Tue Aug 18 2026

Logo

શહેઝાદ પૂનાવાલાએ અંગત કારણો દર્શાવી ફરી રાજીનામું આપ્યું! ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષને કરી વિનંતી....

2026-08-17 12:05:00
Author: Vimal Prajapati
Article Image

નવી દિલ્હીઃ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ પાર્ટીની દરેક પદ પરથી પોતાનું રાજીનામું આપી દીધું છે. આ સાથે શહેઝાદ પૂનાવાલાએ પાર્ટીને વિનંતી કરી છે કે, તેમના રાજીનામાનો સ્વીકાર કરવામાં આવે! મહત્વની વાતએ છે કે, આ પહેલા 31 જુલાઈએ પણ તેમને રાજીનામું આપ્યું હતું. પરંતુ ત્યારે તેમનું રાજીનામું સ્વીકારવામાં નહોતું આવ્યું! પાર્ટીએ તેમને ફરી આ મામલે વિચાર કરવા માટે કહ્યું હતું. હવે તેમણે ફરી પાર્ટીના દરેક પદેથી રાજીનામું આપી દીધું હોવાની જાહેરાત કરી છે. જો કે, પાર્ટી દ્વારા રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું હોવાની કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. 

પૂનાવાલાએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષને પત્ર સોંપ્યો

શહેઝાદ પૂનાવાલાએ એક્સ પર પોસ્ટ કરીને રાજીનામું આપ્યું છે. શહેઝાદ પૂનાવાલાએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નબીનને રાજીનામાનો પત્ર સોંપ્યો છે અને તેને સ્વીકાર કરવામાં આવે તેવી અપીલ કરી છે. આ રાજીનામું તેઓ શા માટે આપી રહ્યાં છે તેનો પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરંતુ હવે પાર્ટી દ્વારા સ્વીકાર કરવામાં આવશે કે કેમ તે પ્રશ્ન છે! કારણ કે, શહેઝાદ પૂનાવાલા ભાજપા પ્રબળ રાષ્ટ્રીય પ્રવક્તા છે. 

શહેઝાદ પૂનાવાલાએ એક્સ પર પોસ્ટ કરી શું લખ્યું?

શહેઝાદ પૂનાવાલાએ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, ‘...મેં નાણાકીય અને વ્યક્તિગત પરિસ્થિતિઓને કારણે ભાજપના તમામ પદો અને પ્રાથમિક સભ્યપદ પરથી બિનશરતી રાજીનામું આપવાની વાત કરી હતી. મારા માટે તે ખૂબ જ ભાવનાત્મક હતું કે પાર્ટીએ તાત્કાલિક મારું રાજીનામું સ્વીકારવાનો ઇનકાર કર્યો અને મને મારા નિર્ણય પર પુનર્વિચાર કરવા વિનંતી કરી હતી. પરંતુ લાંબા વિચાર-વિમર્શ અને ગંભીર ચિંતન પછી, મેં આખરે નિર્ણય લીધો છે કે હું મારા રાષ્ટ્રીય પ્રવક્તા પદ અને ભાજપના સક્રિય પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપવા માંગુ છું."

 

રાજીનામું આપતા પાર્ટી અને વરિષ્ઠ નેતાઓ અંગે પણ પૂનાવાલાએ ખાસ વાત કરી હતી. શહેઝાદ પૂનાવાલાએ માર્ગદર્શન અને સમર્થન માટે ભાજપ, પાર્ટીના વરિષ્ઠ નેતાઓ, પીએમ નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, રક્ષા પ્રધાન રાજનાથ સિહ, કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી, જેપી નડ્ડા અને બીએલ સંતોષનો ખાસ આભાર માન્યો છે. આ સાથે પૂનાવાલાએ  લખ્યું કે, ‘ભાજપ અને વ્યાપક સંઘ પરિવાર દ્વારા તેમને આપવામાં આવેલી તકો અને પ્લેટફોર્મ માટે તેઓ હંમેશા આભારી રહેશે, હું પાર્ટીની વ્યવસ્થા છોડી રહ્યો છું, પણ વિચારો અને વ્યક્તિ નહીં’.