ભરત ભારદ્વાજ
સઉદી અરેબિયા, તૂર્કી અને પાકિસ્તાન વચ્ચે 7 ઑગસ્ટ, 2026ના રોજ સઉદી અરેબિયાના મક્કા ખાતે ‘મક્કા સંયુક્ત સંરક્ષણ કરાર’ થયા ત્યારે જ આશંકા હતી કે, આ કરાર ભારત માટે માથાનો દુ:ખાવો બનશે. હજુ કરારને મહિનો પણ થયો નથી ત્યાં આ આશંકા સાચી પડવા માંડી છે કેમ કે, આપણું પાડોશી બાંગ્લાદેશ ‘મક્કા સંયુક્ત સંરક્ષણ કરાર’માં જોડાવા માટે થનગનવા માંડ્યું છે.
બાંગ્લાદેશના વિદેશ મંત્રી ખલીલુર રહેમાન તો બાંગ્લાદેશની સંસદમાં ખુલ્લેઆમ કહી ચૂક્યા છે કે, આમંત્રણ મળે તો બાંગ્લાદેશ મક્કા સંરક્ષણ કરારમાં જોડાવા અંગે હકારાત્મક વિચારણા કરશે. હકારાત્મક વિચારણા કરવી તેનો મતલબ હા પાડવો એવો જ થાય એ નાના છોકરાને પણ સમજાય એવી વાત છે.
હવે બાંગ્લાદેશના રાજ્ય કક્ષાના વિદેશ મંત્રી હુમાયુ કબિરે સાવ નફફ્ટાઈથી જાહેર કર્યું છે કે, બાંગ્લાદેશ આ કરારમાં જોડાવા તૈયાર છે અને નિમંત્રણ મળશે તો તરત જ જોડાઈ જશે. કબિર તો બાંગ્લાદેશમાં સઉદી અરેબિયાના રાજદૂત અબ્દુલા ઝફર બિન અબિયાહને મળી પણ આવ્યા. કબિરની અબિયાહ સાથેની મુલાકાત મક્કા કરારમાં જોડાવાની અધિરાઈ બતાવે છે.
વિદેશ મંત્રી ખલીલુર રહેમાને મક્કા કરારમાં જોડાવાની ઈચ્છા ખુલ્લેઆમ જાહેર કરી પછી સઉદી, તૂર્કી કે પાકિસ્તાન તરફથી તાત્કાલિક કોઈ પ્રતિસાદ ના આવ્યો એટલે બાંગ્લાદેશની ધીરજ ખૂટી તેમાં કબિરને મોકલીને જરાય શરમ રાખ્યા વિના પોતાને આ કરારમાં લઈ લેવા આજીજી કરાવડાવી હશે.
અબિયાહને મળ્યા પછી કબિરે જાહેર કરી દીધું કે, ‘મક્કા કરાર’માં જોડાવામાં બાંગ્લાદેશ માટે કોઈ જોખમ નથી અને બાંગ્લાદેશ આ કરારમાં જોડાય તેના કારણે બીજા દેશો સાથેના સંબંધો કે સહયોગ પર કોઈ અસર પડવાની નથી. કબિરે આ વાત ભારતના સંદર્ભમાં કરી છે એ કહેવાની જરૂર નથી.
કબિરના કહેવા પ્રમાણે, ‘મક્કા કરાર’માં જોડાવાથી બાંગ્લાદેશ માટે ઘણી નવી તકો ઊભી થશે તેથી આ કરાર બાંગ્લાદેશ માટે ફાયદાકારક જ છે. કબિરે સૌથી ચોંકાવનારી વાત એ કરી છે કે, મક્કા કરાર અને આ કરારમાં જોડાવું અમારા આપણા મુસ્લિમ પરિવારનો આંતરિક મામલો છે તેથી બીજા કોઈએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી.
મક્કા કરારને ‘મુસ્લિમ નાટો’ બનાવવાની દિશામાં પહેલું કદમ માનવામાં આવે છે પણ તૂર્કી, સઉદી અને પાકિસ્તાન ત્રણેય આ વાત બેધડક સ્વીકારવા તૈયાર નથી. છાસ લેવા જવી ને દોણી સંતાડવા જેવો ઘાટ કરીને ત્રણેય એક જ રેકર્ડ વગાડ્યા કરે છે કે, આ કરાર કોઈ દેશ વિરુદ્ધ નથી પણ યુએન ચાર્ટરની કલમ 51 મુજબ સ્વ-બચાવ અને પ્રાદેશિક શાંતિ માટે છે.
કબિરના નિવેદને સાબિત કર્યું છે કે, શાંતિ અને સ્વ-બચાવની વાતો ખાલી દેખાડો છે. અસલી ઉદ્દેશ તો સુન્ની મુસ્લિમ દેશોને એક કરીને જોરદાર લશ્કરી તાકાતા ઉભી કરવાનો અને દુનિયાને ડરાવવાનો જ છે. એવું ના હોય તો મુસ્લિમ પરિવારનો આંતરિક મામલો હોવાની વાત કઈ રીતે થાય ?
વૈશ્વિક સ્તરે કોઈ ધર્મની વાત કરતું નથી ને રાજદ્વારી સંબંધો પણ ધર્મના આધારે નથી ચાલતા ત્યારે બાંગ્લાદેશ કેમ મુસ્લિમોના આંતરિક મામલાનું વાજું વગાડી રહ્યું છે? કેમ કે મક્કા કરારનો અસલી ઉદ્દેશ જ ધીરે ધીરે બીજા મુસ્લિમ દેશોને તેમાં જોડીને મુસ્લિમોની લશ્કરી તાકાત ઊભી કરવાનો છે.
સઉદી અરેબિયા પાસે પેટ્રો ડોલરનો જબરદસ્ત મની પાવર છે અને આખી દુનિયાને બ્લેકમેઈલ કરીને પોતાના ઈશારે નચાવી શકાય એ માટેનો પેટ્રોલ પાવર પણ છે. પાકિસ્તાન પાસે પરમાણુ શસ્ત્રો છે, મિસાઇલો છે અને જંગી આર્મી છે. તૂર્કી પાસે પણ મોટું આર્મી છે, યુદ્ધો લડવાનો સદીઓનો અનુભવ છે અને મશીનગનોથી માંડીને મિસાઈલ સુધીનું બધું બનાવતો એકદમ વિકસિત સંરક્ષણ ઉદ્યોગ છે.
દુનિયામાં સૌથી શક્તિશાળી એવા આ ત્રણ મુસ્લિમ દેશો નાના નાના મુસ્લિમ દેશોને પોતાના પડખામાં લઈને ‘મુસ્લિમ નાટો’ બનાવીને દુનિયા પર દાદાગીરી કરવા માગે છે. અત્યારે ત્રણ દેશ છે ને ધીરે ધીરે 33 દેશ થશે ને પછી 53 થશે. બાંગ્લાદેશ સહિતના દેશો અત્યારથી થનગની રહ્યા છે તેથી ’મુસ્લિમ નાટો’ બનાવવું મુશ્કેલ નથી. પાકિસ્તાન, તૂર્કી અને સઉદી અરેબિયા ‘મુસ્લિમ નાટો’ બનાવીને દુનિયામાં મોટા ભા બનવા માગે છે.
અત્યારે મુસ્લિમોની વસતી વિશ્વમાં ખ્રિસ્તીઓ પછી બીજા નંબરે છે પણ મુસ્લિમ દેશોની કંઈ કિંમત નથી કેમ કે મોટા ભાગના દેશો ભૂખડી બારસ છે અને આંતરિક લડાઈમાં સપડાઈને આતંકવાદનો ભોગ બનેલાં છે. એકતા નથી એ પણ એક કારણ છે. પાકિસ્તાન પાસે પરમાણુ શસ્ત્રોની તાકાત છે તો પૈસો નથી ને સઉદી પાસે પૈસો છે તો લશ્કરી તાકાત નથી.
તૂર્કી એક જમાનામાં દુનિયાની શહેનશાહત ભોગવતું પણ અત્યારે અમેરિકાનું આંગળિયાત બનીને જીવે છે. ‘મુસ્લિમ નાટો’ બનાવીને મુસ્લિમ દેશોના મોવડી બને તો દુનિયામાં બધા સલામ ઠોકે એ ઉદ્દેશ છે તેથી ગમે ત્યારે ‘મુસ્લિમ નાટો’ બનવાનું જ છે.
ભારત માટે તો પાકિસ્તાન આ કરારમાં જોડાયું એ જ મોંકાણના સમાચાર છે કેમ કે આ કરાર મુજબ સઉદી, પાકિસ્તાન કે તૂર્કી એ ત્રણેય દેશોમાંથી કોઈપણ એક દેશ પર સશસ્ત્ર હુમલો થશે તો તેને ત્રણેય દેશો પર થયેલો હુમલો ગણવામાં આવશે. ત્રણેય દેશો સાથે મળીને તેનો જવાબ આપશે. મતલબ કે, સઉદી, તૂર્કી કે પાકિસ્તાન એ ત્રણેય દેશમાંથી કોઈ પણ એક દેશ પર હુમલો કરનારા દેશે ત્રણેય દેશના લશ્કરનો સામનો કરવો પડશે.
પાકિસ્તાન ભારતમાં આતંકવાદી સંગઠનો મારફતે પ્રોક્સી વોર લડે છે અને નિર્દોષ લોકોની હત્યાઓ કરે છે. પાકિસ્તાનના આ આતંકવાદ સામે ભારત સર્જિકલ સ્ટ્રાઈક સહિતનાં કોઈ પણ લશ્કરી પગલાં લેશે તો તેનો જવાબ પાકિસ્તાન, સઉદી અને તૂર્કી ત્રણેય આપે તેથી આપણે લશ્કરી કાર્યવાહી કરતાં ખચકાવું પડે એટલે આપણે ચિંતામાં હતા જ ત્યાં બાંગ્લાદેશ પણ જોડાય તો ભારતની ચિંતા બમણી થઈ જાય.
બાંગ્લાદેશ આ કરારમાં જોડાય તેનો અર્થ એ થયો કે, પાકિસ્તાન આર્મી અને આઈએસઆઈ માટે બાંગ્લાદેશના દરવાજા ખૂલી જાય તેથી પાકિસ્તાન બાંગ્લાદેશની ધરતીનો ઉપયોગ ભારતમાં આતંકવાદ ફેલાવવા માટે કરે તો પણ આપણે બાંગ્લાદેશને કંઈ પણ કરતાં પહેલાં સો વાર વિચારવા પડે. આપણી પશ્ચિમ સરહદે અત્યારે પાકિસ્તાન પ્રેરિત આતંકવાદનો મોરચો ખૂલેલો છે ને પૂર્વ સરહદે બાંગ્લાદેશ આપણી બજાવે તેથી આપણે બેઉ બાજુથી માર ખાવો પડે. હિંદ મહાસાગરમાં રાક્ષસી તાકાત ધરાવતું ચીન તો છે જ તેથી ભારતે સતત ફફડતા જીવે રહેવું પડે.