Thu Aug 27 2026

Logo

તહેવારોની મોસમમાં સોનામાં માગ વધવાનો આશાવાદઃ ડબ્લ્યુજીસી

2026-08-19 20:46:22
Author: Ramesh Gohil
તહેવારોની મોસમમાં સોનામાં માગ વધવાનો આશાવાદઃ ડબ્લ્યુજીસી

નવી દિલ્હીઃ તાજેતરમાં સોનાના ભાવમાં આવેલા ઘટાડામાં ગ્રાહકોએ સારો પ્રતિસાદ આપ્યો છે અને માગમાં સુધારો થઈ રહ્યો હોવાથી આગામી તહેવારોની મોસમમાં માગ વધુ મજબૂત થવાનો આશાવાદ વધ્યો હોવાનું વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે જણાવ્યું છે. 

એકંદરે હાલ માગમાં સુધારો થઈ રહ્યો છે, જે તહેવારોની મોસમમાં મજબૂત માગ રહેવાનો આશાવાદ વધારી રહ્યો છે. જોકે, સોનાના ઊંચા ભાવ જ્વેલરીની માગ પર પડી શકે છે, એમ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે તેના તાજેતરનાં ઈન્ડિયા ગોલ્ડ માર્કેટ અપડેટ અહેવાલમાં જણાવ્યું છે. 

કાઉન્સિલે અહેવાલમાં જણાવ્યું હતું કે તાજેતરમાં સોનાના ભાવમાં જોવા મળેલા કરેક્શન દરમિયાન ગ્રાહકોએ ખરીદીની તક સમજી હતી અને માગ મજબૂત થઈ રહી હતી. ગત જૂન મહિનામાં ભાવમાં કરેક્શન આવ્યુ હતું અને જુલાઈમાં ભાવમાં સ્થિરતા આવતા માગમાં સળવળાટ થયો હતો અને ત્યાર બાદ જુલાઈ મહિનામાં ઘટ્યા મથાળેથી સુધારો આવતા જ્વેલરો અને જ્વેલરી ઉત્પાદકોએ આગામી તહેવારોની મોસમની માગને અનુલક્ષીને સ્ટોક માટે ખરીદી કરી હતી. 

ઉદ્યોગ વર્તુળોએ પ્રતિસાદમાં જણાવ્યું હતું કે ગ્રાહકોએ મુલતવી રાખેલી ખરીદી નીકળતાં જ્વેલરોના શૉરૂમમાં ચહેલપહેલ વધી હતી. ખાસ કરીને લગ્નસરાની માગ પણ રહી હતી. તેમ જ ઉત્પાદકોનાં ઓર્ડરોનો પ્રવાહ વધવાની સાથે જ્વેલરોની આગામી તહેવારોની મોસમની અપેક્ષિત માગને ધ્યાનમાં લેતા લેવાલી નીકળી હતી. વધુમાં જૂના સોનાનાં વેપારો-વિનિમયમાં સતત વધારો થઈ રહ્યો છે અને ખરીદીને સરળ બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યું હોવાનું અહેવાલમાં ઉમેર્યું હતું. 

વધુમાં અહેવાલમાં ઉમેર્યું હતું કે અગાઉ હાજર સોનામાં ઊંચા મથાળેથી માગ રૂંધાઈ હતી, પરંતુ તાજેતરમાં જોવા મળેલા કરેક્શનને કારણે માગમાં સંચાર થયો હોય તેમ જણાય છે. નોંધનીય બાબત એ છે સતત બે મહિના ભાવમાં નરમાઈ રહ્યા બાદ ગત જુલાઈ મહિનામાં જ્વેલરી ઉત્પાદકો અને જ્વેલરોની માગ ખૂલવાને કારણે સોનાની આયાતમાં પણ વધારો થયો હતો. પ્રાપ્તા આંકડાકીય માહિતી અનુસાર ગત જુલાઈ મહિનામાં મૂલ્યની દૃષ્ટિએ સોનાની આયાત આગલા જૂન મહિનાના 1.97 અબજ ડૉલર સામે વધીને 4.16 અબજ ડૉલરના સ્તરે રહી હતી, જ્યારે પ્રમાણની દૃષ્ટિએ આયાત આગલા જૂન મહિનાના 20 ટન સામે વધીને 40થી 45 ટનની થઈ હોવાનો અંદાજ કાઉન્સિલે મૂક્યો છે.