દહિસર ફ્લાયઓવર પાસે પાર્ક કરેલી કારના એન્જિનમાંથી અજગરનું સુરક્ષિત રેસ્ક્યૂ
મુંબઈ: મુંબઈના દહિસર ફ્લાયઓવર નજીક શનિવારે બપોરે એક અનોખી ઘટના ઘટી હતી. બિલ્ડિંગના પરિસરમાં પાર્ક કરાયેલી એક કારના એન્જિનમાં અજગર (પાયથન) ઘૂસી જતાં સ્થાનિક રહેવાસીઓમાં થોડા સમય માટે ચકચાર મચી ગઈ હતી. જોકે, સમયસર સર્પમિત્રને બોલાવવામાં આવતા પાયથનને કોઈ પણ પ્રકારની ઈજા પહોંચાડ્યા વિના સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, દહિસર ફ્લાયઓવર નજીક આવેલા બિલ્ડિંગના પરિસરમાં એક કાર પાર્ક કરવામાં આવી હતી. આ દરમિયાન સ્થાનિક રહેવાસી સની કાંબલેને જાણ થઈ કે તેમની બહેનની કારના એન્જિનમાં એક સાપ ઘૂસી ગયો છે.
રહેવાસીઓએ પાયથનને વાહનમાં પ્રવેશતા જોયા બાદ તરત જ કારના માલિકને જાણ કરી હતી અને મદદ માટે તાબડતોબ સર્પમિત્રને બોલાવવામાં આવ્યો હતો. માહિતી મળતા જ સ્થાનિક સર્પમિત્ર સમીર ગુપ્તા ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે કાળજીપૂર્વક કારના એન્જિનમાંથી અજગરને બહાર કાઢ્યો હતો. સમગ્ર રેસ્ક્યૂ દરમિયાન અજગરને કોઈ નુકસાન થયું નહોતું અને તેને સુરક્ષિત રીતે કારમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે આ રહેણાંક કોમ્લેક્સ કોઈ ગાઢ જંગલની એકદમ બાજુમાં આવેલો નથી. જોકે, તે દહિસર ફ્લાયઓવર પરથી આગળ જતા સર્વિસ રોડ પાસે છે. આ પરિસરની નજીક એક નાળું તેમજ કુદરતી હરિયાળી ધરાવતો વિસ્તાર પણ આવેલો છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ આ આસપાસના વિસ્તારમાં અવારનવાર વન્યજીવો જોવા મળે છે. કારના એન્જિનમાં અજગર મળી આવવાની આ ઘટના બાદ રહેવાસીઓમાં આશ્ચર્ય ફેલાયું હતું. જોકે, સર્પમિત્રની સમયસર મદદથી અજગરને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવતા મોટી દુર્ઘટના ટળી હતી.