Sat Sep 05 2026

Logo

SIR ની કામગીરીને ધ્યાનમાં રાખીને સરકારનો મોટો નિર્ણય: કચ્છના ૨૦૧૨ બીએલઓને રૂ.૪ હજાર અને સુપરવાઈઝરને રૂ.૬ હજારનું વિશેષ ભથ્થું મળશે

2026-08-19 15:30:40
Author: Mumbai Samachar Team
SIR ની કામગીરીને ધ્યાનમાં રાખીને સરકારનો મોટો નિર્ણય: કચ્છના ૨૦૧૨ બીએલઓને રૂ.૪ હજાર અને સુપરવાઈઝરને રૂ.૬ હજારનું વિશેષ ભથ્થું મળશે

ભુજ: ગુજરાતમાં ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને વધુ ક્ષતિરહિત અને વિશ્વસનીય બનાવવાના હેતુથી હાથ ધરાયેલા ‘મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ ૨૦૨૬’ માં રાત-દિવસ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા ફિલ્ડ કર્મચારીઓ માટે રાજ્ય સરકારે વિશેષ ભથ્થાની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે.

આ સઘન કામગીરીમાં રોકાયેલા બૂથ લેવલ ઓફિસર (BLO) અને BLO સુપરવાઇઝરોના પ્રોત્સાહન અર્થે નાણાં વિભાગની મંજૂરી બાદ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સત્તાવાર ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ, કચ્છના ૨૦૧૨ સહિત રાજ્યભરના તમામ BLO અને સુપરવાઇઝરોને તેમના નિયમિત વાર્ષિક વેતન ઉપરાંત વધારાનું 'વન-ટાઇમ' ખાસ ભથ્થું ચૂકવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ આ ખાસ કામગીરી માટે માત્ર રૂ.૨,૦૦૦નું ભથ્થું મંજૂર કરવામાં આવ્યું હતું, જેમાં હવે સરકારે નોંધપાત્ર વધારો કર્યો છે. નવી જાહેરાત અનુસાર, હવે પ્રતિ બીએલઓ રૂ ૪,૦૦૦ અને પ્રતિ BLO સુપરવાઇઝર રૂ ૬,૦૦૦નું ખાસ ભથ્થું આપવામાં આવશે. અગાઉ જે કર્મચારીઓને રૂ.૨,૦૦૦ ચૂકવી દેવાયા છે, તેમને તફાવતની બાકી રકમ સરભર કરીને ચૂકવી દેવામાં આવશે.

કેન્દ્રીય ચૂંટણી પંચના નિયમો અનુસાર, બીએલઓ માટે વાર્ષિક માનદ વેતન રૂ ૧૨,૦૦૦ અને સુપરવાઇઝર માટે રૂ ૧૮,૦૦૦ નક્કી થયેલું છે, જ્યારે સામાન્ય કામગીરી માટે કચ્છના ૨,૦૧૨ બીએલઓને દર ત્રણ મહિને રૂ ૩,૦૦૦નું ચુકવણું કરાય છે. આ નિયમિત માનદ વેતનથી તદ્દન અલગ એવું આ નવું ખાસ ભથ્થું ઉમેરીને અપાતાં કર્મચારીઓને મોટો આર્થિક લાભ થશે. સરકારના આ નિર્ણયથી ફિલ્ડમાં કામગીરી કરતા કર્મચારીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ઉત્સવ વૈદ્ય