Wed Aug 19 2026

Logo

વિશ્વ બજાર પાછળ ચાંદીમાં રૂ. 2478નો ઘટાડો, સોનામાં રૂ. 87નો ઘસરકો

2026-08-18 20:12:59
Author: Ramesh Gohil
Article Image

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ
વૈશ્વિક બજારમાં સતત બે સત્ર સુધી સોના અને ચાંદીના ભાવમાં સુધારો આવ્યા બાદ આજે મધ્ય પૂર્વની ભૂરાજકીય કટોકટીને કારણે ક્રૂડતેલના ભાવમાં વધારાથી ફુગાવામાં વધારાની ચિંતા ઉપરાંત અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં વધી આવતા લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો આવ્યો હતો. આમ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 2478નો ઘટાડો આવ્યો હતો અને સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 87 ઘટી આવ્યા હતા. જોકે, આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી આયાત પડતર વધવાથી વિશ્વ બજારની સરખામણીમાં ભાવઘટાડો મર્યાદિત રહ્યો હતો. 

આજે સ્થાનિકમાં ખાસ કરીને 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલીના દબાણ સામે નવી લેવાલીનો અભાવ અને ઔદ્યોગિક વપરાશકારોની લેવાલી ખપપૂરતી રહેતાં વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 2478ના ઘટાડા સાથે રૂ. 2,33,164ના મથાળે રહ્યા હતા. તેમ જ આજે સોનામાં પણ સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી પાંખી રહી હતી. તેમ જ વિશ્વ બજાર પાછળ વેરારહિત ધોરણે ભાવ 10 ગ્રામદીઠ રૂ. 87 ઘટીને 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 1,53,463 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 1,54,080ના મથાળે રહ્યા હતા. 

લંડન ખાતે આજે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.5 ટકા ઘટીને આૈંસદીઠ 4391.77 ડૉલર અને ડિસેમ્બર ડિલિવરી વાયદામાં ભાવ 0.6 ટકા ઘટીને 4447.30 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 1.3 ટકાના ઘટાડા સાથે આૈંસદીઠ 64.94 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. 

એકંદરે આજે ક્રૂડતેલના ભાવવધારા, ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને ટ્રેઝરીની યિલ્ડ વધી આવવા ઉપરાંત સતત બે સત્રની તેજી પશ્ચાત્‌‍ નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં બન્ને કિંમતી ધાતુઓમાં નરમાઈનું વલણ જોવા મળ્યું હોવાનું સ્વતંત્ર વિશ્લેષક રોસ નોર્મને જણાવતા ઉમેર્યું હતું કે આજે ક્રૂડતેલના ભાવ વધીને બે સપ્તાહની ટોચે પહોંચ્યા હતા. તેમ જ અમેરિકી 30 વર્ષીય ટ્રેઝરીની યિલ્ડ બે દાયકાની ઊંચી સપાટીએ પહોંચી હોવાથી સોના-ચાંદીના ભાવ વધુ દબાણ હેઠળ આવ્યા હતા. 

યુદ્ધના અંત માટેની વાટાઘાટોના પ્રયાસમાં ભંગાણ બાદ આજે ઈરાને આક્રમક વલણ અપનાવવાનું કહ્યું હતું, જ્યારે વૉશિંગ્ટને કામચલાઉ યુદ્ધવિરામના કરાર લંબાવવાનું નકારી દીધુ હોવાના અહેવાલો સાથે ક્રૂડતેલમાં ફરી તેજીના મંડાણ થયા હતા અને ક્રૂડતેલની તેજી સાથે ફુગાવામાં વધારો થવાની ભીતિ સપાટી પર આવાની સાથે વિશ્વ બજારમાં ઊંચા વ્યાજદરની શક્યતા પ્રબળ બનતાં સોના ચાંદી જેવી કિંમતી ધાતુઓમાં રોકાણકારોનું આકર્ષણ ઘટતું હોય છે. 

જોકે, તાજેતરમાં અમેરિકાના ફુગાવાના ડેટામાં બજારની અપેક્ષા કરતાં ઓછી વૃદ્ધિ અને બેરોજગારીના ડેટામાં અનપેક્ષિતપણે વૃદ્ધિ જોવા મળતાં ફેડરલ રિઝર્વ આગામી સપ્ટેમ્બર મહિનાની બેઠકમાં વ્યાજદરમાં વધારો નહીં કરે તેવી શક્યતા ઘટી જતાં સોનાના ભાવ ગત પાંચમી જૂન પછીની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. જોકે, આજે બજાર વર્તુળોની નજર આવતીકાલે જાહેર થનારી અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની મિનિટ્સ પર સ્થિર થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.