Wed Aug 19 2026

Logo

અમદાવાદમાં હૉસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ, 70 કેસ સિઝનલ બીમારીના, આવા દર્દીઓની સંખ્યા વધી

2026-08-19 12:22:00
Author: Mayur Patel
Article Image

AI Image


અમદાવાદઃ શહેરમાં વરસાદે વિરામ લેતાં અને છેલ્લા થોડા દિવસોથી વાદળછાયા વાતાવરણના કારણે વાયરલ ફીવર અને ગેસ્ટ્રોના દર્દીઓનો ભારે ધસારો થયો છે. 70 ટકા કેસ સિઝનલ બીમારીના છે. શહેરભરની હૉસ્પિટલો અને ક્લિનિક્સની ઓપીડીમાં વાયરલ ફીવર, ગેસ્ટ્રોએન્ટેરાઈટીસ, ઝાડા, ઉલટી અને પાણીજન્ય અન્ય ચેપી રોગોના દર્દીઓમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે.  

શહેરના તબીબોના જણાવ્યા મુજબ, ચોમાસામાં સામાન્ય રીતે આ પ્રકારનો ટ્રેન્ડ જોવા મળતો હોય છે, પરંતુ વાયરલ ફીવર, શરીરનો દુખાવો, અશક્તિ અને ભારે થાકની ફરિયાદ સાથે સતત આવી રહેલા દર્દીઓનો પ્રવાહ ચિંતાનો વિષય છે. ઓપીડીમાં આવતા 70 ટકાથી વધુ દર્દીઓ વાયરલ ફીવર તેમજ ઝાડા, ઉલટી, પેટમાં ચૂંક અને ડીહાઈડ્રેશનની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. આ સાથે જ મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા મચ્છરજન્ય રોગોના કેસો પણ જોવા મળી રહ્યા છે.

ડૉક્ટરોના કહેવા પ્રમાણે, ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ રોગોમાં થયેલો વધારો ખાસ કરીને ચિંતાજનક છે. કારણ કે સમયાંતરે થતો ભારે વરસાદ, પાણી ભરાવા અને પીવાના પાણીમાં સંભવિત પ્રદૂષણને કારણે આવા ચેપ ફેલાવા માટે અનુકૂળ વાતાવરણ ઊભું થાય છે. વરસાદ અને હવામાનમાં વારંવાર થતા ફેરફારો વાયરલ ફીવરના વધારા માટે કારણભૂત છે. અગાઉ દર્દીઓ બે થી ત્રણ દિવસમાં સાજા થઈ જતા હતા, જ્યારે હાલમાં વાયરલ તાવ પાંચથી સાત દિવસ સુધી ચાલે છે.  તાવ કે વાયરલ ઇન્ફેક્શનથી પીડાતા ઘણા દર્દીઓ વધુ પડતી નબળાઈ અને થાક અનુભવી રહ્યા છે.  

ઓગસ્ટ મહિનાના પ્રથમ 16 દિવસો દરમિયાન અમદાવાદમાં ચોમાસા સંબંધિત બીમારીઓમાં વધારો નોંધાયો છે, જેમાં AMC દ્વારા ડેન્ગ્યુના 68, મેલેરિયાના 48, ફાલ્સીપેરમ મેલેરિયાના 6 અને ચિકનગુનિયાનો 1 કેસ નોંધવામાં આવ્યો છે. પાણી અને ખોરાકજન્ય રોગો પણ ચિંતાનો વિષય બન્યા રહ્યા છે, આ સમયગાળા દરમિયાન ઝાડા-ઉલટીના 192, કમળાના 39 અને ટાઇફોઇડના 95 કેસો નોંધાયા છે. શહેરમાં આ વર્ષે અત્યાર સુધી કોલેરાનો એક પણ કેસ નોંધાયો નથી.

સર્વેલન્સ કામગીરીના ભાગરૂપે AMC દ્વારા ડેન્ગ્યુ ટેસ્ટિંગ માટે 3363 સીરમ સેમ્પલ અને પીવાના પાણીના 4155 સેમ્પલ એકત્રિત કરવામાં આવ્યા હતા, જેમાંથી 18 સેમ્પલ અનફિટ હોવાનું જણાયું હતું. ભારે વરસાદ બાદ, AMCની વેક્ટર-બોર્ન ડિસીઝ કંટ્રોલ શાખાએ બે દિવસમાં તમામ સાત ઝોનમાં 1320 કોમર્શિયલ, કન્સ્ટ્રક્શન સાઇટ્સ, હૉસ્પિટલ અને અન્ય જગ્યાઓનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન 244 જગ્યાઓ પર મચ્છરોના બ્રીડિંગ મળી આવ્યા હતા, જ્યારે 346 એકમોને નોટિસ ફટકારવામાં આવી હતી.

મ્યુનિસિપલ કોર્પોરેશને રૂ. 9.76 લાખનો  દંડ વસૂલ્યો હતો અને ઇન્ડિયા કોલોની સ્થિત દેવાંશી આર્કેડ નામની કન્સ્ટ્રક્શન સાઇટ પર મચ્છરોનું બ્રીડિંગ મળી આવતાં તેને સીલ કરવામાં આવી હતી. આ વર્ષે અત્યાર સુધીમાં AMC દ્વારા મચ્છરોના બ્રીડિંગ બદલ કુલ રી. 91.90 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે, જેમાં શહેરના અનેક જાણીતા એકમો સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે.