મુંબઈ: અભિનેત્રી અને સાંસદ કંગના રનૌત હાલમાં મુંબઈમાં છે. આજે અચાનક કંગના રનૌત મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિર ખાતે બાપ્પાના દર્શન કરવા પહોંચ્યાં હતાં. અહીં પૂજા-અર્ચના કર્યા બાદ કંગનાએ મુંબઈની આરાધ્ય દેવી મુંબા દેવીના પણ દર્શન કર્યા અને આશીર્વાદ લીધા હતા.
કંગના રનૌત પોતાના અભિનયની સાથે સાથે પોતાના વિવાદિત નિવેદનોને કારણે પણ સતત ચર્ચામાં રહે છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા મુદ્દાઓ ઉપરાંત તે સામાજિક અને રાજકીય બાબતો પર પણ ખુલ્લેઆમ પોતાના વિચારો વ્યક્ત કરે છે. જોકે, આ વખતે કંગના ધાર્મિક યાત્રાને લઈને ચર્ચામાં છે.
કંગના રનૌતે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર સિદ્ધિવિનાયક મંદિર અને મુંબા દેવી મંદિરના દર્શનની કેટલીક તસવીરો શેર કરી હતી. તસવીરોમાં તે બંને મંદિરોમાં પૂજા-અર્ચના કરતી અને ભગવાનના આશીર્વાદ લેતી જોવા મળે છે. તસવીરો શેર કરતી વખતે કંગનાએ લખ્યું હતું, "આજે મુંબઈના રાજા શ્રી સિદ્ધિવિનાયક જી અને મુંબઈની માતા શ્રી મુંબા દેવીના દર્શન કર્યા." કંગનાની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી છે અને તેના ચાહકો તેની સાદગીભરી ધાર્મિક તસવીરોને પસંદ કરી રહ્યા છે.
મંદિર દર્શન દરમિયાન કંગના રનૌત ખૂબ જ સુંદર પરંપરાગત લુકમાં જોવા મળી હતી. તેમણે ગોલ્ડન રંગની કાંજીવરમ સાડી પહેરી હતી. વાળમાં ગજરો અને કાનમાં હેવી ઇયરરિંગ્સ સાથે તેમણે પોતાનો લુક પૂર્ણ કર્યો હતો. કંગનાનો આ પરંપરાગત અવતાર તેમની તસવીરોમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. મંદિરમાં પહોંચ્યા બાદ તેમણે શ્રદ્ધાપૂર્વક બાપ્પાના દર્શન કર્યા અને ત્યારબાદ મુંબા દેવીના પણ આશીર્વાદ લીધા.
કંગના રનૌતના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે આગામી સમયમાં 'ક્વીન 2'માં જોવા મળશે. આ ફિલ્મ વર્ષ 2014માં આવેલી તેમની સુપરહિટ ફિલ્મ 'ક્વીન'ની સિક્વલ છે. ફિલ્મમાં કંગનાનું લોકપ્રિય પાત્ર રાની ફરી એકવાર દર્શકો સમક્ષ પરત ફરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે 'ક્વીન'માં કંગનાએ રાની મેહરાનું પાત્ર ભજવ્યું હતું. રાની દિલ્હીથી આવેલી એક સામાન્ય યુવતી હતી, જેને હંમેશાં પરિવારની ચાર દિવાલોમાં રાખવામાં આવી હતી. તેના મંગેતર દ્વારા લગ્ન તોડી નાખવામાં આવ્યા બાદ રાની એકલી જ હનીમૂન માટે યુરોપ જતી રહે છે. આ સફર દરમિયાન રાનીના વ્યક્તિત્વમાં મોટો બદલાવ આવે છે. તે પોતાનો આત્મવિશ્વાસ મેળવે છે, સ્વતંત્રતાને સ્વીકારે છે અને પોતાની જાતને નવા સ્વરૂપે ઓળખે છે. હવે 'ક્વીન 2'માં આ લોકપ્રિય પાત્રની આગળની સફર કેવી હશે, તે જાણવા માટે ચાહકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે.