અમદાવાદઃ દરેક માતા-પિતા તેમના સંતાન વિદેશમાં અભ્યાસ કર્યા બાદ લગ્ન કરીને ઠરીઠામ થઈ જાય તેમ ઈચ્છતા હોય છે. પરંતુ આ માટે તેઓ સ્વદેશ આવવા તૈયાર હોતા નથી. યુકે-કેનેડામાં રહેતા યુવા ગુજરાતીઓ વિદેશમાં શરણ મેળવવા માટે જબરદસ્તીથી લગ્નનો દાવો કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ ઉપરાંત પારિવારિક હિંસા, આંતરજ્ઞાતીય સંબંધોને લઈને ધમકીઓ અને સમલૈંગિક સંબંધોના વિરોધ જેવા દાવાઓ યુકે, કેનેડા અને ન્યૂ ઝીલેન્ડ સહિતના દેશોના ઇમિગ્રેશન સત્તાવાળાઓ સમક્ષ રજૂ કરવામાં આવી રહ્યા છે.
યુકેનો આવો છે કેસ
નવેમ્બર 2025માં, ગાંધીનગરની એક યુવતીને યુકેમાં રક્ષણ આપવામાં આવ્યું હતું, જ્યારે તેણે સત્તાવાળાઓને જણાવ્યું કે જો તે ભારત પાછી ફરશે તો તેના પર મરજી વિરુદ્ધ લગ્ન કરવાનું દબાણ કરવામાં આવશે. હાલ 30 વર્ષની યુવતી શરૂઆતમાં સ્ટુડન્ટ વિઝા પર યુરોપ ગઈ હતી અને ત્યારબાદ યુકે પહોંચી હતી. ત્યાં તે એક ગુજરાતી યુવકના સંપર્કમાં આવી, જે કથિત રીતે ત્યાં ગેરકાયદેસર રીતે રહેતો હતો. જોકે, આ સંબંધ તૂટી ગયા પછી તેણે રક્ષણ માટે અરજી કરી હતી.
કેનેડામાં શું થયું
બીજા એક કિસ્સામાં, અમદાવાદની એક મહિલાને કેનેડામાં શરણ આપવામાં આવ્યું હતું. તેણે ઇમિગ્રેશન સત્તાવાળાઓને જણાવ્યું હતું કે તે સમલૈંગિક છે અને તેને ડર હતો કે તેના પર પુરુષ સાથે બળજબરીથી લગ્ન કરવાનું દબાણ કરવામાં આવશે.
સૂત્રોએ જણાવ્યું કે, ઘણા યુગલો ભારતમાં નકલી ઝઘડા ઊભા કરે છે, તેમના માતા-પિતા સામે એફઆઈઆર નોંધાવે છે અને પછી વિદેશમાં શરણ મેળવવા માટે તેને પુરાવા તરીકે વાપરે છે. અલબત્ત, કેટલાક સાચા કિસ્સાઓ પણ હોય છે, ખાસ કરીને જ્યાં માતા-પિતા આંતરજ્ઞાતીય કે આંતરધાર્મિક સંબંધોમાં સંતાનોની મરજી વિરુદ્ધ તેમના લગ્ન કરાવી દેવા દબાણ કરે છે. આ પ્રકારની પદ્ધતિ માત્ર ભારત પૂરતી મર્યાદિત નથી.
કેટલાક કિસ્સાઓમાં લોકો યુએસમાં યુ-વિઝા મેળવવા માટે બનાવટી મારામારી અને ઝઘડાનું નાટક કરે છે, જોકે આનાથી તેઓ પોતે પણ ગુનાહિત કાર્યવાહીનો સામનો કરી શકે છે. થોડા દિવસો પહેલાં આ પ્રકારનું એક કૌભાંડ પણ સામે આવ્યું હતું. જેમાં ગુજરાતીઓ સામેલ હતા.
યુકેની શું છે માર્ગદર્શિકા
યુકેની માર્ગદર્શિકા મુજબ જબરદસ્તીથી થતા લગ્ન અને ઘરેલું હિંસા એવા વિષયો છે જેમાં રક્ષણના મૂલ્યાંકનની જરૂર પડી શકે છે. નિર્ણય લેનારા અધિકારીઓએ એ તપાસવું પડે છે કે અરજદારને સ્વદેશ પરત મોકલવામાં આવે તો શું તેને ગંભીર નુકસાનનું વાસ્તવિક જોખમ છે અને શું રાજ્ય તરફથી રક્ષણ ઉપલબ્ધ છે કે નહીં; માત્ર અસંતોષકારક સંબંધ કે પારિવારિક મતભેદ શરણ મેળવવા માટે પૂરતા નથી. યુકેની માર્ગદર્શિકા મુદબ જબરદસ્તીથી લગ્ન અને ઓનર-કિલિંગ સંબંધિત હિંસાના દાવા સાબિત કરવા મુશ્કેલ હોય છે, કારણ કે આવી ઘટનાઓ અંગત સ્તરે બને છે અને તેના દસ્તાવેજી પુરાવા મર્યાદિત હોય છે.
કેનેડાના કેવા છે નિયમો
કેનેડાના નિયમો મુજબ અરજદારોએ સાબિત કરવું પડે છે કે તેમને પોતાના દેશમાં ઉત્પીડન કે ગંભીર જોખમ છે, સાથે જ ત્યાં સ્પષ્ટ કરાયું છે કે શરણ એ ઇમિગ્રેશન માટેનો કોઈ વૈકલ્પિક માર્ગ નથી. સત્તાવાળાઓ ચેતવણી પણ આપે છે કે ખોટી માહિતી આપવાથી અરજી નકારાઈ શકે છે અને અન્ય ઇમિગ્રેશન પરિણામો પણ ભોગવવા પડી શકે છે.