(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દહાણુમાં ધોળે દહાડે શસ્ત્રોની ધાકે જ્વેલરીની દુકાનમાંથી અંદાજે 90 લાખ રૂપિયાના સોનાના દાગીનાની લૂંટ ચલાવવાના કેસમાં પાલઘર પોલીસે વધુ બે આરોપીની ધરપકડ કરી 51.51 લાખનું સોનું જપ્ત કર્યું હતું.ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ દીપેશ યશવંત ગવળી (22) અને વિશાલ ધાક્યા ચૌરે (23) તરીકે થઈ હતી. પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપીઓની પોલીસ વધુ પૂછપરછ કરી રહી છે. તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી 51.51 લાખ રૂપિયાના સોનાના દાગીના હસ્તગત કરવામાં આવ્યા હતા.
પોલીસ ફરિયાદ અનુસાર દહાણુમાં ઈરાની રોડ પરની ન્યૂ લક્ષ્મી જ્વેલર્સમાં 20 જુલાઈની સાંજે સાડાચાર વાગ્યાની આસપાસ લૂંટની ઘટના બની હતી. દુકાન સામેની ગલીમાં સ્કૂટર પાર્ક કરી ત્રણ લૂંટારા માસ્ક પહેરીને દુકાનમાં પ્રવેશ્યા હતા. પિસ્તોલ અને છરાની ધાકે દુકાનમાલિક વિનય કૈલાસ સોની (46)ને બાનમાં લીધો હતો.દુકાનમાં કાચની તોડફોડ કરી અંદાજે 90 લાખ રૂપિયાના સોનાના દાગીનાની લૂંટ ચલાવવામાં આવી હતી. લૂંટ પછી આરોપીઓ આરામથી ચાલતા ગલીમાં પાર્ક કરાયેલા સ્કૂટર સુધી ગયા હતા.
પછી સ્કૂટર પર ત્રણેય ફરાર થઈ ગયા હતા. જતાં પહેલાં લૂંટારાએ પિસ્તોલમાંથી એક રાઉન્ડ ફાયર પણ કર્યું હતું. આ ઘટના સામેની દુકાન બહાર લાગેલા સીસીટીવી કૅમેરામાં કેદ થઈ હતી, જેનો વીડિયો બાદમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.આ પ્રકરણે દહાણુ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ક્રાઈમ બ્રાન્ચ પણ સમાંતર તપાસમાં લાગી હતી. પોલીસ અધિકારીઓની અલગ અલગ ટીમ બનાવવામાં આવી હતી. લૂંટના સપ્તાહ બાદ જ એક આરોપી યશવંત સદુ ચૌધરી (40) પોલીસને હાથ લાગ્યો હતો. પૂછપરછમાં તેણે પોતાના સાથીઓની માહિતી આપી હતી, પરંતુ ફરાર બન્ને આરોપીના કોઈ સગડ મળતા નહોતા. આખરે ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરી પોલીસે બન્ને આરોપીને પકડી પાડ્યા હતા.