Sun Aug 23 2026

Logo

પરિવહન ખર્ચ ઘટાડવા ઉઝબેકિસ્તાન ભારતથી સ્ટીલની આયાત કરવા ઉત્સુક

2026-08-19 20:38:07
Author: Ramesh Gohil
Article Image

નવી દિલ્હીઃ તમામ બાજુઓથી જમીની સરહદથી ઘેરાયેલો મધ્ય એશિયાનો દેશ ઉઝબેકિસ્તાન પરિવહન ખર્ચ ઘટાડવા માટેનાં એક વ્યૂહાત્મક ભાગરૂપે ભારતથી સ્ટીલની આયાત કરવા માટે ઉત્સુક હોવાનું ઉદ્યોગના એક અધિકારીએ જણાવ્યું હતું. 

ઉઝબેકિસ્તાન ચીનથી ટીએમટી બાર સહિત વર્ષે 10 લાખ ટન સ્ટીલની આયાત કરતું હોવાનું અધિકારીએ જણાવતાં ઉમેર્યું હતું કે દરિયાઈ માર્ગ મારફતે ચીનથી ઉઝબેકિસ્તાનનો પરિવહન ખર્ચ સ્ટીલની કિંમત ઉપરાંત ટનદીઠ 100 ડૉલર જેટલો થાય છે. આથી ઉઝબેકિસ્તન ટૂંકા, વૈકલ્પિક માર્ગ દ્વારા ભારતથી સ્ટીલની આયાત કરવા ઉત્સુક છે જેથી તેઓનો પરિવહન ખર્ચ ઓછો થશે, એમ ઉદ્યોગના એક સભ્યએ જણાવતાં ઉમેર્યું હતું કે આ સંદર્ભે ઉઝબેકિસ્તાન મેટલર્જી એસોસિયેશને ઈન્ડિયન સ્ટીલ એસોસિયેશન સાથે સમજૂતી કરાર પર સહીસિક્કા કર્યા છે. 

આ બન્ને સંગઠનો ઉત્પાદન, ટેક્નોલૉજી, પર્યાવરણ, ટકાઉ વિકાસ, પરિવહન વગેરે મુદ્દાઓ પર કાર્ય કરશે અને પારસ્પારિક સમજૂતી વધારવાના હેતુથી પ્રક્રિયાઓ સરળ બનાવવામાં આવશે. નોંધનીય બાબત એ છે કે સરકાર ભારતીય સ્ટીલ ઉત્પાદકોને સ્ટીલની નિકાસ વધારવા માટે નવી બજારોમાં પ્રવેશ કરવા પ્રોત્સાહિત કરી રહી છે, ત્યારે આ વિકાસ એક મહત્ત્વપૂર્ણ છે. નોંધનીય બાબત એ છે કે સ્ટીલના વૈશ્વિક ઉત્પાદનમાં ભારત બીજો ક્રમાંક ધરાવે છે. 

માર્કેટ રિસર્ચ કંપની બિગમિન્ટની આંકડાકીય માહિતી અનુસાર ગત નાણાકીય વર્ષ 2025-26માં દેશની સ્ટીલની કુલ નિકાસ 91 લાખ ટનની સપાટીએ રહી હતી, જેમાં મુખ્યત્વે યુરોપિયન યુનિયન, વિયેટનામ અને મધ્યપૂર્વના દેશોમાં મુખ્યત્વે યુએઈ ખાતે નિકાસ થઈ હતી. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ઈન્ડિયન સ્ટીલ એસોસિયેશન (આઈએસએ)એ સ્ટીલ ક્ષેત્રની નીતિવિષયક સલાહકારી સંસ્થા છે અને તેનાં સભ્યોમાં ટાટા સ્ટીલ, જેએસડબ્લ્યુ સ્ટીલ, જિન્દાલ સ્ટીલ અને એએમએએનએસનો સમાવેશ થાય છે.