મધ્ય રેલવેના વિદ્યાવિહાર-ઠાણે વચ્ચે સવારે ૮થી બપોરે ૧.૩૦ સુધી બ્લોક; ટ્રાન્સ-હાર્બર રૂટ પર ૧૧.૧૦થી સાંજે ૪.૧૦ સુધી લોકલ સેવા રદ
મુંબઈ: મુંબઈગરાઓની લાઈફલાઇન ગણાતી લોકલ ટ્રેનોમાં મુસાફરી કરનારા પ્રવાસીઓ માટે મહત્વના સમાચાર છે. રવિવારે, ૩૦ ઓગસ્ટે મધ્ય રેલવે અને ટ્રાન્સ-હાર્બર માર્ગ પર મેગાબ્લોક લેવામાં આવશે. રેલવેના અભિયાંત્રિકી અને જાળવણીની કામગીરી માટે આ મેગાબ્લોક લેવાના કારણે લોકલ ટ્રેનની સેવાઓ ઉપરાંત કેટલીક મેલ-એક્સપ્રેસ ટ્રેનોના સંચાલન પર પણ અસર પડશે. તેથી રવિવારે રેલવે મુસાફરી કરનારા મુસાફરોએ સમયપત્રક તપાસીને પ્રવાસનું આયોજન કરવું પડશે.
મધ્ય રેલવેના વિદ્યાવિહાર-ઠાણે વચ્ચેની પાંચમી અને છઠ્ઠી લાઇન પર સવારે ૮ વાગ્યાથી બપોરે ૧.૩૦ વાગ્યા સુધી મેગાબ્લોક રહેશે. બ્લોક દરમિયાન ઠાણેથી ઉપડતી મેલ-એક્સપ્રેસ ટ્રેનોને અપ ફાસ્ટ લાઇન પર વાળવામાં આવશે. એલટીટી તરફ જતી ટ્રેનોને વિદ્યાવિહાર ખાતે છઠ્ઠી લાઇન પર ફરી વાળવામાં આવશે. જ્યારે ડાઉન માર્ગે જતી મેલ-એક્સપ્રેસ ટ્રેનોને વિદ્યાવિહાર ખાતે ડાઉન ફાસ્ટ લાઇન પર અને ત્યારબાદ ઠાણે ખાતે પાંચમી લાઇન પર વાળવામાં આવશે.
મેગાબ્લોકના કારણે ગોદાન એક્સપ્રેસ, નેત્રાવતી એક્સપ્રેસ, સોલાપુર-સીએસએમટી વંદે ભારત, પુણે-સીએસએમટી સિંહગઢ એક્સપ્રેસ, પુણે-સીએસએમટી ડેક્કન ક્વીન, પુણે-સીએસએમટી પ્રગતિ એક્સપ્રેસ, મેંગલુરુ-સીએસએમટી એક્સપ્રેસ, રાજગીર-એલટીટી જનતા એક્સપ્રેસ, કાકીનાડા પોર્ટ-એલટીટી એક્સપ્રેસ અને બનારસ-એલટીટી સુપરફાસ્ટ એક્સપ્રેસને વિલંબનો સામનો કરવો પડી શકે છે. જેના કારણે લાંબા અંતરની મુસાફરી કરનારા મુસાફરોને પણ અસર થવાની શક્યતા છે.
ટ્રાન્સ-હાર્બર માર્ગ પર થાણે-વાશી અને થાણે-નેરુળ વચ્ચે અપ અને ડાઉન લાઇન પર સવારે ૧૧.૧૦ વાગ્યાથી સાંજે ૪.૧૦ વાગ્યા સુધી મેગાબ્લોક રહેશે. આ સમય દરમિયાન થાણેથી વાશી, નેરુળ અને પનવેલ તરફ જતી તેમજ પનવેલ, નેરુળ અને વાશીથી થાણે તરફ આવતી ટ્રાન્સ-હાર્બર લોકલ સેવાઓ રદ રહેશે. જોકે, બેલાપુર-ઉરણ માર્ગ પરની લોકલ સેવાઓ રવિવારના સમયપત્રક મુજબ ચાલુ રહેશે.
જો કે પશ્ચિમ રેલવેએ નાઈટ બ્લોકનું આયોજન કર્યું હોવાથી દિવસ દરમ્યાન પશ્ચિમ રેલવેના પ્રવાસીઓને વધુ હેરાનગતિ નહિ થાય. જોકે ટ્રેનો રવિવારના સમયપત્રક મુજબ દોડશે જેથી ઘણી ટ્રેનો રદ્દ રહેશે.
મેગાબ્લોકને કારણે રવિવારે લોકલ સહિત મેલ-એક્સપ્રેસ ટ્રેનોના સંચાલનમાં ફેરફાર અને વિલંબની શક્યતા હોવાથી મુસાફરોએ ખાસ સાવચેતી રાખવી પડશે. ખાસ કરીને ટ્રાન્સ-હાર્બર માર્ગે મુસાફરી કરનારા મુસાફરોએ વૈકલ્પિક માર્ગ અને સમયનું આયોજન કરવું જરૂરી રહેશે. રેલવેની જાળવણીની કામગીરીને કારણે મુસાફરોને થતી અસુવિધા ટાળવા માટે શક્ય હોય ત્યાં સુધી મુસાફરોએ મુસાફરી પહેલાં ટ્રેનનું સમયપત્રક તપાસી લેવું સલાહભર્યું રહેશે.