Sat Sep 12 2026

Logo

ખાંડમાં વધુ રૂ. 288થી 340ની તેજી

2026-08-18 20:04:10
Author: Ramesh Gohil
ખાંડમાં વધુ રૂ. 288થી 340ની તેજી

ખાંડ પરની આયાત જકાત દૂર કરવા સરકારની વિચારણાઃ અહેવાલ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

નવી મુંબઈઃ
મહારાષ્ટ્રની ખાંડ મિલો પર તાજેતરમાં ખાંડના ભાવ ક્વિન્ટલે રૂ. 4600ની સપાટી આસપાસ પ્રવર્તી રહ્યાના નિર્દેશો તેમ જ ઉત્તર પ્રદેશની ખાંડ મિલો પર પણ તેજીનું વલણ જળવાઈ રહ્યાના અહેવાલો સાથે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં પણ સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત સાર્વત્રિક સ્તરેથી માગને ટેકે ભાવમાં વધુ ક્વિન્ટલે રૂ. 288થી 340ની તેજી આગળ ધપી હતી. તેમ જ આજે મથકો પાછળ નાકા ડિલિવરી ધોરણે પણ ભાવમાં ક્વિન્ટલે રૂ. 300થી 370ની આગેકૂચ જોવા મળી હતી. 

તાજેતરમાં પુરવઠાખેંચની ભીતિ હેઠળ ખાંડના ભાવમાં આગઝરતી તેજી જોવા મળતાં સરકારે સંગ્રહખોરી અને સટ્ટાખોરીને ડામવા માટે મિલો અને ટ્રેડરો પર સ્ટોક મર્યાદા લાદી હોવા છતાં એકતરફી તેજીનો ટોન જોવા મળી રહ્યો છે, ત્યારે બ્લૂમબર્ગનાં એક અહેવાલ અનુસાર સરકાર ખાંડ પરની આયાત જકાત જે હાલ 100 ટકા છે તે દૂર કરવા અંગે વિચારણા કરી રહી છે. નોંધનીય બાબત એ છે સ્થાનિક ઔદ્યોગિક સંગઠન ઈસ્માના જણાવ્યાનુસાર દેશમાં ખાસ કરીને ઑગસ્ટથી જાન્યુઆરી દરમિયાન તહેવારોની મોસમ હોવાથી ખાંડની વપરાશી માગમાં વધારો થતો હોય છે. જોકે, માગને પહોંચી વળવા માટે ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રની ખાંડ મિલો આગામી નવેમ્બરથી શરૂ થતી વર્ષ 2026-27ની મોસમમાં શેરડીનું પિલાણ એકાદ પખવાડિયું વહેલું શરૂ કરશે. 

દરમિયાન આજે સ્થાનિકમાં અંદાજે 28થી 29 ટ્રકની આવક સામે સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત રિટેલ સ્તરની માગને ટેકે આવક સામે ઉપાડ જળવાઈ રહ્યો હતો. તેમ જ મથકો પાછળ હાજરમાં સ્મોલ ગે્રડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. 308થી 320 વધીને રૂ. 5320થી 5442માં અને મિડિયમ ગે્રડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. 288થી 340 વધીને રૂ. 5420થી 5572માં થયા હતા. 

વધુમાં આજે નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે સ્મોલ ગે્રડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. 300 વધીને રૂ. 5300થી 5350માં અને મિડિયમ ગે્રડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. 310થી 370ની તેજી સાથે રૂ. 5370થી 5500માં થયા હતા.