વોશિંગ્ટન: ભારતીય મૂળના અમેરિકન મહિલા અને એક સ્કૂલના ભૂતપૂર્વ આચાર્ય પિયા ડાંડિયાએ ફ્લોરિડાના 22મા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટમાંથી ડેમોક્રેટિક પાર્ટીની પ્રાઇમરી ચૂંટણીમાં જીત મેળવી હતી. આ સાથે નવેમ્બરમાં યોજાનારી ચૂંટણીમાં તેમનો સામનો રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર અને ભૂતપૂર્વ મરીન સૈનિક કેસી અસ્કર સામે થશે.
ડાંડિયાને પ્રાઈમરી ચૂંટણીમાં 68.6 ટકા મત મળ્યા, જ્યારે તેમના હરિફ અને વકીલ કાયસિયા અર્લીને 31.4 ટકા મત મળ્યા હતા. ડાંડિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર એક મેસેજમાં કહ્યું હતું કે "એફએલ-22, આ અભિયાનમાં વિશ્વાસ કરવા બદલ આભાર. મેં મારા વિદ્યાર્થીઓ, મારા પુત્ર અને આ જિલ્લામાં ઉછરતા દરેક બાળક માટે ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે જે સારા ભવિષ્યના હકદાર છે."
તેમણે કહ્યું હતું કે આપણે સાથે મળીને ખર્ચ ઘટાડવા, ભ્રષ્ટાચારનો અંત લાવવા અને વોશિંગ્ટનને ફરીથી લોકો માટે કામ કરનારુ બનાવવાના આંદોલનને વધારીશું." ડેમોક્રેટિક નેશનલ કમિટી (ડીએનસી) એ પણ ડાંડિયાને પ્રાઈમરીમાં જીત બદલ અભિનંદન આપ્યા હતા.
કમિટીએ કહ્યું કે "એક શિક્ષિકા અને તેમના સમુદાયમાં લાંબા સમય સુધી નેતૃત્વ કરનારા પિયાએ તકો વધારવા અને કામ કરતા પરિવારો માટે લડવા માટે પોતાને સમર્પિત કરી છે.
ડીએનસી પિયાને ચૂંટવામાં મદદ કરવા, ડેમોક્રેટિક પાર્ટીના પક્ષમાં આ બેઠક કરવા અને નવેમ્બરમાં હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં બહુમત ફરીથી હાંસલ કરવામાં મદદ કરવા માટે તૈયાર છે.