Thu Aug 20 2026

Logo

ભાવનગરમાં નકલી દારૂકાંડમાં મોતનો આંકડો 4 પર પહોંચ્યો, બેની હાલત ગંભીર

2026-08-19 18:37:00
Author: Pooja Shah
Article Image

ડુપ્લીકેટ ‘રોયલ સ્ટેગ’ની 28 પેટી ઉજ્જૈનથી આવી હોવાનો ખુલાસો; 15 પેટી જપ્ત, 4 બુટલેગર ઝડપાયા, તપાસ એસએમસીને સોંપાઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભાવનગરઃ
શહેરમાં નકલી અને ઝેરી દારૂના સેવનથી સર્જાયેલા ગંભીર કાંડમાં હાહાકાર મચી ગયો હતો. શહેર તથા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ડુપ્લીકેટ દારૂ પીવાના કારણે અનેક લોકોની તબિયત લથડતાં સારવાર માટે હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા અને બુધવારે સાંજ સુધીમાં મૃત્યુઆંક ચાર પર પહોંચ્યો હોવાનું સામે આવ્યું છે. બે દર્દીની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે 20થી વધુ લોકો ભાવનગરની વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે.

સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ રાજ્ય સરકાર પણ હરકતમાં આવી છે અને પ્રકરણની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી)ને સોંપવામાં આવી છે. બીજી તરફ ભાવનગર પોલીસે નકલી દારૂના સપ્લાય સાથે સંકળાયેલા ચાર બુટલેગરને ઝડપી લઈ સઘન પૂછપરછ શરૂ કરી છે.પ્રાથમિક તપાસમાં નકલી દારૂનો આ જથ્થો મધ્યપ્રદેશના ઉજ્જૈનથી ભાવનગર લાવવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. ઉજ્જૈનથી ડુપ્લીકેટ ‘રોયલ સ્ટેગ’ દારૂની કુલ 28 પેટી લાવવામાં આવી હોવાની માહિતી સામે આવી છે, જેમાંથી પોલીસે અત્યાર સુધીમાં 15 પેટી જપ્ત કરી લીધી છે.

બાકીની 13 પેટી ક્યાં પહોંચાડવામાં આવી છે અને કોના હાથમાં છે તે શોધવા માટે પોલીસની વિવિધ ટીમો દ્વારા ભાવનગર શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. પોલીસે અત્યાર સુધીમાં મોટાભાગનો જથ્થો રિકવર કરી લીધો હોવાનો દાવો કર્યો હતો.આ નકલી દારૂનો સપ્લાય છેલ્લા ત્રણથી ચાર દિવસ દરમિયાન ભાવનગર શહેર તથા જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. ભરતનગર, અકવાડા, તળાજા રોડ ઉપરાંત ઘોઘા તાલુકાના ખાટડી, ખરકડી, નાના ખોખરા અને દેવગાણા સહિતના વિસ્તારોમાંથી નકલી દારૂની અસરગ્રસ્ત વ્યક્તિઓ મળી આવી છે. એકસાથે અનેક લોકોની તબિયત લથડતાં સમગ્ર મામલો પોલીસ અને જિલ્લા વહીવટી તંત્રના ધ્યાને આવ્યો હતો અને ત્યારબાદ તપાસનો ધમધમાટ શરૂ થયો હતો.

ઘોઘા તાલુકાના ખરકડી ગામે તા.16 ઓગસ્ટના રોજ સાત મિત્ર દ્વારા દારૂની પાર્ટી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ પાર્ટીમાં ડુપ્લીકેટ દારૂનું સેવન કર્યા બાદ કેટલાક લોકોની તબિયત અચાનક બગડી હતી. સારવાર દરમિયાન ઉપેન્દ્રસિંહ ચંદ્રસિંહ ગોહિલનું મોત થતાં બનાવની ગંભીરતા જણાઈ હતી. અન્ય મિત્રો ઘનશ્યામસિંહ જાડેજા તથા વિશ્વરાજસિંહ ગોહિલ સહિતના લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરિવારજનોએ દારૂમાં ઝેરી પદાર્થ હોવાની આશંકા વ્યક્ત કરી હતી.

આ સમગ્ર પ્રકરણમાં મૃત્યુ પામેલા લોકોમાં કાર્તિક અશ્વિનભાઈ મકવાણા (ઉ.વ.40, રહે. તળાજા રોડ, ભાવનગર), ઉપેન્દ્રસિંહ ચંદ્રસિંહ ગોહિલ (ઉ.વ.25, રહે. ખરકડી, તા.ઘોઘા), નરેન્દ્રસિંહ યાદવ (રહે. ઈન્દોર, મધ્યપ્રદેશ) અને બસના ચાલક કનકસિંહ ગોહિલ (રહે. ભાવનગર)નો સમાવેશ થાય છે. જોકે, તમામ મૃત્યુનું કારણ નકલી દારૂ જ છે કે કેમ તે અંગે અંતિમ તબીબી અને ફોરેન્સિક તપાસ બાદ જ સત્તાવાર રીતે સ્પષ્ટતા થશે. નરેન્દ્રસિંહ અમદાવાદથી ભાવનગર આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું હોવાથી તેમના મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા તપાસ ચાલી રહી છે.

હાલ ભાવનગરની વિવિધ હોસ્પિટલોમાં 20થી વધુ દર્દીઓ સારવાર હેઠળ હોવાનું વહીવટી તંત્ર દ્વારા જણાવાયું છે. સિવિલ હોસ્પિટલ, આરોગ્યમ હોસ્પિટલ, વેદ આઈસીયુ તથા બિમ્સ હોસ્પિટલ સહિતની હોસ્પિટલોમાં અસરગ્રસ્ત દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. કેટલાક દર્દીઓમાં આંખોમાં તકલીફ, શ્વાસ લેવામાં મુશ્કેલી સહિતના ગંભીર લક્ષણો જોવા મળ્યા હોવાનું જાણવા મળ્યું છે. દર્દીઓની સ્થિતિને ધ્યાનમાં રાખીને તબીબી તંત્રને પણ એલર્ટ કરવામાં આવ્યું છે અને નિષ્ણાત તબીબોની મદદ લેવામાં આવી રહી છે.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર ડો. મનીષ બંસલે હોસ્પિટલોમાં દર્દીઓને ઝડપી અને યોગ્ય સારવાર મળી રહે તે માટે ડેડિકેટેડ સ્ટાફ તથા સ્પેશિયલ મેડિકલ ટીમ ફાળવવા સૂચના આપી છે. અમદાવાદથી નેફ્રોલોજીસ્ટ તબીબને પણ ભાવનગર બોલાવવામાં આવ્યા હતા. હોસ્પિટલોમાં સારવાર હેઠળ રહેલા દર્દીઓની સતત તબીબી દેખરેખ રાખવામાં આવી રહી છે.
બીજી તરફ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાને સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી.

અમદાવાદ એરપોર્ટ ખાતે રાજ્ય પોલીસ વડા જી.એસ. મલિક, આઈબી ચીફ અને અમદાવાદ પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાયા બાદ ભાવનગરમાં તાત્કાલિક કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. સમગ્ર પ્રકરણની તપાસ હવે સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપવામાં આવતા નકલી દારૂના સમગ્ર નેટવર્કની તપાસ વધુ ઊંડાણપૂર્વક થવાની શક્યતા છે. તાજેતરના અહેવાલોમાં પણ એસએમસી તપાસ અને ચાર બુટલેગરની કાર્યવાહીનો ઉલ્લેખ થયો છે.

ભાવનગર એસપી દ્વારા નકલી દારૂના સપ્લાય સાથે સંકળાયેલા ચાર બુટલેગરોને ઝડપી લઈ તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. તપાસમાં નકલી ‘રોયલ સ્ટેગ’ની બોટલોમાં દારૂ ભરીને તેનું વેચાણ કરવામાં આવ્યું હોવાની શંકા છે. જપ્ત કરાયેલા જથ્થાના સેમ્પલ ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે, જેથી તેમાં કયા પ્રકારનો ઝેરી પદાર્થ અથવા અન્ય હાનિકારક કેમિકલ ભેળવવામાં આવ્યું હતું તે જાણી શકાય. પોલીસ હવે આ જથ્થો ઉજ્જૈનથી ભાવનગર સુધી કેવી રીતે પહોંચ્યો, વચ્ચે કોણ કોણ સંકળાયેલું હતું અને ભાવનગરમાં કયા કયા વિસ્તારોમાં તેનો સપ્લાય થયો હતો તેની કડી જોડવામાં લાગી છે.

પોલીસે નાગરિકોને ખાસ અપીલ કરી છે કે છેલ્લા કેટલાક દિવસોમાં જો કોઈ વ્યક્તિએ આ ડુપ્લીકેટ દારૂનું સેવન કર્યું હોય તો હાલ તબિયત સારી લાગતી હોવા છતાં બેદરકારી ન રાખે અને તાત્કાલિક નજીકની સરકારી હોસ્પિટલ અથવા આરોગ્ય કેન્દ્રમાં જઈ તબીબી તપાસ કરાવે. નકલી દારૂના સેવન બાદ લક્ષણો દેખાવામાં સમય લાગી શકે છે, તેથી કોઈપણ પ્રકારની તકલીફ જણાય તો તાત્કાલિક તબીબી સારવાર લેવાની સલાહ આપવામાં આવી છે.

ભાવનગરમાં નકલી દારૂના આ કાંડથી  અનેક સવાલો ઉભા થયા છે. ઉજ્જૈનથી ભાવનગર સુધી નકલી દારૂનો જથ્થો પહોંચ્યો કેવી રીતે, 28 પેટીમાંથી બાકી રહેલી પેટીઓ ક્યાં ગઈ, શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કેટલા લોકો સુધી આ દારૂ પહોંચ્યો અને આ ગેરકાયદે નેટવર્ક પાછળ વધુ કેટલા લોકો સંડોવાયેલા છે તે હવે એસએમસી તથા પોલીસ તપાસના કેન્દ્રમાં રહેશે. તપાસ આગળ વધતાં નકલી દારૂના સમગ્ર નેટવર્ક અને તેના પાછળ રહેલા મુખ્ય સૂત્રધારો અંગે વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.
(વિપુલ હિરાણી-ભાવનગર)