Sat Oct 10 2026

Logo

Shardiya Navratri 2026 Muhurat: જાણો ઘટસ્થાપના, હોમાષ્ટમી અને દશેરા ખરીદીના ચોક્કસ શુભ મુહૂર્ત

2026-10-10 13:36:09
Author: Darshana Visaria
Shardiya Navratri 2026 Muhurat: જાણો ઘટસ્થાપના, હોમાષ્ટમી અને દશેરા ખરીદીના ચોક્કસ શુભ મુહૂર્ત

આદ્યશક્તિ જગદંબાની ઉપાસના અને ભક્તિનું મહાપર્વ શારદીય નવરાત્રિ હવે ગણતરીના દિવસોમાં શરૂ થવા જઈ રહ્યું છે. વર્ષ ૨૦૨૬માં આસો નવરાત્રિની શરૂઆત ૧૧ ઓક્ટોબર, રવિવાર (આસો સુદ એકમ) ના રોજ થશે અને તેની પૂર્ણાહુતિ ૧૯ ઓક્ટોબર, સોમવાર (આસો સુદ નોમ) ના રોજ થશે.

જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયાના જણાવ્યા અનુસાર, આ વર્ષે ઘટસ્થાપનના દિવસે ચિત્રા નક્ષત્ર અને વૈધૃતિ યોગ હોવાથી શાસ્ત્રોક્ત નિયમોનું પાલન કરીને નિર્ધારિત મુહૂર્તમાં જ સ્થાપન કરવું ફળદાયી રહેશે.

૧. ઘટસ્થાપન મુહૂર્ત (૧૧ ઓક્ટોબર ૨૦૨૬, રવિવાર):

શાસ્ત્રોક્ત વિધાન: ચંડી રહસ્ય, રુદ્ર યામલ તંત્ર અને ભવાની તંત્ર જેવા ગ્રંથો અનુસાર ચિત્રા નક્ષત્ર અને વૈધૃતિ યોગમાં સ્થાપન વર્જ્ય ગણાય છે. જોકે, ‘નિર્ણયસિંધુ’ ગ્રંથ મુજબ પ્રથમ પ્રહર છોડીને ઘટસ્થાપન કરી શકાય છે:

સવારનું શ્રેષ્ઠ મુહૂર્ત: સવારે ૦૯:૪૦ થી બપોરે ૧૨:૨૫ વાગ્યા સુધી.

સંધ્યા સમયનું મુહૂર્ત: સાંજે ૦૬:૨૦ થી ૦૭:૪૦ વાગ્યા સુધી (ચંડી તંત્ર અને ભવાની તંત્ર અનુસાર).

વિશેષ નોંધ: મત્સ્ય પુરાણના કડક નિયમ અનુસાર રાત્રિના સમયે ઘટસ્થાપન કરવું વર્જ્ય છે.

૨. હોમાષ્ટમી, ઉપવાસ અને મહાનવમીની તિથિઓ:

હોમાષ્ટમી (હવન-યજ્ઞ): ૧૮ ઓક્ટોબર ૨૦૨૬, રવિવારના રોજ સવારે ૦૮:૩૦ વાગ્યાથી.

મહાષ્ટમી / મહાનવમી ઉપવાસ: ૧૯ ઓક્ટોબર ૨૦૨૬, સોમવારના રોજ સવારે ૧૦:૫૩ વાગ્યાથી.

ઘટ ઉત્થાપન મુહૂર્ત: દેવી તંત્ર અને કાલી વિલાસ તંત્ર મુજબ શ્રવણ નક્ષત્રમાં ઘટ ઉત્થાપન કરવું શુભ માનવામાં આવે છે.

સમય: ૧૯ ઓક્ટોબર ૨૦૨૬, સોમવારના રોજ બપોરે ૦૩:૪૦ થી સાંજે ૦૫:૩૦ વાગ્યા સુધી.

૩. વિજયાદશમી (દશેરા) પૂજન અને ખરીદીના શુભ મુહૂર્ત (૨૦ ઓક્ટોબર ૨૦૨૬):

આસો સુદ દસમ, મંગળવારના રોજ વિજયાદશમીનું પર્વ ઉજવાશે. આ દિવસે શસ્ત્ર પૂજન, ચોપડા પૂજન તેમજ વાહન, સોના-ચાંદી કે નવી મિલકતની ખરીદી માટે નીચે મુજબના મુહૂર્તો ઉત્તમ છે:

બપોરનું અભિજીત મુહૂર્ત: બપોરે ૧૨:૫૫ થી ૦૧:૧૦ વાગ્યા સુધી.

બપોર પછીનું શુભ મુહૂર્ત: બપોરે ૦૩:૨૦ થી સાંજે ૦૬:૦૫ વાગ્યા સુધી.