Wed Aug 19 2026

Logo

શ્રીલંકા સામે માનવ 'મેજીક' સહિત આ 5 ખેલાડી રહ્યા ભારતની જીતના હીરો

Galle   2026-08-19 14:32:00
Author: Mayur Patel
Article Image

ગૉલઃ ભારતે તેની 600મી ટેસ્ટ મેચમાં શ્રીલંકાને 165 રનથી હાર આપી હતી. ટીમ ઈન્ડિયાએ શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળ આ કારનામું કર્યું હતું.  જીત માટે 372 રનના ટાર્ગેટના જવાબમાં શ્રીલંકાની બીજી ઈનિંગ 206 રનમાં સમેટાઈ ગઈ હતી. માનવ સુથારે 6 વિકેટ ઝડપી હતી. જીત સાથે ટીમ ઈન્ડિયાએ બે મેચની ટેસ્ટ સીરિઝમાં 1-0ની લીડ લીધી હતી.

ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા પોતાની પહેલી ઇનિંગ્સમાં 462 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની પહેલી ઇનિંગ્સ 284 રનમાં સમેટાઈ ગઈ હતી. ટીમ ઇન્ડિયાને બીજી ઇનિંગ્સમાં 178 રનની લીડ મળી હતી. ભારતે પોતાની બીજી ઇનિંગ્સમાં 193 રન બનાવ્યા અને કુલ 371 રનની લીડ મેળવી, આ રીતે શ્રીલંકાને 372 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ભારતની 600મી ટેસ્ટ મેચમાં આ ખેલાડીઓ જીતના હીરો રહ્યા હતા.

માનવ સુથારઃ માનવ સુથાર મેચમાં કુલ 10 વિકેટ ઝડપી હતી. પ્રથમ ઈનિંગમાં તેણે 76 રનમાં 4 વિકેટ ઝડપી હતી અને બીજી ઈનિંગમાં 55 રનમાં 6 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત બેટિંગમાં પણ યોગદાન આપ્યું હતું. માનવ સુથારે પ્રથમ ઈનિંગમાં 24 રન અને બીજી ઈનિંગમાં 9 રન બનાવ્યા હતા.

દેવદત્ત પડિક્કલઃ ટીમ ઈન્ડિયાએ પ્રથમ ઈનિંગમાં 178 રનની લીડ લીધી હતી. જેમાં પડિક્કલની ઈનિંગ મહત્વપૂર્ણ હતી. પડિક્કલે પ્રથમ ઈનિંગમાં 230 બૉલમાં 15 ચોગ્ગા અને1 છગ્ગા સાથે 167 રનની ઈનિંગ રમી હતી. તેમજ બીજી ઈનિંગમાં પણ 74 બૉલમાં 6 ચોગ્ગાની મદદથી 44 રન બનાવ્યા હતા. મેચમાં તેણે 211 રન ફટકાર્યા હતા.

કે.એલ. રાહુલઃ ઓપનર કે.એલ. રાહુલે પ્રથમ ઈનિંગમાં પડિક્કલ સાથે બીજી વિકેટ માટે 189 રનની ભાગીદારી કરી હતી. તેણે 175 બૉલમાં 10 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 82 રન બનાવ્યા હતા. બીજી ઈનિંગમાં પણ 47 બોલમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 35 રન બનાવ્યા હતા.

ઋષભ પંતઃ ટીમ ઈન્ડિયાના વિકેટકિપર ઋષભ પંતે પ્રથમ ઈનિંગમાં 62 બૉલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 39 રન બનાવ્યા હતા. જ્યારે બીજી ઈનિંગમાં તેણે 69 બૉલની ઈનિંગ્સમાં 8 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 66 રન ફટકાર્યા હતા. ભારતની બીજી ઈનિંગમાં ઋષભ પંત જ માત્ર 50 રનના આંકડાને પાર કરી શક્યો હતો.

રવીન્દ્ર જાડેજાઃ ઑલરાઉન્ડર બાપુ ભલે બેટિંગથી કમાલ ન કરી શક્યા હોય પરંતુ મેચમાં તેમણે બોલિંગથી ભારતની 600મી ટેસ્ટ મેચ જીતમાં યોગદાન આપ્યું હતું. જાડેજાએ પ્રથમ ઈનિંગમાં 57 રનમાં 3 વિકેટ ઝડપી હતી. જ્યારે બીજી ઈનિંગમાં તેણે શ્રીલંકાના કેપ્ટન ધનંજય ડિસિલ્વાની બહુમૂલ્ય વિકેટ લઈને ભારતને ટેસ્ટ મેચના અંતિમ દિવસે બ્રેકથ્રુ અપાવ્યું હતું.