્ષક હોવાથી મજબૂત માગ વૃદ્ધિ જળવાઈ રહેવાની શક્યતા છે. 

ઈલેક્ટ્રિક વાહનોમાં ઈન્ટ્રા ખાસ કરીને ઈન્ટ્રા ઈવીમાં ટાટા મોટર્સની પુરવઠા ક્ષમતા અંગે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે વાસ્તવમાં ક્ષમતાનો કોઈ પ્રશ્ન જ નથી. હકીકતમાં એવું થયું કે માત્ર અમારા જ ઈલેક્ટ્રિક વાહનોની નહીં, પરંતુ સાર્વત્રિક સ્તરેથી માગ વધતાં ચીનનાં સેલની માગમાં ઉછાળો આવ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ચીનમાં પણ વાહનોના વેચાણમાં ઈલેક્ટ્રિક વાહનોના વેચાણના હિસ્સામાં વધારો થયો છે. 

આમ એકંદરે સેલની માગમાં વધારો અવરોધ બની ગયો છે, પરિણામે ભારતમાં સેલ મેળવવા અને બેટરીમાં રૂપાંતરિત થતાં વિલંબને કારણે સમસ્યા થઈ છે. અમે લગભગ બે મહિના પહેલા જ વધુ ઓર્ડર આપી દીધા છે તેથી વર્તમાન ત્રિમાસિકગાળાના અંત સુધીમાં સેલના પુરવઠાની સમસ્યાનો ઉકેલ આવી જવાની શક્યતા તેમણે વ્યક્ત કરી હતી. 

વર્તમાન નાણાકીય વર્ષ 2027ના પ્રથમ ત્રિમાસિકગાળામાં નાના વેપારી વાહનોનું વેચાણ ચાર ગણું વધીને 3200 યુનિટના સ્તરે રહ્યું છે અને 850થી વધુ બસના ઓર્ડર હાથમાં હોવાનું તેમણે ઉમેર્યું હતું.