ગ્લોબલ સ્ટાર અને બોલીવૂડની 'દેસી ગર્લ' પ્રિયંકા ચોપરાએ 40 વર્ષની ઉંમર વટાવી લીધા બાદ જીવનમાં આવતા વિવિધ તબક્કાઓ અને અનુભવોને અત્યંત રમુજી અને રસપ્રદ અંદાજમાં સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. પ્રિયંકાએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક ખાસ નોંધ શેર કરી જણાવ્યું કે, 40ની ઉંમર પછી જીવન કોઈ બંધાયેલી ટાઈમલાઈન મુજબ નહીં પરંતુ માત્ર 'વાઈબ્સ' અને મસ્તીથી ચાલે છે.
પ્રિયંકા ચોપરાએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરેલી નોટમાં લખ્યું હતું તે 40ની ઉંમરમાં પ્રવેશવું ખૂબ જ વિચિત્ર અને અનોખું છે! મારી એક મિત્ર દાદી બની ગઈ છે, તો એક મિત્રને હમણાં જ નવું બાળક જન્મ્યું છે. એક મિત્ર પોતાના લગ્નની 20મી એનિવર્સરી ઉજવી રહી છે, તો બીજી એક 25 વર્ષના યુવાન છોકરાને ડેટ કરી રહી છે. આપણામાંથી અડધા લોકો હજુ પણ 28 વર્ષના દેખાય છે, જ્યારે બાકીના અડધા લોકોને સૂતાં-સૂતાં જ સ્નાયુ ખેંચાઈ જાય છે. કોઈ ફિક્સ ટાઈમલાઈન નથી, બસ પોતાની વાઈબ્સ છે! પ્રિયંકાની આ રમૂજી પોસ્ટ સોશિયલ મીડિયા પર ફેન્સમાં ચર્ચાનું કારણ બની છે.
વાત કરીએ વર્કફ્રન્ટની તો પીસી ટૂંક સમયમાં જ એસ.એસ. રાજામૌલીની મેગા ફિલ્મ 'વારાણસી'થી કરશે ધમાકેદાર કમબેક કરવા જઈ રહી છે. પ્રિયંકા દિગ્ગજ ડિરેક્ટર એસ.એસ. રાજામૌલી ની આગામી મેગા બજેટ પાન-ઈન્ડિયા ફિલ્મ 'વારાણસી'માં મહત્વની ભૂમિકા ભજવતી જોવા મળશે. ફિલ્મમાં પ્રિયંકા 'મંદાકિની' નામના મુખ્ય પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મમાં સાઉથ સુપરસ્ટાર મહેશ બાબુ મુખ્ય ભૂમિકા (રુદ્ર)માં અને અભિનેતા પૃથ્વીરાજ સુકુમારન 'કુંભા' ના પાત્રમાં જોવા મળશે.
અહીંયા તમારી જાણકારી માટે કે આ એક ટાઈમ-ટ્રાવેલ અને ગ્લોબલ એક્શન-એડવેન્ચર ફિલ્મ છે, જેની વાર્તા પવિત્ર શહેર વારાણસી અને એક વૈશ્વિક સંકટની આસપાસ ફરે છે. આ ફિલ્મ સાતમી એપ્રિલ, 2027ના રોજ થિયેટર્સમાં રીલિઝ થવા જઈ રહી છે.