Mon Sep 07 2026

Logo

ચાંદીમાં રૂ. 4392નો અને સોનામાં રૂ. 1192નો ઉછાળો

2026-08-28 20:10:09
Author: Ramesh Gohil
ચાંદીમાં રૂ. 4392નો અને સોનામાં રૂ. 1192નો ઉછાળો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ
અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ કેવિન વાર્શના આજના મોડી સાંજના જેક્શન હૉલ ખાતેના વક્તવ્ય પૂર્વે સાવચેતીના અભિગમ વચ્ચે લંડન ખાતે સોના અને ચાંદીમાં સામસામા રાહ જોવા મળ્યા હતા, જેમાં સોનાના ભાવમાં વધ્યા મથાળેથી સાધારણ ઘટાડો આવ્યો હતો, જ્યારે ચાંદીના ભાવ 1.5 ટકા જેટલા ઉછળી આવ્યા હતા. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં આજે વિશ્વ બજાર પાછળ ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 4392નો ઉછાળો આવ્યો હતો અને સોનામાં ગઈકાલના ઘટ્યા મથાળેથી 10 ગ્રામદીઠ રૂ. 1187થી 1192 વધી આવ્યા હતા. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ખાસ કરીને 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 4392ના ઉછાળા સાથે રૂ. 2,43,892ના મથાળે રહ્યા હતા. જોકે, આજે ચાંદીમાં જ્વેલરી ઉત્પાદકોની લેવાલી નિરસ રહી હતી. વધુમાં આજે સોનામાં પણ ઓવરનાઈટ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ અને સરકાર દ્વારા ટૅરિફ વૅલ્યૂમાં વધારો કરવામાં આવ્યો હોવાથી હાજરમાં સોનાના વેરારહિત ધોરણે 10 ગ્રામદીઠ ભાવ ગઈકાલના બંધ સામે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 1187 વધીને રૂ. 1,58,939ના મથાળે અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 1192 વધીને રૂ. 1,59,578ના મથાળે રહ્યા હતા. તેમ જ સોનામાં રોકાણકારોની છૂટીછવાઈ માગને બાદ કરતાં જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ નિરસ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 

આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં ભાવ ગઈકાલના બંધ સામે સાધારણ 0.1 ટકાના ઘટાડા સાથે આૈંસદીઠ 4594.61 ડૉલર આસપાસ અને ડિસેમ્બર ડિલિવરી વાયદામાં ભાવ 0.4 ટકા ઘટીને 4647.20 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે 1.5 ટકા વધીને આૈંસદીઠ 70.32 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. 

એકંદરે આજે ફેડરલ રિઝર્વના અધ્યક્ષના વક્તવ્ય પૂર્વે સાવચેતીના અભિગમને કારણે કામકાજો પાંખાં રહ્યાં હોવાનું કેપિટલ ડૉટ કૉમના વિશ્લેષક ક્યેલ રોડ્ડેએ જણાવતાં ઉમેર્યું હતું કે તાજેતરમાં તાજેતરમાં ફેડરલના વિવિધ અધિકારીઓએ ફુગાવામાં વધારાની ચિંતા વ્યક્ત કરી છે. જેમાં મુખ્યત્વે કાન્સાસ સિટી ફેડનાં પ્રમુખ જેફરી સ્કમીડ અને ક્લેવરલેન્ડ ફેડના પ્રમુખ બેથ હેમેકે ફુગાવામાં થતા વધારાને નાથવા માટે વ્યાજદરમાં વધારાની આવશ્યકતા પર પુનઃ ભાર મૂક્યો હતો. 

જોકે, હાલમાં સીએમઈ ફેડ વૉચ ટૂલ પર બજાર વર્તુળો આગામી સપ્ટેમ્બર મહિનાની નીતિવિષયક બેઠકમાં ફેડરલ વ્યાજદરમાં વધારો કરે તેવી 36 ટકા અને ડિસેમ્બર સુધી વ્યાજદરમાં વધારો કરે તેવી 74 ટકા શક્યતા મૂકી રહ્યા છે. એકંદરે હજુ સોનાના ભાવ પર વ્યાજદરની વધઘટની અસર જોવા મળી રહી હોવાનું રોડ્ડેએ જણાવતાં ઉમેર્યું હતું કે આ વર્ષના અંત સુધીમાં સોનાના ભાવ વધીને આૈંસદીઠ 5000 ડૉલર સુધી પહોંચે તેમ જણાય છે. છતાં આજના વક્ત્વ્યમાં ફેડરલ રિઝર્વના અધ્યક્ષ નાણાનીતિ અંગે કેવો અણસાર આપે છે તે મહત્ત્વનું છે. 

નોંધનીય બાબત એ છે કે હાલ ભારતમાં સરકાર તાજેતરમાં વધારેલી સોના પરની ડ્યૂટીનો વધારો પાછો ખેંચે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી હોવાથી માગ તળિયે બેસી ગઈ છે અને ડિસ્કાઉન્ટમાં પણ ઘટાડો થયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.