જાણીતા ઉદ્યોગપતિ અને અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાએ વર્ષ 2021ના ચર્ચિત એડલ્ટ કન્ટેન્ટ કેસમાં થયેલી પોતાની ધરપકડ અને મુંબઈની આર્થર રોડ જેલમાં વિતાવેલા અત્યંત કઠિન દિવસો અંગે મોટો અને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તાજેતરના એક ઈન્ટરવ્યુમાં રાજ કુન્દ્રાએ જણાવ્યું હતું કે જેલમાં 63 દિવસની કસ્ટડી દરમિયાન તેઓ માનસિક રીતે એટલા ભાંગી પડ્યા હતા કે તેમના મનમાં આત્મહત્યા કરવાનો વિચાર પણ આવી ગયો હતો. જોકે, તે મુશ્કેલ સમયમાં પત્ની અને બોલીવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના એક ફોન કોલે તેમનો જીવ બચાવ્યો હતો અને નવી હિંમત આપી હતી.
રાજ કુન્દ્રાએ આર્થર રોડ જેલની કફોડી સ્થિતિ વર્ણવતાં જણાવ્યું હતું કે જે બેરેકમાં 50 કેદીઓની ક્ષમતા હતી, ત્યાં સેંકડો લોકોને એકસાથે રાખવામાં આવતા હતા. જેલવાસ દરમિયાન તેઓ માત્ર પાણી અને પાર્લે-જી (Parle-G) બિસ્કિટ ખાઈને દિવસો પસાર કરી રહ્યા હતા, જેના કારણે તેમનું વજન 17થી 18 કિલો જેટલું ઘટી ગયું હતું.
ફિઝિકલ સ્ટ્રેસની વચ્ચે જ્યારે જેલમાં મીડિયા દ્વારા અફવા પહોંચી કે શિલ્પા શેટ્ટી તેમનાથી અલગ થવાની અને છૂટાછેડા લેવાનું વિચારી રહી છે ત્યારે તે માનસિક રીતે સંપૂર્ણ ભાંગી પડ્યા હતા. રાજ કુન્દ્રાએ જણાવ્યું હતું કે મારા માટે પરિવાર અને પત્નીથી વિશેષ કંઈ નહોતું. આ અફવા સાંભળીને હું આખી રાત ઊંઘી શક્યો નહોતો અને મારા મનમાં જિંદગી ટૂંકાવી લેવાનો વિચાર આવ્યો હતો.
બીજા દિવસે જ્યારે જેલમાંથી શિલ્પા શેટ્ટી સાથે ફોન પર વાત થઈ, ત્યારે શિલ્પાએ તમામ અફવાઓને સ્પષ્ટ નકારી કાઢીને કહ્યું કે તેઓ સંપૂર્ણપણે તેમની સાથે છે અને તેમના પર અતૂટ વિશ્વાસ ધરાવે છે. શિલ્પાના આ ભરોસાએ રાજ કુન્દ્રામાં નવી ઊર્જા ભરી અને મુશ્કેલીઓ સામે લડવાની હિંમત આપી.
અત્રે ઉલ્લેખનીય છે કે મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે 19મી જુલાઈ, 2021ના રોજ મોબાઈલ એપ્સ (જેમ કે હોટશોટ્સ અને બોલીફેમ) દ્વારા એડલ્ટ કન્ટેન્ટ બનાવવા અને વિતરણ કરવાના આરોપ હેઠળ રાજ કુન્દ્રાની ધરપકડ કરી હતી. પુરાવાઓના અભાવ વચ્ચે 20મી સપ્ટેમ્બર, 2021ના રોજ મુંબઈ મેજિસ્ટ્રેટ કોર્ટે તેમને જામીન આપ્યા હતા. જેલમાંથી બહાર આવ્યા બાદ તેમણે પોતાના જેલ જીવનના અનુભવો પર 'UT69' ફિલ્મ બનાવી હતી. આ ઉપરાંત તેઓ કરણ જોહરના રિયાલિટી શો ધ ટ્રેઈટર્સમાં પણ જોવા મળ્યા હતા.