ગૉલઃ મૂળ રાજસ્થાનના અને આઇપીએલમાં ગુજરાત ટાઇટન્સ (જીટી) વતી રમી ચૂકેલા લેફ્ટ-આર્મ સ્પિનર માનવ સુથાર (Manav Suthar)એ પ્રથમ કક્ષાની ક્રિકેટની ચાર મૅચમાં કુલ 10 કે વધુ વિકેટની સિદ્ધિ મેળવી એના પરથી કોઈએ એવું નહીં ધાર્યું હોય કે તે ટેસ્ટ-કરીઅરની શરૂઆતમાં જ આવી ઉપલબ્ધિ મેળવશે, કારણકે મોટા-મોટા દિગ્ગજો એવી સિદ્ધિ લાંબી ટેસ્ટ-કરીઅરમાં નહોતા મેળવી શક્યા.
સર ગૅરી સોબર્સ, જોએલ ગાર્નર, જેસન ગિલેસ્પી, બે્રટ લી, જૉશ હૅઝલવૂડ, જસપ્રીત બુમરાહ તથા મોહમ્મદ શમી જેવા દિગ્ગજ બોલર્સ ટેસ્ટ-કારકિર્દીમાં ક્યારેય એક મૅચમાં (બન્ને દાવ મળીને) કુલ 10 કે વધુ વિકેટ ન લઈ શક્યા, પરંતુ 24 વર્ષના માનવ સુથારે એ કમાલ પોતાની બીજી જ ટેસ્ટ (Test)માં કરી દેખાડી છે. તેણે ગૉલમાં શ્રીલંકા સામે બુધવારે ભારતના વિજય સાથે પૂરી થયેલી ટેસ્ટમાં પ્રથમ દાવમાં 76 રનમાં ચાર વિકેટ અને બીજા દાવમાં પંચાવન રનમાં છ વિકેટ (કુલ 131 રનમાં 10 વિકેટ) મેળવી હતી.

ભારતે બુધવારે શ્રીલંકાને શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં 372 રનના લક્ષ્યાંક સામે માત્ર 206 રનમાં આઉટ કરીને 165 રનથી વિજય મેળવીને 1-0થી સરસાઈ લીધી હતી. માનવ સુથારે મૅચમાં કુલ 10 વિકેટ લીધી હતી, પરંતુ પ્રથમ દાવમાં 167 રન અને બીજા દાવમાં 44 રનના યોગદાન સાથે જીતનો પાયો નાખનાર દેવદત્ત પડિક્કલને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. સુથારની આ કરીઅરની આ બીજી જ ટેસ્ટ હતી. તેણે બે ટેસ્ટમાં કુલ 17 વિકેટ માત્ર 11.35ની બોલિંગ સરેરાશે મેળવી હતી.
એક ટેસ્ટમાં ક્યારેય 10 કે વધુ વિકેટ ન લઈ શકનાર સાત દિગ્ગજ બોલરની વિગત આ મુજબ છેઃ (1) સર ગૅરી સોબર્સ (93 ટેસ્ટમાં 235 વિકેટ, છ વખત દાવમાં પાંચ કે વધુ વિકેટ) (2) જોએલ ગાર્નર (58 ટેસ્ટમાં 259 વિકેટ, સાત વખત દાવમાં પાંચ કે વધુ વિકેટ) (3) જેસન ગિલેસ્પી (71 ટેસ્ટમાં 259 વિકેટ, આઠ વખત દાવમાં પાંચ કે વધુ વિકેટ) (4) બે્રટ લી (76 ટેસ્ટમાં 310 વિકેટ, 10 વખત દાવમાં પાંચ કે વધુ વિકેટ) (5) જૉશ હૅઝલવૂડ (77 ટેસ્ટમાં 302 વિકેટ, 14 વખત દાવમાં પાંચ કે વધુ વિકેટ) (6) જસપ્રીત બુમરાહ (બાવન ટેસ્ટમાં 234 વિકેટ, 16 વખત દાવમાં પાંચ કે વધુ વિકેટ) (7) મોહમ્મદ શમી (64 ટેસ્ટમાં 229 વિકેટ, છ વખત દાવમાં પાંચ કે વધુ વિકેટ).