Mon Sep 07 2026

Logo

સપ્ટેમ્બરમાં બોક્સઓફિસ પર મનોરંજનનો રસથાળઃ 14 મોટી ફિલ્મો વચ્ચે જામશે જોરદાર ટક્કર

2026-08-28 21:06:06
Author: Mumbai Samachar Team
સપ્ટેમ્બરમાં બોક્સઓફિસ પર મનોરંજનનો રસથાળઃ 14 મોટી ફિલ્મો વચ્ચે જામશે જોરદાર ટક્કર

મુંબઈઃ સિનેમા પ્રેમીઓ માટે સપ્ટેમ્બર 2026 મનોરંજનથી ભરપૂર રહેવાનો છે. આ મહિને એક-બે નહીં પરંતુ 14 જેટલી ફિલ્મો સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ખાસ વાત એ છે કે અનેક મોટી ફિલ્મો એક જ દિવસે અથવા નજીકની તારીખે રિલીઝ થતી હોવાથી બોક્સ ઓફિસ પર જોરદાર ટક્કર જોવા મળશે. બોલિવૂડથી લઈને સાઉથ અને હોલિવૂડ સુધીની ફિલ્મો દર્શકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે.

સપ્ટેમ્બરમાં અક્ષય કુમાર, મનોજ બાજપેયી, કરીના કપૂર ખાન, નાની અને સિદ્ધાર્થ મલ્હોત્રા જેવા મોટા સ્ટાર્સ અલગ-અલગ ફિલ્મો સાથે મોટા પડદા પર જોવા મળશે. ક્રાઈમ થ્રિલર, એક્શન, કોમેડી, ફેન્ટસી, સર્વાઈવલ થ્રિલર અને પૌરાણિક કથાઓ જેવી વિવિધ પ્રકારની ફિલ્મો દર્શકોને જોવા મળશે.

4 સપ્ટેમ્બરથી જ શરૂ થશે બોક્સ ઓફિસની ટક્કર

સપ્ટેમ્બરની શરૂઆત જ ત્રણ ફિલ્મોની ટક્કર સાથે થશે. 4 સપ્ટેમ્બરે 'મિર્ઝાપુર - ધ મૂવી', 'જીવન બીમા યોજના' અને 'હાઉ ટુ રોબ અ બેંક' સિનેમાઘરોમાં આવશે. 'મિર્ઝાપુર - ધ મૂવી' ખાસ ચર્ચામાં છે, કારણ કે લોકપ્રિય વેબ સિરીઝની દુનિયા હવે મોટા પડદા પર જોવા મળશે. ફિલ્મમાં પંકજ ત્રિપાઠી, અલી ફઝલ અને દિવ્યેન્દુ સહિતના કલાકારો જોવા મળશે.આ સાથે 'જીવન બીમા યોજના' એક ક્રાઈમ-કોમેડી ફિલ્મ છે, જેમાં અરશદ વારસી ડબલ રોલમાં જોવા મળશે. બીજી તરફ 'હાઉ ટુ રોબ અ બેંક' એક એક્શન-થ્રિલર ફિલ્મ છે, જેમાં નિકોલસ હોલ્ટ મુખ્ય ભૂમિકામાં છે.

11 સપ્ટેમ્બરે અક્ષય કુમાર અને મનોજ બાજપેઇની ટક્કર

11 સપ્ટેમ્બરે બે મોટી ફિલ્મો રિલીઝ થવાની છે. 'લાસ્ટ મેન ઇન ટાવર'માં મનોજ બાજપેયી એક નિવૃત્ત શિક્ષકના પાત્રમાં જોવા મળશે, જે નિર્દય રિયલ એસ્ટેટ ડેવલપર સામે લડે છે. ફિલ્મમાં બોમન ઇરાની અને દિવ્યા દત્તા પણ મહત્વની ભૂમિકામાં છે. બીજી તરફ અક્ષય કુમાર 'હૈવાન'માં ખતરનાક વિલનની ભૂમિકામાં જોવા મળશે. પ્રિયદર્શનના દિગ્દર્શનમાં બનેલી આ સસ્પેન્સ ક્રાઈમ-થ્રિલરમાં સૈફ અલી ખાન, બોમન ઇરાની અને સૈયામી ખેર પણ જોવા મળશે.

18 સપ્ટેમ્બરે પાંચ ફિલ્મો એકસાથે

18 સપ્ટેમ્બર બોક્સ ઓફિસ માટે સૌથી વ્યસ્ત દિવસોમાંનો એક રહેવાનો છે. આ દિવસે એકસાથે પાંચ ફિલ્મો રિલીઝ થવાની છે. કરીના કપૂર ખાન અને પૃથ્વીરાજ સુકુમારનની 'દાયરા' એક ઇન્વેસ્ટિગેટિવ ક્રાઇમ થ્રિલર છે. જ્યારે કુણાલ ખેમુની 'વાઇબ' એક્શન-કોમેડી ફિલ્મ છે, જેમાં પ્રીતિ ઝિન્ટા અને સ્પર્શ શ્રીવાસ્તવ પણ જોવા મળશે. આ ઉપરાંત 'લવ લોટરી' મર્ડર મિસ્ટ્રી પર આધારિત લીગલ ડ્રામા છે. 'રેસિડેન્ટ ઇવિલ' પણ આ જ દિવસે રિલીઝ થવાની છે, જ્યારે 'ભારત દેશ હૈ મેરા' ડ્રામા-થ્રિલર ફિલ્મ તરીકે દર્શકો સામે આવશે.

24 સપ્ટેમ્બરે નાનીની 'ધ પેરેડાઇઝ'
24 સપ્ટેમ્બરે સાઉથના લોકપ્રિય અભિનેતા નાનીની પેન-ઇન્ડિયા ફિલ્મ 'ધ પેરેડાઇઝ' રિલીઝ થશે. 1980ના દાયકાના સિકંદરાબાદની પૃષ્ઠભૂમિ પર આધારિત આ એક્શન ફિલ્મમાં નાની મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનું સંગીત અનિરુદ્ધ રવિચંદરે આપ્યું છે.

25 સપ્ટેમ્બરે ફરી ત્રણ ફિલ્મો વચ્ચે ટક્કર
25 સપ્ટેમ્બરે ફરી એકવાર બોક્સ ઓફિસ પર ત્રણ ફિલ્મો વચ્ચે ટક્કર જોવા મળશે. સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયાની 'ધ વાન - ફોર્સ ઓફ ધ ફોરેસ્ટ' એક ફેન્ટસી-એક્શન ફિલ્મ છે. ફિલ્મની વાર્તા એક પ્રતિબંધિત જંગલમાં પ્રાચીન શક્તિઓ જાગૃત થવાની આસપાસ ફરે છે. આ સાથે બ્રાડ પિટની 'હાર્ટ ઓફ ધ બીસ્ટ' પણ રિલીઝ થશે. આ એક સર્વાઇવલ થ્રિલર ફિલ્મ છે, જેમાં બ્રાડ પિટ પૂર્વ નેવી સીલ અધિકારીની ભૂમિકામાં જોવા મળશે. તેઓ પોતાના મિલિટરી ડોગ સાથે અલાસ્કાના જંગલમાં જીવતા રહેવા માટે સંઘર્ષ કરતા જોવા મળશે. ત્રીજી ફિલ્મ 'મહાકાવ્ય શ્રી રામાયણ કથા - શ્રી રામ કી' છે. આ પૌરાણિક ભક્તિ ફિલ્મમાં ભગવાન હનુમાનના દૃષ્ટિકોણથી રામાયણની કથા રજૂ કરવામાં આવશે.

દર્શકો માટે મનોરંજનનો રસથાળ

આ રીતે સપ્ટેમ્બર 2026માં મોટા સ્ટાર્સ,  મોટી ફિલ્મોના રસથાળ સાથે મોટા પડદે જોવા મળશે. ખાસ કરીને એક જ દિવસે અનેક ફિલ્મોની રિલીઝને કારણે બોક્સ ઓફિસ પર કઈ ફિલ્મ દર્શકોને સૌથી વધુ આકર્ષે છે અને કઈ ફિલ્મ કમાણીના મામલે આગળ નીકળે છે તે જોવું રસપ્રદ રહેશે. સિનેમા પ્રેમીઓ માટે સપ્ટેમ્બર મહિનો એટલે મનોરંજનની ભરમાર અને બોક્સઓફિસ પર મોટી ફિલ્મો વચ્ચેની જોરદાર ટક્કર. હવે નજર રહેશે કે આ ફિલ્મોમાંથી કઈ ફિલ્મ દર્શકોના દિલની સાથે બોક્સ ઓફિસ પર પણ રાજ કરે છે.