Tue Sep 01 2026

Logo

LPG, FD અને ITR સહિત એક સપ્ટેમ્બરથી બદલાઇ જશે આ 7 નિયમ, જાણો તમારી પર શુ થશે અસર

2026-08-29 14:49:14
Author: Mumbai Samachar Team
LPG, FD અને ITR સહિત એક સપ્ટેમ્બરથી બદલાઇ જશે આ 7 નિયમ, જાણો તમારી પર શુ થશે અસર

અમદાવાદઃ ઓગસ્ટનો મહિનો સમાપ્ત થવાની સાથે જ એક સપ્ટેમ્બરથી ઘણાં મહત્વના  વહીવટી, નાણાકીય અને યાત્રા સંબંધી નિયમો બદલાઇ રહ્યા છે.  આ ફેરફારોની સીધી અસર તમારા દૈનિક જીવન, બચત અને ઘરેલુ બજેટ પર પડશે.

હકીકતમાં, બેંકિંગ, ગેસ સિલિન્ડર બુકિંગ, ઇમિગ્રેશન પ્રોસેસ અને ઇનકમ ટેક્સ જેવા ક્ષેત્રોમાં લાગુ થઇ રહેલા આ નિયમો હેઠળ ઘણાં કામની સમય સીમા ચોક્કસ મર્યાદામાં પૂરી કરવી જરુરી છે. જો તમે પેનલ્ટી કે અસુવિધાથી બચવું છે તો સપ્ટેમ્બર પહેલા આ 7 મોટા ફેરફારોની પૂરી જાણકારી જરુર રાખો.

બોર્ડિંગ પાસ પર નહીં લાગે ઇમિગ્રેશન સ્ટેમ્પ

એક સપ્ટેમ્બરથી ભારતથી વિદેશ યાત્રા કરનારા યાત્રીઓને એરપોર્ટ પર મોટી સુવિધા મળવા જઇ રહી છે. હકીકતમાં બ્યુરો ઓફ ઇમિગ્રેશનના નવા દિશાનિર્દેશો મુજબ હવે ઇમિગ્રેશન કાઉન્ટર પર બોર્ડિંગ પાસ પર ભૌતિક સ્ટેમ્પ લગાવવાની જરૂરિયાત નહીં રહે. યાત્રી પોતાના મોબાઇલમાં ઇલેક્ટ્રોનિક બોર્ડિગ પાસ(e-Boarding Pass) કે તેની પ્રિન્ટેડ કોપી બતાવીને પ્રક્રિયા પૂરી કરી શકશે. 

LPG ઇ-કેવાયસી 

ઘરેલુ એલપીજી ગેસ (LPG Cylinder) નો ઉપયોગ કરતા ગ્રાહકો માટે 31 ઓગસ્ટ સુધીનો સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે. વાસ્તવમાં, ઇન્ડિયન ઓઇલ, બીપીસીએલ અને એચપીસીએલ જેવી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી કનેક્શનની ઇ-કેવાયસી કરાવવાની સમયમર્યાદા 31 ઓગસ્ટ નક્કી કરી છે. જો તમે સમયસર બાયોમેટ્રિક વેરિફિકેશન નથી કરાવતા, તો 1 સપ્ટેમ્બરથી ઘરેલુ દરે મળતી સબસિડી કે સિલિન્ડરના પુરવઠા પર અસર પડી શકે છે.

LPG, ATF, CNG અને PNG ના પણ નવા દરો થશે જારી

દર મહિનાની પહેલી તારીખની જેમ 1 સપ્ટેમ્બરે પણ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ગેસ સિલિન્ડરોના નવા ભાવ જારી કરશે. આ પહેલા 1 ઓગસ્ટે 19 કિલોગ્રામ વાળા કોમર્શિયલ સિલિન્ડરમાં 202 રૂપિયાનો મોટો ઘટાડો કરવામાં આવ્યો હતો, જ્યારે 14.2 કિલોગ્રામ વાળા ઘરેલુ રસોઈ ગેસ સિલિન્ડરની કિંમતો સ્થિર રાખવામાં આવી હતી. આ ઉપરાંત, મહિનાની શરૂઆતમાં જ વિમાન ઈંધણ (ATF) ની સાથે-સાથે CNG અને PNG ના નવા દરો નક્કી કરવામાં આવે છે. તેથી, એક સપ્ટેમ્બરે જારી થનારા એટીએફ (ATF) ના નવા ભાવોની સીધી અસર હવાઈ મુસાફરીના ભાડા પર પડશે.

આઈટીઆર (ITR) દાખલ કરવાની અંતિમ તારીખ

વેપાર કે વ્યવસાયથી આવક અર્જિત કરતા ટેક્સપેયર્સ એટલે કે જેને ઓડિટની આવશ્યકતા નથી, તેમના માટે મૂલ્યાંકન વર્ષ 2026-27 નું ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ભરવાની અંતિમ તારીખ 31 ઓગસ્ટ 2026 છે. સમયમર્યાદા પછી રિટર્ન દાખલ કરવા પર દંડ ભરવો પડી શકે છે.

ક્રેડિટ કાર્ડ રિવોર્ડ્સ અને નિયમોમાં ફેરબદલ

1 સપ્ટેમ્બર 2026 થી અમેરિકન એક્સપ્રેસ ભારતમાં પ્લેટિનમ ટ્રાવેલ ક્રેડિટ કાર્ડ પર મળતા માઇલસ્ટોન રિવોર્ડ્સમાં ઘટાડો કરી રહી છે. આ અંતર્ગત 1.9 લાખ રૂપિયાના ખર્ચ પર મળતા 7,500 વધારાના મેમ્બરશિપ પોઈન્ટ્સ બંધ થઈ જશે, જો કે 4 લાખના માઇલસ્ટોન પોઈન્ટ્સ યથાવત રહેશે.

ખાંડના સંગ્રહ પર સરકારી સકંજો

વધતી કિંમતોને રોકવાના ઉદ્દેશ્યથી ઉપભોક્તા બાબતો, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ મંત્રાલયે ખાંડના જથ્થાબંધ ખરીદદારો પર સ્ટોક લિમિટ નક્કી કરી દીધી છે. આ પ્રતિબંધ 1 સપ્ટેમ્બરથી 30 નવેમ્બર 2026 સુધી પ્રભાવી રહેશે.

બેંક એફડીમાં આવશે પારદર્શિતા

બેંકિંગ વ્યવસ્થાને વધુ પારદર્શક બનાવવા માટે રિઝર્વ બેંકના નવા દિશા-નિર્દેશો હેઠળ મોટા ફિક્સ્ડ ડિપોઝિટ (FD) ના નિયમોમાં ફેરફાર નક્કી કરવામાં આવ્યા છે. આ અંતર્ગત 1 સપ્ટેમ્બરે બેંકોએ 3 કરોડ રૂપિયા કે તેથી વધુની બલ્ક એફડી પર દરરોજ સવારે 10:10 વાગ્યા સુધી પોતાની વેબસાઇટ પર વ્યાજ દરો જાહેર કરવા પડશે. જો કે, આ પારદર્શક નિયમ 1 ઓક્ટોબર 2026 થી પૂર્ણ રૂપથી લાગુ થશે.