Sat Sep 05 2026

Logo

ઝારખંડ-બિહાર વચ્ચેના દાયકાઓ જૂના પાણી વિવાદનો અંત! અમિત શાહે કહ્યું,"કોઈ સમસ્યા એવી નથી જે ઉકેલી ન શકાય, પણ.."

2026-08-31 21:50:47
Author: Devayat Khatana
ઝારખંડ-બિહાર વચ્ચેના દાયકાઓ જૂના પાણી વિવાદનો અંત! અમિત શાહે કહ્યું,"કોઈ સમસ્યા એવી નથી જે ઉકેલી ન શકાય, પણ.."

નવી દિલ્હી: છેલ્લા અનેક દાયકાઓથી બિહાર અને ઝારખંડ વચ્ચે ચાલી રહેલો એક જૂનો વિવાદ આખરે ઉકેલાઈ ગયો છે. રાજધાની નવી દિલ્હીમાં એક બેઠક દરમિયાન બંને રાજ્યો વચ્ચે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. સોન નદીના પાણીના વિવાદના કાયમી ઉકેલના ભાગ રૂપે બંને રાજ્યો વચ્ચે કુલ 7.75 મિલિયન એકર ફૂટ પાણી વહેંચવામાં આવ્યું છે. 1973ના બાણસાગર કરાર પછી આ પહેલી વાર છે જ્યારે બિહાર અને ઝારખંડ વચ્ચે પાણીની વહેંચણી સંપૂર્ણપણે સ્પષ્ટ કરવામાં આવી છે. 2000માં બિહારમાંથી ઝારખંડને એક નવા રાજ્ય તરીકે અલગ કરવામાં આવ્યું ત્યારથી આ પાણી વહેંચણીનો મુદ્દો વણઉકેલ્યો હતો.

ગૃહ પ્રધાન અમિત શાહની ઉપસ્થિતિમાં સોન નદીના પાણીની વહેંચણી અંગે બિહાર અને ઝારખંડ વચ્ચે કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેન, બિહારના મુખ્ય પ્રધાન સમ્રાટ ચૌધરી, કેન્દ્રીય જલ શક્તિ પ્રધાન સી.આર. પાટીલ, બિહારના નાયબ મુખ્ય પ્રધાન,  કેન્દ્રીય ગૃહ સચિવ અને ભારત સરકાર તથા બંને રાજ્યોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દરેક રાજય 'ટીમ ભારત' તરીકે આગળ વધે

અમિત શાહે જણાવ્યું હતું કે બિહાર અને ઝારખંડ વચ્ચેના આજના કરારે પૂર્વ ભારતમાં લાંબા સમયથી રાહ જોવાતા જળ વિવાદનો ઉકેલ લાવ્યો છે. તેમણે કહ્યું કે આ કરાર બિહાર અને ઝારખંડના મોટા ગ્રામીણ વિસ્તારોના લાખો ખેડૂતોને સિંચાઈનું પાણી પૂરું પાડશે, સાથે જ લોકો માટે પીવાનું પાણી પણ ઉપલબ્ધ કરાવશે. તેમણે કહ્યું કે જ્યારે તમામ રાજ્યો પોતાની વિશિષ્ટ ઓળખ ધરાવે છે, જો તેઓ રાષ્ટ્રીય સંદર્ભમાં 'ટીમ ભારત' તરીકે આગળ વધે તો એવી કોઈ સમસ્યા નથી કે જેનો ઉકેલ ન લાવી શકાય. 

આગળ તેમણે કહ્યું હતું કે બિહાર અને ઝારખંડ વચ્ચેના લગભગ 25 વર્ષ જૂના જળ વિવાદને ઉકેલવા માટે આજે થયેલો કરાર એ બાબતનું ઉદાહરણ પૂરું પાડે છે કે સહકારી સંઘવાદની ભાવનાથી કરવામાં આવતા સંવાદ દ્વારા કોઈપણ સમસ્યાનો ઉકેલ લાવી શકાય છે. આજના કરારથી બિહારના ભોજપુર, બક્સર, રોહતાસ, કૈમૂર, ઔરંગાબાદ, અરવલ, ગયા અને પટના જિલ્લાઓમાં મોટી વસ્તી માટે પીવાના અને સિંચાઈ માટે પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ થશે. 

અત્યાર સુધીમાં કયા કયા વિવાદ ઉકેલાયાં?

કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ રાજ્યો વચ્ચેના ઘણા દાયકાઓથી વણઉકેલાયેલા લાંબા સમયથી પડતર જળ વિવાદોનો આંતર-રાજ્ય પરિષદ દ્વારા ઉકેલ લાવવામાં આવી રહ્યો છે, આ વર્ષે અત્યાર સુધીમાં ચાર ઐતિહાસિક કરારો થયા છે.

ગુજરાત સહિત ચાર રાજ્ય વચ્ચે સમજૂતી 

7 જુલાઈ, 2026 ના રોજ, કેન્દ્રીય ગૃહ મંત્રીની ઉપસ્થિતિમાં 'નર્મદા એવોર્ડ' ના લાભાર્થી રાજ્યો — મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ — વચ્ચે બાકી ચૂકવણીના નિપટારા અંગે એક ઐતિહાસિક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ કરાર સરદાર સરોવર પ્રોજેક્ટના નિર્માણ માટેના ખર્ચની વહેંચણી અંગે આ રાજ્યો વચ્ચેના લાંબા સમયથી ચાલતા વિવાદોને ઉકેલવામાં એક મહત્વપૂર્ણ સમજૂતી બની છે, જેમાં એકસાથે ચૂકવણી દ્વારા બાકી લેણાંનો ઉકેલ લાવવામાં આવ્યો છે.

હરિયાણા-રાજસ્થાનનો યમુના વિવાદ ઉકેલાયો 

29 જૂન, 2026 ના રોજ, યમુના જળ પ્રોજેક્ટના નિર્માણ અને અમલીકરણ અંગે રાજસ્થાન અને હરિયાણા સરકારો વચ્ચે એક મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ કરાર હેઠળ, યમુના કેનાલમાંથી ત્રણ ભૂગર્ભ પાઇપલાઇન દ્વારા આશરે 580 MCM પાણી રાજસ્થાન લઈ જવામાં આવશે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય પશ્ચિમ યમુના કેનાલમાંથી યમુનાના પાણીનો રાજસ્થાનનો હિસ્સો આ ભૂગર્ભ પાઇપલાઇન દ્વારા પહોંચાડવાનો છે. આનાથી રાજસ્થાન અપર યમુના બેસિનમાં ઉપયોગ કરી શકાય તેવા સપાટી પરના પાણીની વહેંચણી અંગેના 1994 ના કરાર હેઠળ તેને ફાળવેલ પાણીનો અસરકારક રીતે ઉપયોગ કરી શકશે. 

કિશાઉ બહુલક્ષી ડેમ પ્રોજેક્ટનો સુખદ ઉકેલ 

16 જૂન, 2026 ના રોજ, નવી દિલ્હીમાં અમિત શાહની અધ્યક્ષતામાં યોજાયેલી એક મહત્વપૂર્ણ બેઠક દરમિયાન લાંબા સમયથી પડતર 'કિશાઉ બહુલક્ષી ડેમ પ્રોજેક્ટ' અંગે સંબંધિત રાજ્યો વચ્ચે સંમતિ સધાઈ હતી. બેઠક દરમિયાન, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને રાજસ્થાન 'કિશાઉ બહુલક્ષી પ્રોજેક્ટ' ના અમલીકરણ માટે સમજૂતી કરાર (MoU) માટે સંમત થયા હતા. આ પ્રોજેક્ટ અંગે, કેન્દ્ર સરકાર કેન્દ્રીય સહાય તરીકે વોટર કમ્પોનન્ટ (પાણીના ભાગ) માટે 90% ભંડોળ પૂરું પાડશે, જ્યારે બાકીનો 10% નાણાકીય બોજ છ રાજ્યો વહન કરશે. પ્રોજેક્ટના વીજળીના ભાગના ખર્ચની વહેંચણીના બદલામાં હિમાચલ પ્રદેશને ફાળવવામાં આવેલું પાણી દિલ્હી અને રાજસ્થાનને ફાળવવા માટે સંમતિ સાધવામાં આવી હતી.