અમદાવાદઃ ગુજરાત એસ ટી નિગમ દ્વારા દૈનિક અપડાઉન કરતા લોકોને મોટી રાહત આપતી જાહેરાત કરવામાં આવી હતી. દૈનિક મુસાફર પાસ યોજનાના નિયમમાં ફેરફાર કર્યો હતો. આ નિર્ણયથી દૈનિક મુસાફરોને ભાડામાં 50 ટકા સુધીની સીધી આર્થિક રાહત મળશે.
દૈનિક અપડાઉન કરતાં મુસાફરો માટે ખુશખબર...
— Gujarat Information (@InfoGujarat) August 19, 2026
GSRTC દ્વારા ‘દૈનિક મુસાફર પાસ યોજના’માં ભાડા રાહત વધારીને 50% સુધી કરાઈ; નોકરિયાત, વેપારી અને ધંધાર્થી વર્ગને ફાયદો...#GSRTC pic.twitter.com/lY1Q47DuWz
અગાઉ 30 દિવસના માસિક પાસ માટે એસ ટી મુસાફરોએ 18 દિવસનું ભાડું ચૂકવવું પડતું હતું, જે હવે ઘટાડીને માત્ર 15 દિવસનું ભાડું કરી દેવામાં આવ્યું છે. એટલે કે માત્ર 15 દિવસના ભાડામાં પૂરા 30 દિવસ મુસાફરી કરી શકાશે. આવી જ રીતે 90 દિવસના ત્રિમાસિક પાસ માટે અગાઉ 54 દિવસનું ભાડું લેવાતું હતું, જેના બદલે હવે માત્ર 45 દિવસનું ભાડું ચૂકવીને સતત 90 દિવસ મુસાફરીનો લાભ મળશે.
એસ ટી નિગમના આ નિર્ણયથી રાજ્યભરમાં રોજિંદી મુસાફરી કરતા અંદાજે 2.5 લાખથી વધુ લોકોને સીધો આર્થિક ફાયદો થશે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા લેવામાં આવેલા આ પ્રજાલક્ષી નિર્ણયથી નોકરિયાતો, નાના-મોટા વ્યવસાયીઓ અને વેપારી વર્ગને દર મહિને મોટો આર્થિક ફાયદો થશે.