Sat Aug 29 2026

Logo

બિહારમાં 'બબાલ': પેપર લીક મુદ્દે RJDના કાર્યકરોનો 'હંગામો', તેજસ્વી યાદવ અને મીસા ભારતીની અટકાયત કરાઈ

2026-08-19 15:11:00
Author: Vimal Prajapati
બિહારમાં 'બબાલ': પેપર લીક મુદ્દે RJDના કાર્યકરોનો 'હંગામો', તેજસ્વી યાદવ અને મીસા ભારતીની અટકાયત કરાઈ

પટનાઃ બિહારમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર લીક, બેરોજગારી અને વિદ્યાર્થીઓ પરના કથિત પોલીસ અત્યાચારના વિરોધમાં વિરોધ પક્ષના નેતા તેજસ્વી યાદવના નેતૃત્વમાં RJD (રાષ્ટ્રીય જનતા દળ)ના કાર્યકરો દ્વારા કાઢવામાં આવેલી રાજભવન માર્ચ હિંસક અને હંગામામાં ફેરવાઈ ગઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા RJDના વરિષ્ઠ નેતા તેજસ્વી યાદવ અને સાંસદ મીસા ભારતી સહિત અનેક કાર્યકર્તાઓની અટકાયત પણ કરી છે.

ઇન્કમ ટેક્સ ચોક પર વોટર કેનનનો ઉપયોગ થયો
રાજભવન માર્ચ માટે RJDના સાંસદો, ધારાસભ્યો અને હજારો કાર્યકર્તાઓ જેપી ગોલંબર ખાતે એકઠા થયા હતા. તેજસ્વી યાદવે લોકનાયક જયપ્રકાશ નારાયણને નમન કરીને માર્ચની શરૂઆત કરી હતી. જોકે, ડાકબંગલા ચારરસ્તા પર પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને બેરિકેડિંગ કરી હતી, પરંતુ તેજસ્વી યાદવ પોતાના સમર્થકો સાથે બેરિકેડ્સ ઓળંગીને આગળ વધી ગયા હતા. જ્યારે આ લોકો ઇન્કમ ટેક્સ ચારરસ્તા પર પહોંત્યાં ત્યારે ટોળાને રોકવા માટે પોલીસે વોટર કેનનનો ઉપયોગ કરવો પડ્યો હતો, જેના કારણે વાતાવરણ તંગ બની ગયું હતું.

તેજસ્વી યાદવે સરકાર પર આકરા પ્રહારો કર્યા
અટકાયત સમયે તેજસ્વી યાદવ દ્વારા નિવેદન આપવામાં આવ્યું કે, ‘અમારા ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ પણ જેલમાં જ થયો હતો, અમને જેલમાં જવાનો કોઈ જ ડર નથી. પોલીસ દ્વારા અટકાયતમાં લેવાયા બાદ તેજસ્વી યાદવે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. કહ્યું કે, ‘અમે જેલ જવા થી ડરતા નથી. અમારા આરાધ્ય ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ પણ જેલમાં જ થયો હતો. સરકાર ડરેલી છે અને વિદ્યાર્થીઓના અધિકારો, બેરોજગારી અને પારદર્શી પરીક્ષાઓ માટેનો અમારો શાંતિપૂર્ણ સંગ્રામ ચાલુ જ રહેશે’.

તેજસ્વીએ આક્ષેપ કર્યો કે આ તમામ પોલીસ કાર્યવાહી સમ્રાટ ચૌધરીના આદેશ પર થઈ છે.  સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે RJDના મહિલા સાંસદ મીસા ભારતીની પણ પોલીસે અટકાયત કરી હતી. અટકાયત દરમિયાન તેમણે કહ્યું કે, બિહારના વિદ્યાર્થીઓ જેલ જવા તૈયાર છે પરંતુ પોતાની માંગણીઓથી પીછેહઠ નહીં કરે!

તેજસ્વી યાદવે આક્ષેપ કર્યો બિહાર 'પેપર લીકનું પાટનગર' બન્યું
આ લોકોની માંગણી એવી છે કે, જ્યા સુધી સીવાનના જિલ્લા મેજિસ્ટ્રેટને સસ્પેન્ડ ન કરવામાં આવે ત્યાં સુધી આ લડાઈ ચાલુ રહેશે. તેજસ્વી યાદવે રાજ્ય સરકાર પર શૈક્ષણિક અને વહીવટી નિષ્ફળતાનો આરોપ લગાવતા કહ્યું કે, વિદ્યાર્થીઓ પર ફાયરિંગ કરનાર સિપાહી કઈ વિશિષ્ટ યુનિટનો હતો તેની વિગતો જાહેર થવી જોઈએ. માત્ર એક સામાન્ય સિપાહી પર કાર્યવાહી કરીને કેસ રફેદફે કરી શકાય નહીં. સીવાનના SP ને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે, વપરાયેલા કારતુસનો હિસાબ જાહેર થાય અને શસ્ત્રોના ઉપયોગની તપાસ થાય તેવી પણ માંગણી કરવામાં આવી છે. 

RJD નેતા તેજસ્વી યાદવનું કહેવું છે કે, લોકશાહી ઢબે માંગણી મૂકતા નિર્દોષ વિદ્યાર્થીઓ સામે AK-47નો ઉપયોગ કરવો એ ગંભીર બાબત છે. બિહારમાં હવે ભ્રષ્ટાચારમુક્ત વિકાસ અને ગેરીરીતિ વિના પરીક્ષા માત્ર એક સ્વપ્ન બનીને રહી ગયા છે. ભાજપ સરકાર પર પ્રહાર કરતા તેજસ્વી યાદવે કહ્યું કે, ભાજપ નેતાઓ દ્વારા વારંવાર ‘નવા બિહાર’ની વાત કરવામાં આવે છે, ત્યાં શિક્ષણ, આરોગ્યસંભાળ, રોજગાર અને વિકાસની સ્થિતિમાં કેમ સુધારો થયો નથી? રાજ્યની આ તમામ સ્થિતિ પર RJD નેતાઓએ સરકારને સવાલ કર્યો છે.