Mon Aug 17 2026

Logo

ભારત 2036ની ઑલિમ્પિક્સ માટે મજબૂત દાવેદાર, દેશભરમાંથી ટૅલન્ટેડ ઍથ્લીટો શોધીશુંઃ વડા પ્રધાન મોદી

2026-08-15 20:17:50
Author: Ajay Motiwala
Article Image

પીએમ મોદીની લાલ કિલ્લા પરથી મક્કમતાથી રજૂઆત, ખાસ તાલીમ પર પણ મૂક્યો ભાર

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે 80મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે પાટનગરમાં લાલ કિલ્લા પરથી સમગ્ર દેશને જે સંબોધન કર્યું એમાં તેમણે અનેક મહત્ત્વના મુદ્દા પર સરકારનો શું અભિગમ રહેશે એની વાત કરવાની સાથે ભારપૂર્વક 2036ની ઑલિમ્પિક ગેમ્સ (Olympic Games)નો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે `10 વર્ષ પછીની ઑલિમ્પિક્સ યોજવા માટે ભારત પ્રબળ દાવેદાર છે અને એ માટે સરકાર અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેશે જેમાં ખાસ કરીને દેશભરમાંથી 5-15 વર્ષના વય જૂથના ટૅલન્ટેડ ઍથ્લીટો અને ખેલાડીઓ શોધવા પર ભાર મૂકવામાં આવશે.'

હવે વારંવાર રાષ્ટ્ર ગીત સાંભળવા મળે છે

પીએમ મોદી (PM MODI)એ એવું પણ કહ્યું હતું કે 2036માં લગભગ ઘરઆંગણે જ યોજાનારી ઑલિમ્પિક્સ ગેમ્સમાં ભારત મોટા ભાગની (પોણા ભાગની) રમતોની હરીફાઈઓમાં ભાગ લે એની પણ તકેદારી રાખવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે `કેન્દ્ર સરકારે 2014માં શરૂ કરેલી ટાર્ગેટ ઑલિમ્પિક પૉડિયમ સ્કિમ (ટૉપ્સ)એ ઍથ્લીટોને મદદરૂપ થવામાં મોટી સફળતા મેળવી છે. ખેલજગતમાં ભારત પોતાનું આગવું સ્થાન બનાવી રહ્યું છે. આપણને વિવિધ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં વારંવાર આપણું રાષ્ટ્ર ગીત સાંભળવા મળે છે અને તિરંગો પણ લહેરાતો જોવા મળે છે એ જ ભારતની સફળતાઓનો પુરાવો છે.'

ભારત ગતિથી આગળ વધે છે

મોદીએ વધુમાં કહ્યું હતું કે `કેન્દ્ર સરકારની ટૉપ્સ સ્કિમે બહુ મોટી સફળતા મેળવી છે. ખેલો ઇન્ડિયા ગેમ્સ, યુનિવર્સિટી ગેમ્સ, બીચ ગેમ્સ, વિન્ટર ગેમ્સ હોય કે પછી ખેલકૂદની તાલીમ હોય કે ખેલકૂદને લગતી દવા હોય કે ખેલવીરો માટે જરૂરી પોષક તત્વોની વાત હોય, ભારત દરેક બાબતમાં બહુ ગતિથી આગળ વધી રહ્યું છે. ભારતીય ઍથ્લીટો અને ખેલાડીઓના પર્ફોર્મન્સમાં સતત સુધારો આવી રહ્યો છે. 2036ની ઑલિમ્પિક ગેમ્સ માટે યજમાન તરીકે આપણે મજબૂત દાવેદાર છીએ. 2030ની કૉમનવેલ્થ ગેમ્સ આપણે ત્યાં જ (અમદાવાદમાં) યોજાવાની છે. ઑલિમ્પિક્સમાં સામાન્ય રીતે 40 પ્રકારની રમતોમાં લગભગ 350 ઇવેન્ટ યોજાતી હોય છે. એમાંથી આપણે બે-તૃત્યાંશ ઇવેન્ટમાં પણ ભાગ નહીં લઈ શકીએ તો એ બહુ દુઃખની વાત કહેવાશે, કારણકે એમાં આપણે સામાન્ય રીતે ક્વૉલિફાય નથી થઈ શકતા.'

ભારત ત્રણ-ચતુર્થાંશ ઇવેન્ટમાં ભાગ લેશે

જોકે મોદીએ સરકારના સંકલ્પની વાત કરતા કહ્યું હતું કે `અમે નક્કી કર્યું છે કે 2036ની ઑલિમ્પિક ગેમ્સમાં આપણો દેશ ઓછામાં ઓછી ત્રણ-ચતુર્થાંશ (પોણા ભાગની) ઇવેન્ટમાં ભાગ લેશે જ. સરકાર દેશના ખૂણે ખૂણામાંથી પાંચથી પંદર વર્ષની વય જૂથના ટૅલન્ટેડ બાળકોને શોધશે અને તેમને ખાસ તાલીમ આપશે કે જેથી તેઓ વિશ્વ સ્તરના ઍથ્લીટો બની શકે.'

ઑલિમ્પિક્સ માટે કયા દેશો ભારતના હરીફ

ભારતને 2036ની ઑલિમ્પિક ગેમ્સનું યજમાનપદ મળશે કે કેમ એ લગભગ 2029ની સાલમાં જાણવા મળશે, કારણકે ઑલિમ્પિક્સ જગતના મોવડીઓ એ વર્ષમાં અંતિમ નિર્ણય લેવાના છે. જો ભારતને 2036ની ઑલિમ્પિક્સનું યજમાનપદ મળશે તો એ મોટા ભાગે અમદાવાદમાં યોજાશે. ખાસ કરીને કતાર તેમ જ ઇજિપ્તે પણ દાવો કર્યો છે, જ્યારે અન્ય દાવેદાર દેશોમાં તૂર્કી, દક્ષિણ કોરિયા અને ઇન્ડોનેશિયાને પણ યજમાન બનવામાં રસ છે.

PTI

ચીનનું મૉડેલ અનુસરી શકાય

પીટીઆઇએ આ વર્ષના જાન્યુઆરીમાં જ એક અહેવાલમાં જણાવ્યું હતું કે સરકાર 2036ની ઑલિમ્પિક્સ માટે મોટા પ્રમાણમાં ટૅલન્ટ શોધવા વિચારે છે કે જેથી ખાસ કરીને ઍક્વેટિક્સ (સ્વિમિંગ, ડાઇવિંગ, વૉટરપોલો, આર્ટિસ્ટિક સ્વિમિંગ) તથા સાઇક્લિંગ તેમ જ રૉવિંગ અને જિમ્નૅસ્ટિક્સમાં ભારત પોતાની છાપ જમાવી શકે. ઑલિમ્પિક્સમાં આ બન્ને રમતોમાં 100થી પણ વધુ મેડલ અપાતા હોય છે અને ભારતને હજી સુધી એમાં મેડલ નથી મળી શક્યા. 2008માં બેઇજિંગ ઑલિમ્પિક્સ વખતે ચીને ટૅલન્ટ-હન્ટ માટે જોરદાર અભિયાન હાથ ધર્યું હતું જેમાં એણે અગાઉ જેમાં મેડલ નહોતું મેળવી શકતું એવી રમતોમાં (જેમ કે બૉક્સિંગ, હલેસાવાળી બોટની હરીફાઈ તથા તીરંદાજીમાં) પોતાના ઍથ્લીટોને ખાસ તાલીમ આપી હતી અને આ રમતોમાં 100થી વધુ ચંદ્રક જીતી લીધા હતા. 

વધુ ઇવેન્ટ ભારતમાં રાખોઃ મોદી

મોદીએ એવું પણ કહ્યું હતું કે `ભારતમાં વધુ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ યોજાવી જોઈએ. દુનિયા કે સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ ભારત મેં ક્યૂં ના હો.' ભારતના ખેલકૂદ મંત્રાલયના વડા મનસુખ માંડવિયા છે અને તેમણે એક કૅલેન્ડર તૈયાર કર્યું છે જેમાં આવતા છ મહિનામાં ભારતમાં 11 આંતરરાષ્ટ્રીય સ્પર્ધા યોજાવાની છે. એમાં સોમવારે શરૂ થતી બૅડમિન્ટન વર્લ્ડ ચૅમ્પિયનશિપનો પણ સમાવેશ છે.