નવી દિલ્હીઃ વર્તમાન ઑગસ્ટ મહિનાના પહેલા પખવાડિયામાં ખાસ કરીને ભારતીય કંપનીઓનાં વૅલ્યૂએશનમાં સુધારો, પ્રોત્સાહક કોર્પોરેટ પરિણામો અને અમેરિકી ફેડરલ રિઝર્વ હળવા વ્યાજદરની નીતિ અપનાવે તેવી શક્યતાને ધ્યાનમાં લેતાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની ભારતીય ઈક્વિટી માર્કેટમાં લેવાલી રહી હતી અને પખવાડિયા દરમિયાન રૂ. 16,621 કરોડનો આંતરપ્રવાહ રહ્યો હતો.
નોંધનીય બાબત એ છે કે સતત ચાર મહિના સુધી ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની ચોખ્ખી વેચવાલી રહ્યા બાદ ગત જુલાઈ મહિનામાં તેઓની રૂ. 20,200 કરોડની ચોખ્ખી લેવાલી રહી હતી. ગત જુલાઈ મહિના પૂર્વે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોએ માર્ચ મહિનામાં રૂ. 1.17 લાખ કરોડની, એપ્રિલ મહિનામાં રૂ. 60,847 કરોડની, મે મહિનામાં રૂ. 32,963 કરોડની અને જૂન મહિનામાં રૂ. 49,340 કરોડની ચોખ્ખી વેચવાલી કરી હતી. જોકે, તે પૂર્વે ફેબ્રુઆરી મહિનામાં તેઓનો રૂ. 22.615 કરોડનો ચોખ્ખો આંતરપ્રવાહ રહ્યો હોવાનું સીડીએસએલએ આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે.
તાજેતરમાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની લેવાલી જોવા મળી રહી હોવા છતાં વર્ષ 2026માં અત્યાર સુધીમાં તેઓનો રૂ. 2.4 લાખ કરોડનો બાહ્યપ્રવાહ જોવા મળ્યો છે, જે આગલા સમગ્ર વર્ષ 2025નાં રૂ. 1.66 લાખ કરોડનાં બાહ્ય પ્રવાહની સરખામણીમાં વધુ છે. બજારનાં વિશ્લેષકોના જણાવ્યાનુસાર અન્ય બજારોની સરખામણીમાં ભારતીય ઈક્વિટીનાં આકર્ષક વૅલ્યૂએશન્સ, કોર્પોરેટ પરિણામોમાં સ્થિરતા, ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કપાતનો આશાવાદ, ક્રૂડતેલના ભાવમાં વધ્યા મથાળેથી જોવા મળેલી પીછેહઠ અને ડૉલર સામે રૂપિયામાં સ્થિરતા જોવા મળતાં વિદેશી રોકાણકારો પાછા ફર્યા છે.
સ્થાનિક કંપનીઓનાં વૅલ્યૂએશન્સમાં સુધારો, કોર્પોરેટ પરિણામોમાં સ્થિરતા, અમેરિકી વ્યાજદર હળવા રહેવાનો આશાવાદ, રૂપિયાની ચંચળતામાં ઘટાડો અને વિકેન્દ્રિત થયેલા કોરિયા-તાઈવાનના એઆઈ ટ્રેડરો જેવાં પરિબળોએ મુખ્ય ભાગ ભજવ્યો હોવાનું વેલ્લમ કેપિટલના ચીફ એક્ઝ્કિયુટીવ ઑફિસર અને પોર્ટફોલિયો મેનેજર મનીષ ભંડારીએ જણાવતાં ઉમેર્યું હતું કે હાલમાં વિશ્વભરનાં શહેરોમાં એઆઈ ચુંબકત્વ જેવું થઈ ગયું છે.
જોકે, ઈન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ ટ્રેકના સહ સ્થાપક અને સીઈઓ વેદાંત ગુપ્તેએ જણાવ્યું હતું કે ઑગસ્ટ મહિનામાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વસસ્ટરોનો આંતરપ્રવાહ દર્શાવે છે કે રોકાણકારો ભારત કરતાં વૈશ્વિક આર્થિક પરિબળોથી વધુ ચિંતિત છે. આ ઉપરાંત ફેડરલ રિઝર્વનાં રેટ કટનો આશાવાદ અને ક્રૂડતેલના ભાવઘટાડાએ વિદેશી રોકાણકારોના આંતરપ્રવાહને ટેકો આપ્યો છે. જોકે, તેમના મતે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની ખરીદી વધુ પસંદગીયુક્ત બની છે અને તેઓ સ્થાનિક વપરાશી ક્ષેત્રો તરફ વધુ રસ દાખવી રહ્યા છે. ખાસ કરીને તેઓનું ક્નઝ્યુમર ડ્યૂરેબલ અને હૅલ્થકૅર જેવાં ક્ષેત્રોમાં આકર્ષણ વધ્યું હોવાનું તેમણે ઉમેર્યું હતું.
ગત જુલાઈ મહિનાના સેક્ટોરિય ડેટા અનુસાર ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની ક્નઝ્યુમર સર્વિસીસ, હૅલ્થકૅર, ક્નઝ્યુમર ડ્યુરેબલ્સ, મેટલ અને માઈનિંગ તથા આઈટી ક્ષેત્રના શૅરોમાં મજબૂત ખરીદી રહી હતી. તેમ છતાં અમુક ક્ષેત્રનાં શૅરોમાં ચોખ્ખી વેચવાલી પણ જોવા મળી હતી. ભવિષ્યમાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની લે-વેચનો આધાર અમેરિકી ટ્રેઝરીની યિલ્ડની, ડૉલર ઈન્ડેક્સની અને ક્રૂડતેલના ભાવની વધઘટ જેવાં વૈશ્વિક પરિબળો પર અવલંબિત રહેશે, એમ તેમણે ઉમેર્યું હતું.
વધુમાં ડિપોઝિટરીઝની આંકડાકીય માહિતી અનુસાર સમીક્ષા હેઠળના સમયગાળામાં વિદેશી રોકાણકારોનો ડેબ્ટ માર્કેટમાં પણ રસ જળવાઈ રહેતાં તેઓએ રૂ. 972 કરોડની ફુલ્લી એક્સેસેબલ રૂટ મારફતે અને રૂ. 69 કરોડની જનરલ રૂટ મારફતે ખરીદી કરી હતી.