Sat Sep 05 2026

Logo

બ્રિટનમાં 7 વર્ષના ભારતીય મૂળના દીકરાએ રચ્યો ઇતિહાસ: 16 વર્ષના વિદ્યાર્થીઓ માટેની GCSE ગણિત પરીક્ષા કરી પાસ

London   2026-08-30 22:20:58
Author: Mumbai Samachar Team
બ્રિટનમાં 7 વર્ષના ભારતીય મૂળના દીકરાએ રચ્યો ઇતિહાસ: 16 વર્ષના વિદ્યાર્થીઓ માટેની GCSE ગણિત પરીક્ષા કરી પાસ

Jivyan Dhruva


લંડનઃ ભારતીય મૂળના સાત વર્ષના બાળકે બ્રિટનમાં મોટાભાગના શાળાના બાળકોની સરખામણીએ લગભગ દસ વર્ષ પહેલા ગણિતની પરીક્ષામાં શાનદાર સફળતા પ્રાપ્ત કરી છે. તેમજ આગામી સ્તરની પરીક્ષા માટે તૈયારી કરી રહ્યો છે.

જિવ્યાન રેડ્ડી ધ્રુવે જનરલ સર્ટિફિકેટ ઓફ સેકન્ડરી એજ્યુકેશન(જીસીએસઇ) પરીક્ષાના ત્રણ પ્રશ્નપત્રોમાં ૨૪૦માંથી ૧૯૬ ગુણ મેળવ્યા હતા અને ઉચ્ચ કક્ષાનો ગ્રેડ-૮(જે એ શ્રેણીની સમકક્ષ છે) મેળવ્યો હતો. આ પરીક્ષા સામાન્ય રીતે ૧૬ વર્ષના વિદ્યાર્થીઓ આપે છે. તેણે મે મહિનામાં 'પિયર્સન એડએક્સેલ જીસીએસઇ હાયર મેથેમેટિક્સ'ની પરીક્ષા આપી હતી. જેનું ગત સપ્તાહે પરિણામ આવ્યું હતું.

આ અંગે જિવ્યાન જણાવે છે કે મારું પરિણામ જોઇને હું ખૂબ જ ઉત્સાહિત હતો. મારા માતા-પિતા ખૂબ ખુશ હતા અને તેઓ મને ભેટી પડ્યા હતા. તેણે કહ્યું કે હું ગ્રેડ ૯ ઇચ્છતો હતો, તેથી શરૂઆતમાં થોડો નિરાશ થયો હતો, પરંતુ પછી ગ્રેડ ૮ મળવા પર ખૂબ ખુશ થયો હતો. મને ગણિત પસંદ છે કારણ કે મને મુશ્કેલ સવાલો ઉકેલવા અને જવાબ મેળવવાની અલગ અલગ રીતો શોધવી ગમે છે.

તેણે વધુમાં જણાવ્યું કે હું 'એ-લેવલ મેથ્સ' અને 'ફર્ધર મેથ્સ' શીખવા માંગુ છું. હું મોટો થઇને રોબોટ અને અન્ય વસ્તુઓ બનાવવા માંગુ છું, જેથી લોકોને મદદ મળી શકે. હું એવી વસ્તુઓ બનાવવા માંગુ છું જેનો ઉપયોગ દરેક વ્યક્તિ કરી શકે.