Tue Aug 18 2026

Logo

વંદે માતરમ ગાવા અંગે કોંગ્રેસના સાંસદ ઇમરાન મસૂદનું વિવાદિત નિવેદન: 'હું નહીં ગાઉં'

2026-08-17 21:35:24
Author: Devayat Khatana
Article Image

નવી દિલ્હી: સંસદના બંને ગૃહ તેમ જ બાદમાં રાષ્ટ્રપતિની મંજૂરી બાદ વંદે માતરમને પણ હવે જન ગણ મન જેટલું જ કાયદાકીય રક્ષણ મળી ગયું છે. જોકે, તાજેતરમાં જ 80માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં વંદે માતરમના કથિત અપમાનના મુદ્દે કોંગ્રેસ વિવાદમાં ઘેરાય છે. જો કે આ વચ્ચે કોંગ્રેસ સાંસદ ઇમરાન મસૂદે 'વંદે માતરમ' ગાવા અંગે કરેલા એક નિવેદનથી દેશમાં ચાલી રહેલો રાજકીય વિવાદ વધુ તેજ બન્યો છે.

તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે તેઓ રાષ્ટ્રીય ગીતનો પૂરો આદર કરે છે અને તેના સન્માનમાં હંમેશાં ઊભા રહેશે, પરંતુ ધાર્મિક માન્યતાઓ અને બંધારણીય અધિકારોને કારણે તેઓ આ ગીત ગાશે નહીં. 

મીડિયા સાથેની વાતચીતમાં મસૂદે જણાવ્યું હતું કે, બંધારણે તેમને અધિકાર આપ્યો છે અને તેઓ અલ્લાહ સિવાય અન્ય કોઈની ઇબાદત કરી શકે નહીં. જોકે, તેમણે ખાતરી આપી હતી કે તેઓ ક્યારેય રાષ્ટ્રીય ગીતનું અપમાન નહીં કરે, પરંતુ તેમણે ભૂતકાળમાં પણ 'વંદે માતરમ' ગાયું નથી અને ભવિષ્યમાં પણ ગાશે નહીં.

ઇમરાન મસૂદનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધી પહેલેથી જ 'વંદે માતરમ'ના મુદ્દે વિવાદોમાં ઘેરાયેલા છે. 

મસૂદે લોકોને અપીલ કરતા કહ્યું હતું કે જેમણે આ ગીતનો પ્રચાર કરવો હોય તેઓ કરી શકે છે, પરંતુ આ વિષય પર ચર્ચા કરતા પહેલા તેનો સંપૂર્ણ ઇતિહાસ અને પૃષ્ઠભૂમિ જાણવી જરૂરી છે કે આખરે આ ગીત કઈ રીતે અને શા માટે લખવામાં આવ્યું હતું.

આ વિવાદ વચ્ચે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રાજસ્થાનના ચિત્તોડગઢમાં એક જનસભાને સંબોધતી વખતે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. શાહે આરોપ લગાવ્યો હતો કે સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં કોંગ્રેસ મુખ્યાલય ખાતે સોનિયા ગાંધીએ પાર્ટી કાર્યકરોને 'વંદે માતરમ' ગાતા અટકાવવા માટે ઈશારો કર્યો હતો, જેને દેશની જનતા ક્યારેય માફ નહીં કરે. 

બીજી તરફ, કોંગ્રેસ પાર્ટીએ આ આરોપોને સદંતર ફગાવી દેતા સ્પષ્ટતા કરી હતી કે સોનિયા ગાંધીએ ગીત રોકવા માટે કોઈ ઈશારો નહોતો કર્યો, પરંતુ લાંબા સમયથી ઊભા રહેલા મલ્લિકાર્જુન ખડગે માટે ખુરશી મંગાવવા સંકેત આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, આ વર્ષે સ્વતંત્રતા દિવસ પર પહેલીવાર 'વંદે માતરમ'નું ઔપચારિક રીતે પૂર્ણ સંસ્કરણ ગાવામાં આવ્યું હતું, જેના પછી આ સમગ્ર રાજકીય ઘમાસાણ શરૂ થયું છે. સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં રાષ્ટ્રીય ગીતના કથિત અપમાનને લઈને ઓડિશામાં પણ રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. 

ભારતીય જનતા યુવા મોરચાની ઓડિશા ઈકાઈએ પ્રદેશ અધ્યક્ષ અભિલાષ પાંડાના નેતૃત્વમાં મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરુદ્ધ રાષ્ટ્રીય ગીતનું અપમાન કરવા અને તેના ગાયનમાં અવરોધ ઊભો કરવાના આરોપસર પોલીસમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી કડક કાર્યવાહીની માંગ કરી છે.