(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ સતત બે સત્ર સુધી ચોક્કસ ધાતુઓમાં વિશ્વ બજાર પાછળ તેજીનું વલણ રહ્યા બાદ આજે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં ખાસ કરીને ટીન, નિકલ, કોપર, બ્રાસ શીટ કટિંગ્સ અને ઝિન્ક સ્લેબમાં સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીનું દબાણ અને ઊંચા મથાળેથી વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની લેવાલી પણ ખપપૂરતી રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. એકથી 47 સુધીનો ઘટાડો આવ્યો હતો. જોકે, આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં સાધારણ નરમાઈતરફી વલણ રહ્યું હોવાથી લંડન ખાતે સત્રના આરંભે મિશ્ર વલણ રહ્યું હોવાના અહેવાલ હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં સ્ટોકિસ્ટોની આક્રમક નફારૂપી વેચવાલીનું દબાણ અને વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની લેવાલી પણ ખપપૂરતી રહેતાં ટીનના ભાવ કિલોદીઠ રૂ. 47ના ઘટાડા સાથે રૂ. 5491, કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. 32 ઘટીને રૂ. 1463, નિકલના ભાવ કિલોદીઠ રૂ. 12 ઘટીને રૂ. 1633 અને કોપર સ્ક્રેપ હેવી તથા કોપર આર્મિચરના ભાવ કિલોદીઠ રૂ. 10ના ઘટાડા સાથે અનુક્રમે રૂ. 1350 અને રૂ. 1333ના મથાળે રહ્યા હતા.
વધુમાં આજે અન્ય ધાતુઓ જેમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલી અને નિરસ માગે ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો તેમાં કોપર કેબલ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. સાત ઘટીને રૂ. 1365, કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ અને બ્રાસ શીટ કટિંગ્સના ભાવ કિલોદીઠ રૂ. પાંચ ઘટીને અનુક્રમે રૂ. 1250 અને રૂ. 965 તથા ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. એકના ઘટાડા સાથે રૂ. 406ના મથાળે રહ્યા હતા.
જોકે, આજે બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ, એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ, એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ અને લીડ ઈન્ગોટ્સમાં ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. 940, રૂ. 310, રૂ. 357 અને રૂ. 205ના મથાળે ટકેલા રહ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.