Sat Sep 05 2026

Logo

અમિત શાહ અને એકનાથ શિંદે વચ્ચે એરપોર્ટ પર કઈ ખિચડી રંધાઈ? શાહે શિંદેને કહ્યું, ‘તમે ચિંતા ન કરો’

2026-08-29 16:55:06
Author: Mumbai Samachar Team
અમિત શાહ અને એકનાથ શિંદે વચ્ચે એરપોર્ટ પર કઈ ખિચડી રંધાઈ? શાહે શિંદેને કહ્યું, ‘તમે ચિંતા ન કરો’

મુંબઈ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શનિવારે મુંબઈની મુલાકાતે આવ્યા હતા. વીર ભવન ખાતે પારિવારિક કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ તેઓ દિલ્હી પરત જવાના હતા. અમિત શાહના સ્વાગત માટે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથકે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્ય પ્રધાન સુનેત્રા પવાર સહિત અન્ય નેતાઓ પહોંચ્યા હતા. આ દરમિયાન નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને અમિત શાહ વચ્ચે લગભગ ૧૦ મિનિટ સુધી ખાનગી ચર્ચા થઈ હતી.

સૂત્રોની માહિતી મુજબ, બંને નેતાઓ વચ્ચે રાજ્યની રાજકીય ઘટનાઓ અંગે વાતચીત થઈ હતી. રાજ્યમાં શિવસેનાના મંત્રીઓમાં ચાલી રહેલા અસંતોષના મુદ્દે પણ ચર્ચા થઈ હોવાનું જાણવા મળે છે. આ દરમિયાન અમિત શાહે એકનાથ શિંદેને ‘તમે ચિંતા ન કરો’ એવું આશ્વાસન આપ્યું હોવાની સૂત્રોની માહિતી છે.

દરમિયાન, મુંબઈ મહાનગરપાલિકાના મેયરપદને લઈને મહાયુતિમાં ફરી રાજકીય ખેંચતાણની ચર્ચા છે. અઢી વર્ષ બાદ મુંબઈનો મેયર શિવસેનાનો બનશે અને ભાજપ તથા શિવસેના વચ્ચે સવા-સવા વર્ષનો ફોર્મ્યુલા નક્કી થયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે, ભાજપે આવો કોઈ ફોર્મ્યુલા નક્કી થયો ન હોવાનું જણાવાયુ છે. બીજી તરફ, શિવસેનાના જૂથનેતા અમેય ઘોલેએ દાવો કર્યો છે કે વર્ષા બંગલા ખાતે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી વચ્ચે મેયરપદ અંગે ફોર્મ્યુલા નક્કી થયો હતો અને ભાજપે સવા વર્ષનું મેયરપદ આપવાનું વચન આપ્યું હતું.

સૂત્રોના જણાવ્યા મુજબ, મહાયુતિની સમન્વય સમિતિમાં મેયરપદ અંગે ચર્ચા થઈ હતી. પ્રથમ અઢી વર્ષ ભાજપનો મેયર, ત્યારબાદ અઢી વર્ષ શિવસેનાનો મેયર અને આ સમયગાળામાં પણ સવા-સવા વર્ષનો ફોર્મ્યુલા હોવાનો દાવો છે. આ મુદ્દે સંજય રાઉતે શિંદે જૂથ પર આક્ષેપ કરતા કહ્યું હતું કે શિંદેએ મેયરપદ માટે વ્યવહાર કર્યો છે અને સવા વર્ષનું મેયરપદ ખરીદ્યું છે. તેના જવાબમાં નવનાથ બને કહ્યું હતું કે ઠાકરેએ મુખ્યમંત્રીપદ માટે કેટલા કરોડ રૂપિયા આપ્યા તેનો ખુલાસો કરવો જોઈએ.

બીજી તરફ, ધારાશિવ જિલ્લામાં ઠાકરે જૂથના પાંચ નગરસેવકો ભાજપમાં પ્રવેશ કરવા માટે મુંબઈ જવા રવાના થયા હતા. જોકે, અંતિમ સમયે તેમણે ભાજપને બદલે શિવસેનામાં પ્રવેશ કર્યો. કળંબ નગર પરિષદના આ પાંચ નગરસેવકો ભાજપના પ્રદેશ અધ્યક્ષ રવીન્દ્ર ચવ્હાણની હાજરીમાં પક્ષપ્રવેશ કરવાના હતા. ભાજપના ધારાસભ્ય રાણા જગજીતસિંહ પાટીલના પુત્ર મલ્હાર પાટીલના નેતૃત્વમાં આ પ્રયાસ ચાલી રહ્યો હોવાની ચર્ચા હતી. જોકે, નગરસેવકોએ ઇંદાપુરમાં જ યુ-ટર્ન લીધો અને ધારાશિવ પહોંચ્યા. ત્યારબાદ સાંસદ ઓમરાજે નિંબાળકરના માધ્યમથી તેઓ થાણે પહોંચ્યા અને બુધવારે મોડી રાત્રે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની હાજરીમાં શિવસેનામાં પ્રવેશ કર્યો.