મુંબઈ: દેશમાં એક બાજુ સાકર સહિત કાંદાના ભાવમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે મુંબઈના શાકભાજી માર્કેટમાં હાલ વિચિત્ર સ્થિતિનું નિર્માણ થયું છે. એક બાજુ કાંદા અને લસણના ભાવ આસમાને પહોંચતા ગ્રાહકો હેરાનપરેશાન થઈ ગયા છે, તો બીજી તરફ ટામેટાના ભાવ ઘટતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
રિટેલ માર્કેટમાં કાંદા ૫૦ થી ૬૦ રૂ. પ્રતિ કિલો વેચાઈ રહ્યા છે, જ્યારે લસણ ૨૫૦થી ૩૦૦ રૂ. પ્રતિ કિલોના ભાવે પહોંચી ગયું છે. નાશિકની લાશલગામ મંડીમાં કાંદાનો હોલસેલ ભાવ ૪,૩૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થયો છે.
ટ્રાન્સપોર્ટ અને મજૂરી ખર્ચ ઉમેરાતાં રિટેલમાં કાંદા-લસણ મોંઘા થયા છે. ચોમાસુ મોડું થવાથી મહારાષ્ટ્રમાં ખરીફ કાંદાનું વાવેતર અને કાપણી પાછળ ઠેલાયા છે, અને નવા કાંદાની આવક ઘટતાં ભાવ વધ્યા છે.
નાશિકના બજારમાં ગયા મહિને ૮૦થી ૧૦૦ રૂ. પ્રતિ કિલોના ભાવે વેચાતા ટામેટાં હવે ગુણવત્તા મુજબ માત્ર ૪થી ૧૦ રૂ. પ્રતિ કિલો પર આવી ગયા છે. ૫૦૦થી ૬૦૦ રૂપિયામાં મળતું ૨૦ કિલોના એક ક્રેટ હવે માત્ર ૧૦૦થી ૧૨૫ રૂપિયા મળી રહ્યું હોવાથી ઉત્પાદન અને ટ્રાન્સપોર્ટનો ખર્ચ પણ નીકળવો મુશ્કેલ બની ગયો છે.
આમ કાંદા અને લસણના ભાવવધારાથી ગ્રાહકો ત્રસ્ત છે અને ટામેટાના ભાવમાં કડાકાથી ખેડૂતો હેરાન-પરેશાન થઈ ગયા છે, આમ હાલ મહારાષ્ટ્રના શાકભાજી માર્કેટમાં એક વિરોધાભાસી ચિત્ર ઊભું થયું છે.