Wed Aug 19 2026

Logo

WTC પોઈન્ટ્સ ટેબલ: ભારતનો PCT વધવા છતાં રેન્કિંગ કેમ ન સુધર્યું? જાણો કારણ

Galle   2026-08-19 13:55:00
Author: Mayur Patel
Article Image

Image Source: BCCI


ગૉલઃ ભારતે શ્રીલંકા સામે ગૉલમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં 165 રનથી જીત હાંસલ કરી હતી. જીત માટે 372 રનના ટાર્ગેટના જવાબમાં શ્રીલંકાની બીજી ઈનિંગ 206 રનમાં સમેટાઈ ગઈ હતી. માનવ સુથારે 6 વિકેટ ઝડપી હતી. જીત સાથે ટીમ ઈન્ડિયાએ બે મેચની ટેસ્ટ સીરિઝમાં 1-0ની લીડ લીધી હતી. સીરિઝની બીજી મેચ 23 ઓગસ્ટથી કોલંબોમાં રમાશે. ટીમ ઈન્ડિયાએ શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળ પ્રથમ ટેસ્ટ મેચ જીતવાની સાથે ભારતના PCT (પોઇન્ટ્સ ટકાવારી) માં તો ઉછાળો આવ્યો છે, પરંતુ તેમ છતાં રેન્કિંગમાં કોઈ ફેરફાર થયો નથી. 

WTC માં ભારતનો PCT વધીને હવે 53.33 થયો

શ્રીલંકા સામે પ્રથમ ટેસ્ટ બાદ હવે ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની આ સાયકલમાં કુલ 10 મેચ રમી લીધી છે. તેમાંથી ટીમ ઈન્ડિયાએ પાંચ મેચ જીતી છે. હવે તેના પોઈન્ટ્સ જે પહેલાં 52 હતા, તે વધીને 64 થઈ ગયા છે.  આ ટુર્નામેન્ટમાં જીત પર ટીમને 12 પોઈન્ટ્સ આપવામાં આવે છે. આ મેચ પહેલાં ટીમ ઈન્ડિયાનો PCT 48.15 હતો, જે હવે વધીને 53.33 થઈ ગયો છે; એટલે કે ભારતના PCT માં 5.18 ટકાનો વધારો થયો છે. આ મેચ પહેલાં પણ ટીમ ઈન્ડિયા પાંચમા સ્થાને હતી અને હાલમાં પણ તે જ સ્થાને યથાવત રહેશે.

 

શ્રીલંકાના PCT માં ઘટાડો, ટીમ હજુ પણ છઠ્ઠા ક્રમે

 જો શ્રીલંકાની વાત કરીએ તો તેનો PCT ઘટ્યો છે, પરંતુ તેનું રેન્કિંગ નીચે નથી ગયું, જે તેના માટે રાહતના સમાચાર છે. શ્રીલંકન ટીમ આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધીમાં પાંચ મેચ રમી ચૂકી છે, જેમાંથી તેને બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. હારના કારણે તેને કોઈ પોઈન્ટ્સ મળ્યા નથી, જેથી તેના પોઈન્ટ્સ પહેલાની જેમ 20 જ રહેશે. આ મેચ પહેલાં શ્રીલંકાનો PCT 41.67 હતો, જે હવે ઘટીને 33.33 થઈ ગયો છે. જોકે તેમ છતાં શ્રીલંકા છઠ્ઠા સ્થાને જ  રહેશે.

ટીમ ઈન્ડિયાનું રેન્કિંગ કેમ ન વધ્યું?

હવે પ્રશ્ન એ છે કે જીત છતાં ટીમ ઈન્ડિયાનું રેન્કિંગ કેમ ન વધ્યું? તેનો જવાબ એ છે કે બાંગ્લાદેશે તાજેતરમાં ઑસ્ટ્રેલિયા સામે રમાયેલી પ્રથમ મેચ જીતી હતી, જેના કારણે બાંગ્લાદેશનો PCT વધીને 66.67 થઈ ગયો છે, જે ભારતીય ટીમ કરતાં વધુ છે. તેથી ટીમ ઈન્ડિયાએ હાલમાં પાંચમા નંબરથી જ સંતોષ માનવો પડશે. બીજી તરફ ઈંગ્લેન્ડનો PCT 24.36 છે, જે શ્રીલંકાના 33.33 કરતાં ઓછો છે; તેથી શ્રીલંકાની ટીમ પણ છઠ્ઠા સ્થાને જ રહેશે. તેમાં કોઈ ફેરફાર થયો નથી.