જૂનાગઢ: શહેરના સ્વામિનારાયણ મંદિર સાથે કરોડોની ઠગાઇ થઈ હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતા ભારે ચર્ચા જાગી છે. જૂનાગઢના જવાહર રોડ પર આવેલા પ્રસિદ્ધ સ્વામિનારાયણ મંદિરના મુખ્ય ગેટના નિર્માણકાળ દરમિયાન મંગલ્ય ટેમ્પલ પ્લાનીંગ એન્ડ કન્સ્ટ્રક્શન કંપનીના પ્રોપ્રાઈટર નંદીશભાઈ સોમપુરા દ્વારા વિશ્વાસઘાત અને કરોડોની ઠગાઈ આચરવામાં આવી હતી. મંદિરના કોઠારી સ્વામી ધર્મકીશોરસજી દ્વારા જૂનાગઢ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ મંદિરના મુખ્ય પ્રવેશદ્વારનું કામ પથ્થરોથી નકશીકામ સાથે બનાવવા માટે ઉપરોક્ત પેઢી સાથે કરાર કરવામાં આવ્યો હતો.
પોલીસ ફરિયાદની વિગતો અનુસાર, શરૂઆતમાં નક્કી થયા મુજબ તારીખ 30-10-2021 અને તા. 01-03-2022ના ચેક દ્વારા લાખો રૂપિયાનું એડવાન્સ પેમેન્ટ ચૂકવવામાં આવ્યું હતું. ત્યારબાદ ગેટનું કામ સમયસર પૂરું ન થતાં અને વિલંબ થવાના બહાને આરોપીએ મશીનો ખરીદવા તથા અન્ય કારણોસર અલગ-અલગ તારીખે વધુ નાણાંની માંગણી કરી હતી. આથી મંદિર ટ્રસ્ટ દ્વારા સમયાંતરે ચેક અને રોકડ રકમથી કરોડો રૂપિયાનું ભંડોળ તેઓને પૂરું પાડવામાં આવ્યું હતું.
વર્ષ 2024માં આરોપીએ ભાવ વધારાની માંગણી કરતા ટ્રસ્ટ દ્વારા પ્રતિ ઘનફૂટ રૂા. 200 નો વધારો પણ કરી આપવામાં આવ્યો હતો અને 90 દિવસમાં કામ પૂર્ણ કરવા અંગેનો નવો કરાર થયો હતો. આમ છતાં 2021થી 2025ના સમયગાળા દરમિયાન મંદિર ટ્રસ્ટના બેંક ખાતામાંથી તથા રોકડ સ્વરૂપે કુલ રૂ. 1,51,65,973 જેટલી માતબર રકમ વિશ્વાસમાં લઈને ચૂકવવા છતાં મુખ્ય ગેટનું કામ પૂર્ણ કરવામાં આવ્યું નહોતું.
જ્યારે મંદિર દ્વારા કામ પૂરું કરવા અથવા નાણાં પરત આપવા માટે કહેવામાં આવ્યું, ત્યારે આરોપીએ કામ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી અને લીધેલા નાણાં પરત આપવાનો પણ ઇનકાર કર્યો હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. મંદિર ટ્રસ્ટ સાથે આ પ્રકારે લાખો-કરોડો રૂપિયાની છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવા બદલ કોઠારી સ્વામીએ કાયદેસરની ધોરણસરની કાર્યવાહી કરવા માટે પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી છે.