રિયાધ: સાઉદી અરેબિયા અને યમનના હુતી બળવાખોરો વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. હુતી સંગઠને દાવો કર્યો છે કે તેણે બેલિસ્ટિક મિસાઇલો અને ડ્રોનનો ઉપયોગ કરીને સાઉદીની રાજધાની રિયાધમાં આવેલી અરામકોની ક્રૂડ ઓઇલ સુવિધાને નિશાન બનાવી છે.
સાઉદી અરેબિયાએ હુમલાનો દાવો નકાર્યો
આ હુમલા અંગે હુતી સૈન્યના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ યાહ્યા સરીએ દાવો કર્યો છે કે નિશાન બનાવાયેલા સ્થળોને નુકસાન થયું છે અને ત્યાં આગ લાગી હતી. જોકે, સાઉદી અરેબિયાએ રિયાધ પર આવા કોઈ પણ હુમલા અંગેના હુતીઓના દાવાને નકારી કાઢ્યો છે.
હુતીઓએ નુકસાનથી ધ્યાન ભટકાવવા માટે રિયાધ હુમલાની વાત કરી
આ ઉપરાંત યમનમાં સાઉદી-આગેવાની હેઠળના ગઠબંધનના પ્રવક્તા મેજર જનરલ તુર્કી અલ-માલિકીએ રિયાધ પર હુમલાના હુતીઓના દાવાને ભ્રામક ગણાવીને ફગાવી દીધો હતો.તેમણે જણાવ્યું કે તાઈઝ મોરચે હુતીઓને ભારે નુકસાન વેઠવું પડ્યું છે. હુતીઓ તેમને થયેલા નુકસાનથી જનતાનું ધ્યાન ભટકાવવા માટે રિયાધ પર કથિત હુમલાની વાત ફેલાવી રહ્યા છે.
આ અગાઉ હુતી બળવાખોરોએ સાઉદી અરેબિયાના યાનબુ વિસ્તારમાં અરામકો (Aramco) પર થયેલા હુમલાઓની જવાબદારી સ્વીકારી છે. હુતીઓએ જણાવ્યું છે કે તેમણે યાનબુ બંદરને પણ નિશાન બનાવ્યું હતું અને આ અંગેની તસવીરો પ્રકાશમાં આવી હોવાના દાવા પણ કરવામાં આવ્યા છે.
સાઉદી અરેબિયાએ છ મિસાઇલોને તોડી પાડી
આ દરમિયાન સાઉદી અરેબિયાએ જણાવ્યું હતું કે તેણે છ મિસાઇલોને તોડી પાડી હતી.હુતીઓ સાઉદી અરેબિયાના ક્રૂડ ઓઇલ અને ઊર્જા માળખાગત સુવિધાઓ પર હુમલાની સતત ધમકી આપી રહ્યા છે. આ હુમલાઓ વચ્ચે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલ અને ગેસના ભાવ પર થનારી અસર અંગે ચિંતાઓ વધી છે.